મુંબઈ: કોરોના ડ્યુટી પરનો ડૉક્ટર 121 દિવસે મમ્મીને મળ્યો

15 July, 2020 07:02 AM IST  |  Mumbai | Shirish Vaktania

મુંબઈ: કોરોના ડ્યુટી પરનો ડૉક્ટર 121 દિવસે મમ્મીને મળ્યો

શાબાશી આપો આ ગુજરાતી કોરોના વૉરિયરને

ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં ૧૨૧ દિવસ સુધી કોવિડ-19ના દરદીઓની સારવાર કરનારા ૩૦ વર્ષના ઑર્થોપેડિક સર્જ્યન ડૉ. કરણ ભાનુશાલી ગઈ કાલે તેમનાં મમ્મીને મળ્યાં હતાં. તેઓ ૧૦ દિવસના બ્રેક પર હોવાથી ડ્યુટી પર પાછા જશે. ડૉ. કરણ ભાનુશાલીના પપ્પા અને દાદા લૉકડાઉનમાં લોનાવલામાં અટકી પડ્યા હોવાથી મમ્મી ઘરમાં એકલાં છે. પપ્પા અને દાદાએ ઑગસ્ટ મહિનામાં મુંબઈ પાછા આવવાનું વિચાર્યું છે. મમ્મી તેમના દીકરાને દિવસમાં ફક્ત એક વખત જોતાં હતાં. ડૉ. ભાનુશાલી બપોરે ટિફિન લેવા આવે ત્યારે મમ્મી તેમને જોઈ શકતાં હતાં. ડૉ. કરણ ભાનુશાલી સોસાયટીના વૉચમૅન પાસેથી ટિફન લેતા હતા અને એ વખતે બીજા માળના ઘરમાંથી મમ્મી દીકરાને એક નજરે જોઈ લેતાં હતાં.

પીપીઈ કીટ સાથે ડો. કરણ ભાનુશાલી

ડૉ. કરણ ભાનુશાલીનાં મમ્મી દેવયાનીબહેને જણાવ્યું હતું કે ‘૨૩ માર્ચે કરણે તેની બૅગ પૅક કરી અને કહ્યું કે તે એકાદ દિવસમાં પાછો આવશે. ત્યાર પછી કરણે કહ્યું કે તેને કોવિડ સેન્ટરમાં ડ્યુટી સોંપવામાં આવી હોવાથી તે મારી અને બિલ્ડિંગના અન્ય રહેવાસીઓની સલામતી ધ્યાનમાં રાખતાં ઘરે નહીં આવે. જોકે હું રોજ તેનું ટિફિન બનાવીને હાઉસિંગ સોસાયટીના સિક્યૉરિટી ગાર્ડ પાસે રાખતી હતી. એ ટિફિન લેવા માટે કરણ રોજ બપોરે આવતો હતો. વૉચમૅન પાસેથી ટિફિન લેતી વખતે હું બારીમાંથી મારા દીકરાને જોતી હતી. તે કોરોના ઇન્ફેક્શનના દરદીઓની વચ્ચે હોવાથી હું વારંવાર રડતી હતી, પરંતુ પછીથી મને લાગ્યું કે કરણ દરદીઓની સારવાર કરે છે. મારો દીકરો સૈનિકની માફક લડે છે. મને મારા દીકરા માટે અને દરેક ડૉક્ટર માટે ગર્વ છે.’

આ પણ વાંચો : મુંબઈ : ગુજરાતીઓના ગઢમાં છે 60 ટકા પેશન્ટ્સ

૧૦ દિવસની રજા પર ઘરે આવેલા ડૉ. કરણ ભાનુશાલીએ જણાવ્યું હતું કે ‘મને ઘરે આવ્યાની ખુશી થાય છે, પરંતુ હાલના ગંભીર સજોગોમાં ડ્યુટીથી દૂર રહેવાનો રંજ થાય છે. ગયા રવિવારે હું એક ૨૪ વર્ષની છોકરીની સારવાર કરતો હતો, તે છોકરી ઘરથી દૂર રહેવાને કારણે ૨૦ મિનિટ સુધી રડતી રહી હતી. મેં તેને કહ્યું કે પાંચ કે સાત દિવસમાં નેગેટિવ રિપોર્ટ આવે ત્યાર પછી તેને ઘરે મોકલવામાં આવશે. પરિવાર તરફથી સપોર્ટ મળતો ન હોય એવા વૃદ્ધ દરદીઓને મેં જોયા ત્યારે ખૂબ દુઃખ થયું. હું લોકોને કોરોનાથી ડરી નહીં જવા અને એનાં લક્ષણો ડૉક્ટરોથી નહીં છુપાવવાનો અનુરોધ કરું છું.’

coronavirus covid19 lockdown mumbai mumbai news shirish vaktania rajawadi hospital lonavala