મુંબઈ : મીરા-ભાઈંદરના કમ્યુનિટી કિચનમાં ભ્રષ્ટાચારનો આરોપ

02 June, 2020 09:41 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : મીરા-ભાઈંદરના કમ્યુનિટી કિચનમાં ભ્રષ્ટાચારનો આરોપ

પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા કમ્યુનિટી કિચનમાં તૈયાર કરાઈ રહેલું ભોજન.

કોરોનાને કારણે લૉકડાઉનમાં હજારો ગરીબોને જમવાનું મળી રહે એ માટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકા ક્ષેત્રમાં થાણે કલેક્ટર કાર્યાલય ઑફિસમાં તહસીલદારના માર્ગદર્શનમાં કમ્યુનિટી કિચન ચાલી રહ્યું છે. વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કમ્યુનિટી કિચનમાં ભોજન બનાવવાથી માંડીને પૅકિંગ અને વિતરણનું કામ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં પ્રશાસને કમ્યુનિટી કિચનના ખર્ચની વિગતો જાહેર કરી છે એમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ પાલિકાના સત્તાધારી પક્ષ બીજેપીના નગરસેવકે કર્યો છે. શિવસેનાના નેતાની સંસ્થાને બે કરોડ રૂપિયા ખર્ચપેટે આપવાનું પ્રશાસને મંજૂર કર્યું હોવાનું જણાયું છે.
પ્રશાસન દ્વારા કમ્યુનિટી કિચનના ખર્ચની વિગતો જાહેર કરાયા બાદ બીજેપીના ભાઈંદરના નગરસેવક ધ્રુવકિશોર પાટીલનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તેઓ કહેતા સંભળાય છે કે મીરા-ભાઈંદર મહાનગરપાલિકા ક્ષેત્રમાં કોરોનાના સંકટના સમયમાં તમામ કામની સત્તા કમિશનર ચંદ્રકાંત ડાંગેને અપાઈ છે. તેમની તથા મેયરની જાણ વિના કલેક્ટર કાર્યાલય દ્વારા કમ્યુનિટી કિચનનો ખર્ચ શિવસેનાના નેતા વિક્રમ પ્રતાપ સિંહના પ્રતાપ ફાઉન્ડેશનને બે કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. આમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા જાય છે.

ઉલ્લેખનીય છે કે ૨૨ માર્ચે લૉકડાઉન કરાયા બાદથી મીરા-ભાઈંદર મહાનગરપાલિકા ક્ષેત્રમાં રહેતા જરૂરિયાતમંદોને દરરોજ જમવાનું મળી રહે એ માટે પ્રશાસને તમામ ૨૪ વૉર્ડમાં કમ્યુનિટી કિચનની વ્યવસ્થા કરી છે. કુલ ૨૯ સામાજિક સંસ્થાઓ આમાં કામ કરી રહી છે જેમાં પ્રતાપ ફાઉન્ડેશન પણ સામેલ છે.
પ્રતાપ ફાઉન્ડેશનના ચૅરમૅન વિક્રમ પ્રતાપ સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૨૨ માર્ચે લૉકડાઉન લાગુ કરાયું ત્યારથી ૧૪ એપ્રિલ સુધી અમારી સંસ્થાના માધ્યમથી જરૂરિયાતમંદોને બે લાખ જેટલાં ફૂડ પૅકેટનું વિતરણ કર્યું હતું. જોકે લૉકડાઉન આગળ વધતાં થાણે જિલ્લાના કલેક્ટર, તહસીલદાર ઑફિસ દ્વારા અમારા જેવી કેટલીક સંસ્થાઓને ભોજનનું કામ ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું હતું. ભોજનની સામે પ્રશાસન વળતર ચૂકવશે એવી વ્યવસ્થા કરાઈ હોવાથી અમે કામ ચાલુ રાખ્યું હતું. ૩૦ રૂપિયામાં અમે પૂરી-ભાજી, ચોખા-ભાજી, દાલ-રાઇસ, બિરયાની, મસાલા રાઇસનાં ફૂડ પૅકેટ આપીએ છીએ. પ્રશાસને કમ્યુનિટી કિચનના ખર્ચની જાહેર કરેલી વિગતોમાં સૌથી ઉપર અમારી સંસ્થાનું નામ છે અને રકમ બે કરોડ જેટલી થતી હોવાથી કેટલાકના પેટમાં ચૂંક આવી છે. લોકો બિલની રકમ જુએ છે, પણ અમે ૧૫ એપ્રિલથી ૧૭ મે, ૨૦૨૦ સુધીમાં ૭,૮૩,૬૦૮ ફૂડ પૅકેટની ડિલિવરી તહસીલદારના માર્ગદર્શનમાં કરી છે એ વિરોધીઓને નજરે નથી પડતું. અમારું કામ હજી ચાલું છે અેટલે બીલ પાંચ કરોડ પર થઈ શકે છે. બીજેપીના નેતાઓ લોકોને મદદ કરવાને બદલે જેઓ કામ કરે છે તેમના પર આક્ષેપ કરે છે એ દુ:ખદ છે.’

મીરા-ભાઈંદર ક્ષેત્રના અપર તહસીલદાર અને કમ્યુનિટી કિચનના ઈન્ચાર્જ ડૉ. નંદકુમાર દેશમુખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રતાપ ફાઉન્ડેશન સહિતની સામાજિક સંસ્થાએ કરેલા કામકાજ મુજબ હિસાબ ચૂકવાશે. આથી કોઈ આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું કહેતું હોય તો એ યોગ્ય નથી. અમારી પાસે બધા પુરાવા છે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown mira road bhayander