મુંબઈ ​: કૅન્સરના 126 દર્દીઓ કોરોના-ઇન્ફેક્શનથી મુક્ત થયા

13 June, 2020 08:04 AM IST  |  Mumbai | Agencies

મુંબઈ ​: કૅન્સરના 126 દર્દીઓ કોરોના-ઇન્ફેક્શનથી મુક્ત થયા

પ્રતીકાત્મક તસવીર

વરલીસ્થિત નૅશનલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ઑફ ઇન્ડિયા (NSCI) ખાતે કોવિડ-19ની સારવાર લેતા કૅન્સરના ૧૨૬ દર્દીઓ અને તેમનાં દસ સગાં કોરોના-ઇન્ફેક્શનથી મુક્ત થતાં એ બધાંને ગઈ કાલે ડિસ્ચાર્જ કરાયા હતા. વરલીના NSCI ડોમમાં હાલ કૅન્સરના ૧૭૫ દર્દીઓ અને તેમનાં ૧૪ સગાં સારવાર લેતાં હતાં. હવે એમાંથી ૫૨ દર્દીઓ અને તેમનાં ચાર સગાં કોવિડ-19 ઇન્ફેક્શનની સારવાર લઈ રહ્યાં છે.

મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે NSCI ડોમમાં દાખલ કરવામાં આવેલા કોવિડ-19 કૅન્સર પેશન્ટ્સમાં ગળું, સ્તન, લોહી અને માથાના કૅન્સર ઉપરાંત ગૅસ્ટ્રિક અને યુરોલૉજિક કૅન્સરના દર્દીઓ હતા. એમાં મોટા ભાગના ૫૦ વર્ષથી વધારે ઉંમરના હતા. એ કૅન્સરના દર્દીઓમાં બે વર્ષના બાળક અને ૭૭ વર્ષની મહિલાનો પણ સમાવેશ છે.

NSCI ડોમમાં ઉપરાંત દેશના જુદા-જુદા ભાગોમાંથી આવેલા કૅન્સરના દર્દીઓ સારવાર લેતા હતા. ત્યાં સારવાર લેનારાઓમાં બાંગલા દેશના એક દર્દીનો પણ સમાવેશ છે. મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીઓએ જણાવ્યા અનુસાર પશ્ચિમી દેશોના અનુભવ મુજબ કૅન્સરના દર્દીઓને કોરોના-ઇન્ફેક્શન લાગે તો તેમનાં મૃત્યુની શક્યતા વધી જાય છે. સરકારી નિયમો પ્રમાણે કોરોના-ઇન્ફેક્શનથી ગ્રસ્ત દર્દીઓને ‘કોરોના કૅર સેન્ટર્સ’ જેવી સર્વસામાન્ય આઇસોલેશન ફૅસિલિટીમાં રાખી ન શકાય. એથી તાતા મેમોરિયલ સેન્ટરને મદદરૂપે મુંબઈ મહાનગરપાલિકાએ NSCI સ્ટેડિયમસ્થિત આઇસોલેશન ફૅસિલિટી કૅન્સરના કોરોના ઇન્ફેક્ટેડ દર્દીઓ માટે સોંપી હતી. ૨૧ માર્ચે NSCI ડોમ ખાતે આઇસોલેશન ફૅસિલિટી શરૂ કરાયા પછી અત્યાર સુધીમાં ત્યાં 1000થી વધારે કોવિડ-19ના દર્દીઓને દાખલ કરાઈ ચૂક્યા છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown worli