73 દિવસ બાદ દુકાનો ખૂલી :વેપારીઓમાં આનંદની લહેર, પણ ગ્રાહકો ઓછા આવ્યા

06 June, 2020 08:21 AM IST  |  Mumbai | Bakulesh Trivedi, Mehul Jethva

73 દિવસ બાદ દુકાનો ખૂલી :વેપારીઓમાં આનંદની લહેર, પણ ગ્રાહકો ઓછા આવ્યા

સૌથી વધુ કોરોનાના કેસ ધરાવતા મુંબઈમાં લૉકડાઉનના ૭૩ દિવસ પછી દુકાનો ખોલવાની મંજૂરી અપાયા બાદ ગઈ કાલે શહેરભરમાં મોટા ભાગની દુકાનો ખૂલી હતી. દાદરમાં એક વ્યક્તિ રેડીમેડ ગાર્મેન્ટની દુકાનની બહાર હૅન્ગર પર કપડાં લટકાવી રહ્યો છે. તસવીર : પી.ટી.આઇ.

ભારતમાં સૌથી વધારે કોરોનાના કેસ ધરાવતા મુંબઈમાં લૉકડાઉન-5માં રાજ્ય સરકારે છૂટછાટ આપતાં ગઈ કાલે ૫૦ ટકા દુકાનો ખૂલી હતી. જોકે અઢી મહિનાથી કોરોના વાઇરસનો સામનો કરી રહેલા મુંબઈગરાઓ દુકાનો ખૂલી હોવા છતાં બહુ ઓછી સંખ્યામાં નીકળ્યા હતા. આથી મોટા ભાગના દુકાનદારોએ લાંબા સમયથી બંધ દુકાનોની સફાઈથી માંડીને બાકી રહેલાં કેટલાંક કામ પતાવ્યાં હતાં. આ ઉપરાંત રૉડની કઈ બાજુની શૉપ્સ ઑપન કરવી એ વિશે ગઈ કાલે ઘણી જગ્યાએ મૂંઝવણ જોવા મળી હતી.

મુંબઈમાં ૭૩ દિવસના લૉકડાઉન બાદ ગઈ કાલે દુકાનો ખૂલી હતી. પહેલા દિવસે મોટા ભાગની દુકાનોમાં ગ્રાહકો ઓછા દેખાયા હતા, પરંતુ લાંબા સમય સુધી કોરોનાના ડરથી ઘરમાં બેસી રહ્યા બાદ વેપાર કરવાની તક મળતાં દુકાનદારોમાં ખુશી જોવા મળી હતી. મુંબઈ મહાનગરપાલિકાના કેટલાક વૉર્ડમાં દુકાનો ખોલવાની ગાઇડલાઇન્સ બહાર ન પડાઈ હોવાથી વેપારીઓ મૂંઝાયા હતા. કેટલાંક સ્થળોએ પોલીસની ગાડી આજે કઈ તરફની કે કયા નંબરની દુકાનો ખૂલશે એની માહિતી લાઉડસ્પીકરમાં આપતી જોવા મળી હતી. 


નીતિન ધરોડ (બોરીવલી, એલ. ટી. રોડ)

અમારા રોડ પર બન્ને બાજુ થોડી-થોડી દુકાનો ખૂલી છે. હજી સુધી પાલિકા તરફથી કઈ સાઇડની દુકાનો ખુલ્લી રાખવી એની કોઈ જાણ કરાઈ નથી. પોલીસ ગાડી લઈને રાઉન્ડ મારે છે, પણ અમને કશું કહ્યું નથી. ૭૩ દિવસ બાદ દુકાન ખૂલી. આજે કોઈક કમ્યુનિટીમાં લગ્ન હોવાથી ૨-૩ ગ્રાહકોએ સવારે આવીને શેરવાની અને સાફા જેવી લગ્નની ખરીદી કરી હતી. એકનાં લગ્ન બપોરે હતાં, જ્યારે બીજાનાં સાંજે. જોકે અમારે બોણી તો સારી થઈ છે. બીજા ગ્રાહક છે, પણ ખરીદીનું પ્રમાણ ઓછું છે. અમે થર્મલ ગનથી ગ્રાહકનું ટેમ્પરેચર માપવાની સાથે સૅનિટાઇઝરથી હાથ ધોવડાવીને પ્રવેશ આપ્યો હતો. સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરી રહ્યા છીએ. આશા છે કે ધીમે-ધીમે બધું થાળે પડતું જશે અને બજારમાં ફરી રોનક આવશે.

