અંધેર નગરી ને બીએમસી રાજા...

12 August, 2020 08:15 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

અંધેર નગરી ને બીએમસી રાજા...

હૉમ ક્વૉરન્ટાઈનનો સ્ટેમ્પ

મુંબઈ મહાનગરપાલિકાએ ૧૪ દિવસના કવૉરન્ટીનનો નિયમ જાહેર કર્યો છે, પરંતુ આ નિયમ સરકારી ચોપડા પૂરતો જ મર્યાદિત છે કે ખરેખર એનો વાસ્તવિક અમલ કરવામાં આવી રહ્યો છે? આ સવાલનો જવાબ જાણતાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. એક તરફ શહેરમાં બિગિન અગેઇન કેમ્પૅન શરૂ કરાયું છે અને દરેક વેપારી ફરીથી પોતાના વેપાર-ધંધા શરૂ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. આ કડીમાં કોરોના મહામારીને કારણે રાજ્યની બહાર ગયેલા લોકો ધીરે-ધીરે શહેરમાં પાછા ફરી રહ્યા છે. વિમાન, ટ્રેન અને રોડ મારફત શહેરમાં આવી રહેલા લોકોને ખરેખર ૧૪ દિવસનો ક્વૉરન્ટીનના નિયમનો અમલ કરવામાં આવી રહ્યો છે? જોકે ‘મિડ-ડે’એ કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે દરરોજના હજારોની સંખ્યામાં આવી રહેલા લોકોને ક્વૉરન્ટીનમાં રાખવા માટે કોઈ રજિસ્ટર બનાવ્યું જ નથી. રોડ મારફત પ્રાઇવેટ વાહનોમાં આવનાર લોકોની કોઈ પૂછપરછ થતી નથી. વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેમાં દરરોજ અંદાજે ૪૦,૦૦૦ જેટલા લોકો શહેરમાં આવી રહ્યા છે. એ ઉપરાંત અલગ-અલગ માધ્યમથી લોકો મોટી સંખ્યામાં મુંબઈ આવી રહ્યા છે. તો અત્યાર સુધીમાં કેટલા લોકોને ક્વૉરન્ટીન કરાયા અને તેમના પર નજર રાખવા માટે શું સિસ્ટમ છે એ વિશે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલ અને અન્ય સંબંધિત અન્યોને સતત મોબાઇલ અને મેસેજ દ્વારા પૂછવામાં આવ્યું, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

સૌથી મોટો સવાલ એ છે કે ટ્રેન કે બસમાં મુંબઈ આવતા લોકો જ્યારે શહેરમાં આવે છે એ પછી તેમના પર હોમ-ક્વૉરન્ટીનના સિક્કા મારવામાં આવે છે, પણ તેમના ટ્રૅકિંગ માટેની કોઈ જ વ્યવસ્થા હોવાનું લાગતું નથી.

બીજી તરફ મુંબઈ મહાનગરપા‌લિકાનાં મેયર ‌કિશોરી પેડણેકરે ૧૪ દિવસના ક્વૉરન્ટીનના નિયમ સામે લૂલો બચાવ કર્યો હતો.

બીએમસીના કમિશનર કેમ ચૂપ છે?

૧૪ દિવસના ક્વૉરન્ટીનના નિયમ ‌વિશે મુંબઈ મહાનગરપા‌લિકાના કમિશનર ઇકબાલ‌સિંહ ચહલને સતત ફોન અને મેસે‌જિસ કર્યા છતાં તથા વૉટ્સઍપ પર તેમણે મેસેજ જોયા હોવા છતાં આ મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું હતું.

રેલવે શું કહે છે?

સેન્ટ્રલ રેલવેના પ્રવક્તા એ. કે. જૈને ‘‌મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યુપીથી ચાર, ગુજરાતથી છ, ગોવા પાસિંગથી બે, કલકત્તાથી એક, બૅન્ગલોરથી એક, હૈદરાબાદથી બે, ‌બિહારથી બે, ‌‌ઓડિશાથી એક, ત્રિવેન્દ્રમથી એક અને રાજસ્થાનથી આવતી એક ટ્રેન દ્વારા મુંબઈમાં દરરોજ અંદાજે ૪૦,૦૦૦ જેટલા લોકો આવતા હશે. મારી જાણ પ્રમાણે તેમને ૧૪ ‌દિવસના હોમ-ક્વૉરન્ટીનનાં સ્ટૅમ્પ બીએમસી દ્વારા મારવામાં આવે છે.’

વેસ્ટર્ન રેલવેના પ્રવક્તા ગજાનન મહતપુરકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રાજસ્થાનથી બે, પંજાબથી બે, અમદાવાદથી એક, ‌દિલ્હીથી એક, ગોરખપુર-મુઝફ્ફરપુર (ઑલ્ટરનેટ ડે) એક, ગાઝીપુર બે (વીકમાં બે વખત) એમ લગભગ મુંબઈમાં ૧૪,૦૦૦થી વધુ લોકો મુંબઈ આવે છે.

બીજેપી શું કહે છે?

આ વિશે બીએમસીમાંના બીજેપીના ગ્રુપ નેતા વિનોદ મિશ્રાએ મિડ-ડેને જણાવ્યું હતું કે ‘બીએમસીનો ૧૪ દિવસનો કવૉરન્ટીનનો નિયમ એકદમ નકામો અને બકવાસ છે. સુશાંતસિંહ રાજપૂતના કેસની તપાસથી ગભરાઈને આ કેસમાં અવરોધ ઊભો કરવા માટે આ ૧૪ દિવસનો નિયમ લાદી દેવામાં આવ્યો છે. બીએમસી પાસે આ નિયમની અમલબજામણી કરવા માટે ન તો પૂરતી યંત્રણા છે અને નહીં તો તેના મોનિટરિંગ કે ફૉલૉ-અપ કરવા મેન પાવર કે અન્ય કોઈ સુવિધાઓ છે. હોમ કવૉરન્ટીનના સ્ટેમ્પ સાથેના લોકો ફરતાં જોવા મળે છે. એથી આવા બકવાસ અને નકામા નિર્ણય સામે સંબંધિત વિભાગ દ્વારા કાર્યવાહી કરીને આ નિયમ વિશે યોગ્ય વિચારણા કરવી જોઈએ.’

૧૪ દિવસનો ક્વૉરન્ટીનનો નિયમ ઍરપોર્ટથી, વાહન દ્વારા કે ટ્રેનથી આવતા દરેક લોકો માટે અમલી છે. મને ઍરપોર્ટથી આવતા લોકો વિશે જાણ છે અને અન્ય માહિતી તમે ‘માય બીએમસી’ સાઇટ પરથી મેળવી લો.
- કિશોરી પેડણેકર, મુંબઈનાં મેયર

mumbai mumbai news coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation preeti khuman-thakur