પીએમની વૅક્સિન-ટૂરમાં એકેય સીએમ કેમ નહીં?

29 November, 2020 07:15 AM IST  |  Rajkot | Rashmin Shah

પીએમની વૅક્સિન-ટૂરમાં એકેય સીએમ કેમ નહીં?

કોવિડ વૅક્સિન બનાવી રહેલી હૈદરાબાદની કંપની ભારત બાયોટેકની નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મુલાકાત લીધી હતી. તસવીર : પી.ટી.આઈ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વૅક્સિનનું સ્ટેટસ જાણવા માટે અમદાવાદ, પુણે અને હૈદરાબાદ એમ એક દિવસમાં ત્રણ શહેરોની ફાર્મા કંપનીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન ઊડીને આંખે વળગે એવી વાત જો કોઈ હતી તો એ કે એક પણ શહેરમાં જે-તે સ્ટેટના મુખ્ય પ્રધાન હાજર નહોતા. મહારાષ્ટ્ર અને તેલંગણમાં બીજેપીની સરકાર નથી, પણ ગુજરાત તો નરેન્દ્ર મોદી માટે ઘર છે અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે તેમને ઘરોબો પણ છે છતાં રૂપાણી હાજર નહીં રહેતાં જાતજાતના તર્કવિતર્ક શરૂ થઈ ગયા હતા, તો એવી પણ વાતો શરૂ થઈ હતી કે વિજય રૂપાણીના કાર્યકાળથી નારાજ હોવાથી વડા પ્રધાન તેમને મળવા માગતા નહોતા એટલે તેઓ હાજર નથી રહ્યા, પણ આ તમામ વાતો ગપગોળા સમાન છે. એક પણ મુખ્ય પ્રધાને વડા પ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને કોઈ પ્રોટોકૉલ પાળવાની આવશ્યકતા નથી એવી સૂચના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી છોડ્યું એ પહેલાં જ પ્રાઇમ મિનિસ્ટર ઑફિસ (PMO)થી મોકલી દેવામાં આવી હતી.

કોવિડનું સંક્રમણ જે પ્રકારે વધી રહ્યું છે એ જોતાં આ નિર્ણય ખુદ વડા પ્રધાને જ લીધો હતો અને પોતાના આગમન વખતે કોઈ જાતના મેળવડા ઍરપોર્ટ પર ન થાય એવા હેતુથી નરેન્દ્ર મોદીએ જ સૂચના મોકલાવી હતી કે કોઈ રાજ્યના મુખ્ય પ્રધાન કે પ્રધાનમંડળના અન્ય નેતાઓએ હાજરી આપવાનો શિષ્ટાચાર પાળવાની જરૂર નથી અને દરેક પોતાનું કામ રાબેતા મુજબ જ ચાલુ રાખે.

લગ્ન જેવા પ્રસંગમાં અત્યારના સમયે ૧૦૦થી વધુ લોકોને હાજર રહેવાની અને મરણ જેવા દુખદ પ્રસંગે પણ અંતિમયાત્રામાં ૫૦થી વધારે લોકોને જોડાવાની મનાઈ કરવામાં આવી છે ત્યારે પોતાના આગમન વખતે લોકો આવે એ નરેન્દ્ર મોદી જ ઇચ્છતા નહોતા. વડા પ્રધાનને રિસીવ કરવા આવનારા વીવીઆઇપી એવા આ મહેમાનોના અસિસ્ટન્ટથી માંડીને સિક્યૉરિટી સ્ટાફનો કાફલો પણ નૅચરલી મોટો હોવાનો. જો તમામ પ્રકારના પ્રોટોકૉલ પાળવામાં આવે તો એવી પરિસ્થિતિ થઈ જાય કે ઍરપોર્ટ પર જ ૨૫૦થી વધારે લોકો એકઠા થઈ જાય અને એવું બને તો દેશવાસીઓમાં ખોટો સંદેશ પ્રસરે. એવું બને નહીં એવી સ્પષ્ટતા કરવામાં આવી હોવાથી ગઈ કાલે વડા પ્રધાનને લેવા માટે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેમાં જે-તે મુખ્ય પ્રધાને ઍરપોર્ટ જવાનું ટાળ્યું હતું.

pune narendra modi mumbai mumbai news Rashmin Shah coronavirus covid19