અનિલ મહેતા (બોરીવલી, એલ. ટી. રોડ)

લાંબા સમયે દુકાન ખોલતાં જ બોણી થઈ હતી. સવારે કેટલાક ગ્રાહકો આવ્યા હતા, પણ ત્યાર બાદ બહુ ઓછા લોકો આવ્યા હતા. રસ્તા પર લોકો જોવા નથી મળતા. આશા છે કે ધીમે-ધીમે લૉકડાઉન સંપૂર્ણ ખૂલ્યા બાદ ઘરાકી નીકળશે.

પરેશ ગોગરી (મુલુંડ, જે. એન. રોડ)

હાલમાં પાલીકા તરફથી યોગ્ય ગાઇડલાઇન્સ ન આવી હોવા છતાં મુલુંડમાં બધી જ દુકાનો ખોલવા દુકાનદારો આવી પહોંચ્યા હતા. દુકાનમાં મુખ્ય મુશ્કેલી માણસોની છે. ૧૫ ટકા જેટલો જ સ્ટાફ છે. કેટલાક વતનમાં તો કેટલાક ટ્રેન કે બસ ચાલુ ન હોવાથી આવી નથી શક્યા. ૭૩ દિવસ સુધી દુકાન બંધ રહેવાથી ધંધાને ભારે નુકસાન થયું છે.

રુશિલ ગડા (મુલુંડ, ઝવેર રોડ)

નવા કસ્ટમર જલદી આવશે નહીં પણ પહેલાંના ઑર્ડર પૂરા કરવાની સાથે દુકાનમાં યોગ્ય રીતે સફાઈ કરવી પડશે. બે દિવસ પહેલાં આવેલા વાવાઝોડાને લઈ થોડું પાણી દુકાનમાં આવ્યું છે, પણ નુકસાન કોઈ પ્રકારનું થયું નથી. પહેલાં જેવી માર્કેટ પકડતાં બે મહિના જેટલો સમય લાગવાની શક્યતા દેખાય છે.

રમેશ જૈન (સૅન્ડહર્સ્ટ રોડ, નૂરબાગ)

બપોરથી દુકાન ખોલી હતી, પરંતુ ઘરાકી બિલકુલ નહોતી. આખો દિવસ એક પણ ઘરાક ન આવ્યો. જ્વેલરી વેચીએ છીએ એટલે પહેલા જ દિવસે લોકો ખરીદવા નીકળી ન પડે એ અમે પણ જાણીએ છીએ. થોડી ઘણી સફાઈ કરી. થોડા હિસાબ પતાવ્યા. બીએમસી અને પોલીસ બન્નેમાંથી કોઈએ આવીને પૂછપરછ કરી નથી. ઘરે બેસીને ઘણા જણને તો ડિપ્રેશન આવી જાય એવી હાલત થઈ ગઈ હતી. આશા છે કે હવે દુકાનો ખોલવાની પરવાનગી મળી છે તો ધીમે-ધીમે બધું રૂટીનમાં આવતું જશે.

સૂર્યકાંત સંગોઈ (કલ્યાણ, શિવાજી ચોક)

રેડીમેડ માર્કેટમાં રોજ નવી ડિઝાઇન આવે છે. અમારી મેઇન સીઝન એપ્રિલ-મે હોય છે. અમે સીઝન માટે ભરેલો માલ હવે દિવાળીમાં વેચવો પડશે, એ સાથે ડિઝાઇન જૂની થતાં એ માલ માથે પડવાની શક્યતા છે.

નરેશ શાહ (ડોમ્બિવલી, કેલકર રોડ)

ફુટવેઅરના ધંધામાં ખૂબ નુકસાની અમને ભોગવવી પડશે, કારણ કે એપ્રિલ અને મે મહિનામાં લગ્નની સીઝનના ફૅન્સી ફુટવેઅર અમે તૈયાર કરી રાખ્યાં હોય. હવે એક વર્ષ સુધી કોઈ આવાં ફુટવેઅર લેશે નહીં અને આ માલ વધુ ટકે પણ નહીં એટલે એ નુકસાન તો ખરું જ એ સાથે બીજા ફુટવેરનાં પણ સોલ ખરાબ થઈ ગયાં છે.

mumbai mumbai news mehul jethva coronavirus covid19 lockdown