મુંબઈ : વસઈમાં 1200 બેડનું કોવિડ કૅર સેન્ટર શરૂ

23 June, 2020 07:52 AM IST  |  Mumbai | Diwakar Sharma

મુંબઈ : વસઈમાં 1200 બેડનું કોવિડ કૅર સેન્ટર શરૂ

વસઈની વરુણ ઇન્ડસ્ટ્રીઝના કોવિડ હેલ્થ કૅર સેન્ટરમાં બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તસવીર : હનીફ પટેલ

વસઈ, નાલાસોપારા અને વિરારમાં વધતા જતા કોવિડ-19ના કેસને કાબૂમાં લાવવા પાલિકા ટૂંક સમયમાં વસઈમાં આવેલી વરુણ ઇન્ડસ્ટ્રીઝના એક માળના મકાનમાં ૧૨૦૦ બેડની સુવિધા ધરાવતું કોવિડ હેલ્થ કૅર સેન્ટર શરૂ કરી રહી છે. લગભગ ૧૦ વર્ષ પહેલાં વરુણ ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર્સ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી થયા બાદ બૅન્કે આ બિલ્ડિંગને સીલ કર્યું હતું. ભારે વરસાદમાં પણ આ બિલ્ડિંગમાં પાણી ભરાતું ન હોવાથી ચોમાસામાં હેલ્થ વર્કર્સ અને પેશન્ટ્સ માટે આ સુવિધા મદદરૂપ બનશે.

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર રમેશ મનાલેએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘કોરોના વાઇરસનાં હળવાંથી મધ્યમ લક્ષણ ધરાવતા દરદીઓને આ કેન્દ્રમાં દાખલ કરવામાં આવશે, જેમાં ઑક્સિજન સપોર્ટ ધરાવતા ૧૨૦ બેડ પણ હશે. વરુણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની વિશાળ સંપત્તિ ઇન્ડિયન બૅન્કના કબજામાં છે. વસઈ-વિરારમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી કોવિડ હેલ્થ કૅર સેન્ટર વિકસાવવા માટે અમે બૅન્કને ઇન્ડસ્ટ્રીઝની સંપત્તિને કોવિડ કૅર સેન્ટરમાં ફેરવવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. આ સુવિધામાં ઑક્સિજન સપોર્ટ ધરાવતા ૧૨૦ બેડ સહિત કુલ ૧૨૦૦ બેડ હશે.’

કમિશનરે ઉમેર્યું હતું કે ‘લગભગ એક કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું આ હેલ્થ કૅર સેન્ટર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્ણ થયા બાદ હવે પહેલા માળે સુવિધા વિકસાવવામાં આવી રહી છે. આ સેન્ટરમાં ૨૦૦૦ બેડ સુધીનું વિસ્તરણ કરી શકાશે. આ સુવિધા માટે પાલિકાને ડૉક્ટર્સ અને હેલ્થ વર્કર્સની પણ જરૂર પડશે.’

વરુણ ઇન્ડસ્ટ્રીઝના કેન્દ્ર ઉપરાંત પાલિકા વિરારમાં ૧૫૦ આઇસીયુ પલંગવાળી સમર્પિત કોવિડ હૉસ્પિટલને પણ ટ્રૉમા સેન્ટરમાં ફેરવી રહી છે.

diwakar sharma coronavirus covid19 mumbai news vasai nalasopara lockdown