મીરા-ભાઈંદરમાં કોવિડ અપડેટ લિસ્ટમાં ગરબડ

28 July, 2020 07:07 AM IST  |  Mumbai | Mumbai correspondent

મીરા-ભાઈંદરમાં કોવિડ અપડેટ લિસ્ટમાં ગરબડ

પ્રતીકાત્મક તસવીર

મીરા-ભાઈંદરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી પ્રશાસન તેને રોકવામાં નિષ્ફળ જઈ રહ્યું હોવાનો આરોપ થઈ રહ્યો છે અને તેમાં કામમાં બેદરકારી દાખવાઈ રહી હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. ૨૫ જુલાઈ અને ૨૬ જુલાઈના દરરોજના પૉઝિટિવ કેસની યાદીમાં ૧૨ જેટલાં નામ રિપિટ કરાયાં છે. આવી ગરબડ કરીને પ્રશાસન કાં તો કેસના આંકડા છુપાવે છે અથવા તો કર્મચારીઓ બરાબર કામ ન કરતા હોવાનું જણાય છે. આ બાબતે તપાસ કરવાની માગણી કરાતાં કમિશનરે સંબંધિતો પાસેથી જવાબ માગ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા દરરોજ રાત્રે કોરોનાના કેસની અપડેટ જાહેર કરાય છે. ૨૫ જુલાઈએ ૧૪૮ નવા તથા જૂના સંપર્કમાં આવેલા પૉઝિટિવ પેશન્ટનું લિસ્ટ જારી કરાયું હતું. આ લિસ્ટમાં ૭થી ૧૮ નંબરમાં જે પેશન્ટની માહિતી હતી એ બીજા દિવસે એટલે કે ૨૬ જુલાઈના લિસ્ટમાં ૩થી ૧૪ નંબરમાં રિપિટ કરાઈ હોવાનું જાણીને લોકો ચોંકી ઉઠ્યા હતા. બન્ને દિવસે ૧૨ જણની ઉંમર, એરિયા કેવી રીતે સરખા હોઈ શકે?

પાલિકાના આરોગ્ય વિભાગમાં મોટા પાયે ગરબડ ચાલતી હોવાની શંકાને આધારે અનેક લોકોએ પાલિકાના કમિશનર ડૉ. વિજય રાઠોડને આ બાબતે સ્પષ્ટતા કરવાની સાથે આવી ગંભીર બેદરકારી બદલ સંબંધિતો સામે કાર્યવાહી કરવાની માગણી કરતા પત્ર લખ્યા હતા. બીજેપીના ભૂતપૂર્વ સાંસદ અને વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ આ મામલે ટ્‌વીટ કરીને પાલિકા પાસેથી ખુલાસો માગ્યો છે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર ડૉ. વિજય રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા આરોગ્ય વિભાગ દ્વારા અહીં દરરોજ નોંધાતા કોવિડના કેસનું લિસ્ટ બનાવાય છે. બે દિવસના લિસ્ટમાં ૧૨ જેટલાં નામ સરખા આવવા બાબતે અમે સંબંધિતો પાસેથી ખુલાસો માગ્યો છે. ક્યાં ભૂલ થઈ છે એની સ્પષ્ટતા થયા બાદ અમે લિસ્ટમાં સુધારો કરી લઈશું.’

mumbai mumbai news coronavirus covid19 mira road bhayander