મુંબઈમાં કોરોના વાઈરસનો આતંક: સબર્બ્સ બન્યાં હૉટસ્પૉટ

16 June, 2020 07:26 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈમાં કોરોના વાઈરસનો આતંક: સબર્બ્સ બન્યાં હૉટસ્પૉટ

દહિસરમાં કાંદરપાડામાં કોરોના ટેસ્ટ કરી રહેલા હેલ્થ વર્કર્સ. તસવીર : સતેજ શિંદે

શહેરમાં છેલ્લા એક મહિનાથી દરરોજ કોવિડ-19ના ૧૨૦૦થી ૧૪૦૦ પૉઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે લૉકડાઉન હળવું કરાયું એની શરૂઆત સાથે જ કેસનું કેન્દ્ર સબર્બ્સ વિસ્તારો તરફ વળ્યું હોવાનું જોવા મળ્યું છે. મલાડ, જોગેશ્વરી-ઈસ્ટ, અંધેરી-ઈસ્ટ અને ભાંડુપ જેવા ઉત્તરના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કેસની સંખ્યા વધી રહી છે.

પ્રથમ અઢી મહિનામાં કોવિડ-19ના મોટા ભાગના કેસ શહેરના દક્ષિણ અને દક્ષિણ-મધ્ય ભાગમાં નોંધાતા હતા. વરલી, ભાયખલા, તાડદેવ અને પછી ધારાવીમાં કેસમાં ઉછાળો આવતાં આ વિસ્તારો હૉટસ્પૉટ બન્યા હતા, પરંતુ છેલ્લા દિવસથી પૉઝિટિવ કેસનું કેન્દ્ર શહેરના ઉત્તર ભાગ તરફ ખસી રહ્યું છે. દક્ષિણ ભાગમાં કેસમાં આશરે ૨૫ ટકા વધારો જોવા મળ્યો હતો, જ્યારે ઉત્તર ભાગમાં કેસની સંખ્યામાં ૫૦ ટકા કરતાં વધુનો વધારો નોંધાયો છે. કેટલાક ભાગોમાં આ સમયગાળામાં કેસની સંખ્યા બેવડાઈ છે, તો મલાડ, અંધેરી અને વિલે પાર્લે વચ્ચેના ભાગ તથા ભાંડુપ, કુર્લા, ઘાટકોપર કોવિડ-19ના કેસના મામલે ટૉપ ટેન વૉર્ડમાં સામેલ થઈ ગયાં છે.

માત્ર ૧૫ દિવસમાં જ કે-ઈસ્ટ (જોગેશ્વરી-ઈસ્ટ, અંધેરી-ઈસ્ટ અને વિલે પાર્લે-ઈસ્ટ) આઠમા સ્થાનેથી પ્રથમ સ્થાને આવી ગયો છે. કે-ઈસ્ટમાં છેલ્લાં બે અઠવાડિયાંમાં કેસમાં ૭૮ ટકા વધારો નોંધાયો છે.

તો બીજી તરફ ગયા મહિને સેંકડો કેસ જ્યાં નોંધાયા હતા એ એલ-વૉર્ડ (કુર્લા)માં સ્થિતિ પ્રમાણમાં હળવી થઈ છે, પરંતુ ભાંડુપ અને ઘાટકોપર જેવા નજીકના વિસ્તારોમાં ટકાવારી વધી રહી છે. છેલ્લા ૧૪ દિવસમાં ભાંડુપમાં ૮૦ ટકા કેસ વધ્યા છે.

૧૫ દિવસમાં જોગેશ્વરી-ઈસ્ટ, અંધેરી-ઈસ્ટ અને વિલે પાર્લે-ઈસ્ટના કેસમાં 78 ટકા વધારો થયો

એકલા ભાંડુપમાં પૉઝિટિવ કેસની સંખ્યામાં 80 ટકા વધારો થયો

mumbai mumbai news coronavirus covid19 lockdown malad dahisar andheri jogeshwari prajakta kasale