મુંબઈમાં કોરોનાના કેસ વધ્યા હોવા છતાંય ચિંતા ન કરો​: કમિશનર

08 September, 2020 07:13 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈમાં કોરોનાના કેસ વધ્યા હોવા છતાંય ચિંતા ન કરો​: કમિશનર

કોરોનાની ટેસ્ટિંગ કરતા બીએમસી ડૉક્ટર

મુંબઈમાં પરિસ્થિતિ કાબૂ હેઠળ હોવા છતાં શહેરમાં કોવિડ-19ના દરદીઓની સંખ્યામાં અચાનક જ ફેરફાર નોંધાયો છે. ૧૯ ઑગસ્ટ સુધી ઍક્ટિવ દરદીઓની સંખ્યા ૧૮,૦૦૦ કરતાં ઓછી હતી. સરેરાશ વૃદ્ધિદર ૦.૭૮ ટકા અને ડબલિંગ રેટ ૯૦ દિવસનો હતો, જ્યારે ૬ સપ્ટેમ્બરે ઍક્ટિવ દરદીઓની સંખ્યામાં ૩૫ ટકા (૨૪,૦૦૦ દરદીઓ) વધારો થયો છે. વૃદ્ધિદર એક ટકા અને ડબલિંગ રેટ ૭૦ દિવસનો થઈ ગયો છે. કેસ વધવાનું એક કારણ ટેસ્ટમાં કરવામાં આવેલો વધારો છે ત્યારે ટેસ્ટ પૉઝિટિવિટી રેટ પણ મહિનાના પ્રથમ પખવાડિયા કરતાં ઊંચો છે.

કેસની સંખ્યા એમએમઆરના આસપાસના વિસ્તારમાં વધી રહી હોવા છતાં ‘ચેઝ ધ વાઇરસ’ કૅમ્પેન રજૂ થયા પછી મુંબઈમાં હકારાત્મક ચિત્ર જોવા મળ્યું હતું. ઍક્ટિવ દરદીઓની સંખ્યા ઘટવા માંડી હતી, વૃદ્ધિદર નીચો ગયો હતો અને ડબલિંગ રેટ મેમાં ૧૦-૧૨ દિવસનો હતો, એ વધીને ૯૦ દિવસનો થયો હતો. એટલું જ નહીં, ટેસ્ટ પૉઝિટિવિટી રેટ (ટીપીઆર)માં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

શહેર પુનઃ ધમધમતું થવા માંડ્યું હતું અને ૧૯ ઑગસ્ટે શહેરમાં ૧૭,૯૧૭ ઍક્ટિવ દરદી હતા.

મુંબઈ મહાનરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે ‘કૉર્પોરેશન મે અને જૂનમાં રોજના ૪૦૦૦ ટેસ્ટ હાથ ધરતી હતી જે ઑગસ્ટમાં વધીને દૈનિક ૭૬૧૯ થયા હતા. ૧ સપ્ટેમ્બરથી ટેસ્ટની દૈનિક સંખ્યા વધીને ૯થી ૧૦,૦૦૦ થઈ છે અને સોમવારે આ આંક ૧૧,૮૬૧ પર પહોંચ્યો હતો. મુંબઈમાં પૉઝિટિવ કેસની સંખ્યા વધવા પાછળનું આ પ્રાથમિક કારણ છે.’

કમિશનરે ઉમેર્યું હતું કે ‘ડીસીએચ/ડીસીએચસી સુવિધાઓમાં ૪૮૦૦ બેડ્ઝ ખાલી છે અને જમ્બો હૉસ્પિટલના અન્ય ૬૨૦૦ બેડ્ઝને ટૂંકી નોટિસ પર ઉમેરી શકાય છે. આથી પૉઝિટિવ કેસ અચાનક વધવાથી ડરવાની જરૂર નથી.’

mumbai mumbai news coronavirus covid19 brihanmumbai municipal corporation prajakta kasale