કોરોના ઈફેક્ટ: બીએમસીના ડૉક્ટરોને બે મહિનાથી નથી મળી સૅલેરી

17 May, 2020 07:27 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

કોરોના ઈફેક્ટ: બીએમસીના ડૉક્ટરોને બે મહિનાથી નથી મળી સૅલેરી

બીએમસીના ડૉક્ટરો

મુંબઈમાં કોરોનાના દેશભરમાં સૌથી વધારે કેસ નોંધાયા છે ત્યારે અહીંની હૉસ્પિટલમાં કામ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ પ્રાઇવેટ ડૉક્ટરોને સેવા આપવા માટે અપીલ કરી છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે પાલિકા સંચાલિત હૉસ્પિટલોમાં પહેલેથી કૉન્ટ્રૅક્ટ બેઝિસ પર કામ કરી રહેલા તમામ ડૉક્ટરો પાસેથી કોરોનાની લડતમાં ફ્રન્ટલાઇન પર કામ કરાવાઈ રહ્યું છે, પરંતુ તેમને માર્ચ મહિનાથી પગાર નથી ચૂકવાયો. એટલું જ નહીં, જીવના જોખમે કામ કરતા ડૉક્ટરોને ૫૦ લાખ રૂપિયાનું ઇન્શ્યૉરન્સ આપવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી હોવા છતાં મુંબઈની વિવિધ હૉસ્પિટલમાં કામ કરતા આવા હજારો ડૉક્ટરોને અત્યાર સુધી આવી સુવિધા નથી અપાઈ. આ ઉપરાંત પ્રાઇવેટ ડૉક્ટરોને મહિને ૮૦,૦૦૦ રૂપિયા અપાઈ રહ્યા છે, જ્યારે જેઓ પહેલેથી કામ કરી રહ્યા છે તેમને ૫૦,૦૦૦ જેટલો જ પગાર ચૂકવાઈ રહ્યો હોવાનો આરોપ છે. આ બાબતે કેટલાક ડૉક્ટરોએ ફરિયાદ કરી હોવા છતાં એનું કોઈ પરિણામ નથી આવ્યું.

મુંબઈમાં દરરોજ સરેરાશ ૮૦૦થી ૯૦૦ નવા કેસ આવી રહ્યા છે ત્યારે શહેરભરમાં આવેલી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત હૉસ્પિટલોમાં કામ કરી રહેલા કાયમી અને કૉન્ટ્રૅક્ટ પર રખાયેલા ડૉક્ટરો ઓછા પડી રહ્યા હોવાથી ગયા અઠવાડિયે પ્રાઇવેટ ડૉક્ટરોને આગળ આવવાની અપીલ પાલિકા પ્રશાસન દ્વારા કરાઈ હતી. એ સિવાય પાલિકાની હૉસ્પિટલોમાં દરદી સાથે ડાયરેક્ટ સંપર્કમાં ન આવતા હોય એવા ડૉક્ટરોને પણ આઇસીયુ કે ટેસ્ટ કરવાના કામમાં લગાડી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે.

યોગાનુયોગ એ છે કે જોગેશ્વરી-ઈસ્ટમાં આવેલી હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (એચબીટી) હૉસ્પિટલમાં કામ કરી રહેલા ૬૫ જેટલા ડૉક્ટરોની આ સમસ્યા રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાના શિવસેનાની છે ત્યારે સામે આવી છે.

એચબીટી હૉસ્પિટલમાં કામ કરતા એક ડૉક્ટરે નામ ન જાહેર કરવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને માર્ચ મહિનાથી પગાર નથી મળ્યો. હું બીજા વિભાગમાં કૉન્ટ્રૅક્ટ ધોરણે અહીં કામ કરું છું. આઇસીયુ સહિતનાં કામ સોંપવાથી કોરોનાનું સંક્રમણ થવાનું જોખમ મારા સહિત રેસિડન્ટ ડૉક્ટરને હોવા છતાં અમને હજી સુધી ૫૦ લાખ રૂપિયાનું ઇન્શ્યૉરન્સ નથી અપાયું. બીજું, અમને મહિને ૫૨,૦૦૦, સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોને ૫૨,૭૦૦ રૂપિયા સૅલેરી અપાય છે, જ્યારે અત્યારે પ્રાઇવેટ ડૉક્ટરોને ૮૦,૦૦૦ રૂપિયા પાલિકા આપી રહી છે. અમે કૉન્ટ્રૅક્ટ પર હોવાથી કામ વધારે અને પગાર ઓછો છે. સંબંધિત અધિકારીઓને પગારવધારા બાબતે રજૂઆત કરાયા બાદ તેઓ આ વિશે વિચારણા ચાલી રહી હોવાનો જવાબ આપે છે. ઇન્શ્યૉરન્સ પાલિકાના સ્ટાફ પર હોય તેમને માટે હોવાનું તેઓ કહે છે. અહીં મારા જેવા ૬૫ રેસિડન્ટ ડૉક્ટરો કામ કરી રહ્યા છે.’

એચબીટી હૉસ્પિટલનાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. વિદ્યા માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માર્ચ-એપ્રિલ મહિનાની વેન્ડર સિસ્ટમ અપડેટ કરાઈ રહી હોવાથી રેસિડન્ટ ડૉક્ટરોની સૅલેરી નથી આપી શકાઈ. જોકે અત્યારે અકાઉન્ટિંગનું કામ થઈ ગયું હોવાથી તેમને ૩-૪ દિવસમાં પગાર મળી જશે. બાકી તેમને ઇન્શ્યૉરન્સ કેમ નથી અપાતો, પ્રાઇવેટ ડૉક્ટર કરતાં ઓછી સૅલેરી શા માટે અપાય છે એ વિશે પાલિકાના હેલ્થ વિભાગના ઉપરી અધિકારીઓ જ જણાવી શકે.’
પાલિકાના પર્મનન્ટ ડૉક્ટર, કૉન્ટ્રૅક્ટ પરના ડૉક્ટર અને પ્રાઇવેટ ડૉક્ટરોની સૅલેરી અને બીજી સુવિધામાં ભેદભાવ વિશે મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર (હેલ્થ) સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે ડૉક્ટરોને સૅલેરી નથી મળી તેમને ૩-૪ દિવસમાં મળી જશે. બીજું, કૉન્ટ્રૅક્ટના ધોરણે કામ કરતા ડૉક્ટરોના પગારવધારા બાબતે કોઈ પ્રસ્તાવ નથી મળ્યો. રહી વાત ઇન્શ્યૉરન્સની, તો અમે પાલિકા માટે કામ કરી રહેલા તમામ ડૉક્ટરોને એમાં સામેલ કરવાનો પ્રયાસ કરીશું.’

કઈ-કઈ છે કમ્પ્લેઇટ્ન્સ?

જોગેશ્વરીની આ હૉસ્પિટલમાં કૉન્ટ્રૅક્ટ પરના ૬૫ ડૉક્ટરોને આઇસીયુ સહિતની ડ્યુટી સોંપાતાં તેમને કોરોના-સંક્રમણ થવાની શક્યતા હોવા છતાં ૫૦ લાખ રૂપિયાના ઇન્શ્યૉરન્સનું કવર નથી અપાયું

પ્રાઇવેટ ડૉક્ટરોને ૮૦,૦૦૦ અને પહેલેથી કામ કરી રહેલા રેસિડન્ટ ડૉક્ટરોને ૫૨,૦૦૦ જ અપાય છે

mumbai mumbai news brihanmumbai municipal corporation coronavirus covid19 prakash bambhrolia