મુંબઈ: મૅક્સિમમ ટેસ્ટિંગ ટાર્ગેટ પાર પાડશે ઍન્ટિજન ટેસ્ટ

07 July, 2020 08:10 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ: મૅક્સિમમ ટેસ્ટિંગ ટાર્ગેટ પાર પાડશે ઍન્ટિજન ટેસ્ટ

ધારાવીના રહેવાસીઓનું સ્ક્રીનીંગ કરતા ડોક્ટર્સ ફોર યુ એનજીઓના સભ્યો. તસવીર : સુરેશ કરકેરા

રૅપિડ ઍન્ટિજન ટેસ્ટનો અવકાશ વધારવા માટે અને આગામી દિવસોમાં વધુ પ્રમાણમાં આ ટેસ્ટ હાથ ધરાય એ સુનિશ્ચિત કરવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ દરખાસ્ત જારી કરીને જણાવ્યું હતું કે અમે પ્રાઇવેટ લૅબને ટેસ્ટ કિટ્સ તેમ જ ટેસ્ટિંગનો ખર્ચ પણ પૂરો પાડીશું અને બદલામાં આ લૅબે ટેસ્ટ હાથ ધરવા માટે તેમની ટીમને ટેસ્ટિંગનાં સ્થળોએ મોકલવાની રહેશે. બીએમસી થોડા દિવસમાં પ્રાઇવેટ કંપનીઓને એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (ઈઓઆઇ) માટે પૂછશે.

અત્યાર સુધી શહેરમાં ૩.૬૦ લાખ રિયલ ટાઇમ પૉલિમરેઝ ચેઇન રીઍક્શન (આરટી-પીસીઆર) કોવિડ-19 ટેસ્ટ હાથ ધરાઈ છે. આરટી-પીસીઆર ટેસ્ટ સૌથી કાર્યક્ષમ હોવા છતાં પરિણામ આપવાની દૃષ્ટિએ રૅપિડ ઍન્ટિજન ટેસ્ટ વધુ ઝડપી છે, કારણ કે એનું નિદાન ૩૦ મિનિટની અંદર થાય છે. આથી આઇસીએમઆર પાસેથી ઍન્ટિજન ટેસ્ટ માટેની મંજૂરી મેળવ્યા બાદ બીએમસીએ પ્રત્યેક કિટદીઠ ૪૫૦ રૂપિયાની કિંમતે ૪.૫ કરોડ રૂપિયાની એક લાખ ઍન્ટિજન ટેસ્ટ કિટ્સનો ઑર્ડર આપ્યો હતો.

અત્યારે પ્રત્યેક એક કરોડ લોકો સામે ૨૭,૦૦૦ ટેસ્ટ હાથ ધરવાનો રેશિયો છે. આ રેશિયો વધારવાના હેતુથી બીએમસીએ કોરોનાનો ઊંચો વૃદ્ધિદર ધરાવતા મલાડ, કાંદિવલી અને બોરીવલી જેવા વિસ્તારોમાં ઍન્ટિજન ટેસ્ટ હાથ ધરવાનું શરૂ કર્યું છે. બીએમસીએ આરટી-પીસીઆર ટેસ્ટ હાથ ધરવા માટે પ્રાઇવેટ લૅબોરેટરીઓની પણ મદદ લીધી છે એમ બીએમસીના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.

બીએમસીએ કુલ જેટલી કિટ્સ મેળવી છે એમાંથી કેટલીક બીએમસી દ્વારા સંચાલિત ચાર મેડિકલ કૉલેજો – કેઈએમ, એલટીએમ (સાયન), નાયર અને કૂપરમાં આપવામાં આવી છે. જોકે માનવબળની અછતને કારણે શહેરમાં વધુ ટેસ્ટિંગ હાથ ધરવા વધુ માનવબળની જરૂર છે.

બીએમસીના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘આ કાર્ય માટે કઈ પ્રાઇવેટ લૅબોરેટરીઝને સાંકળીશું એ અમે હજી સુધી નક્કી કર્યું નથી. બીએમસી ઈઓઆઇ માટે પૂછશે અને પછી ભાગીદારી વિશે નિર્ણય લેવાશે. આની પાછળનો ઉદ્દેશ મુંબઈમાં ટેસ્ટની સંખ્યા વધારવાનો છે, જેથી મહત્તમ લોકો એ પ્રાપ્ત કરી શકે.’

આ ઉપરાંત બીએમસી કન્ટેનમેન્ટ ઝોન, હૉટસ્પૉટ અને ક્વૉરન્ટીન કેન્દ્રોમાં પણ કૅમ્પ ઊભા કરશે. બીએમસીનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર રૅપિડ ઍન્ટિજન ટેસ્ટમાં જો રિપોર્ટ પૉઝિટિવ આવે તો તે રિપોર્ટ આખરી ગણાશે, પણ જો રિપોર્ટ નેગેટિવ આવે અને વ્યક્તિમાં કોરોનાનાં લક્ષણો જણાતાં હોય તો આરટી-પીસીઆર ટેસ્ટ હાથ ધરાશે.

prajakta kasale mumbai news mumbai dharavi coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation