મૉલ્સ અને સોસાયટી વગેરેમાં નો માસ્ક નો એન્ટ્રી

30 September, 2020 07:48 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મૉલ્સ અને સોસાયટી વગેરેમાં નો માસ્ક નો એન્ટ્રી

પ્રતીકાત્મક તસવીર

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે બીએમસી દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રકારની કાર્યવાહી અંતગર્ત માસ્ક પહેરવા બાબતે જનજાગૃતિ લાવવા માટે તેમ જ વગર માસ્ક દંડાત્મક કાર્યવાહીને વધુ આકરી કરવાનો નિર્દેશ મહાનગરપાલિકા આયુક્ત ઇકબાલસિંહ ચહલે ગઈ કાલે ઑનલાઇન માધ્યમથી એક બેઠક યોજી હતી, જેમાં વરિષ્ઠ અધિકારીઓ ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણી, ડેપ્યુટી કમિશનર, એનએમસી હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ, જાહેર આરોગ્ય વિભાગના મેડિકલ ઑફિસરો, મહાનગરપલિકાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલી બેઠક દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું કે બીએમસીએ ક્ષેત્રનાં બધાં જ કાર્યાલય, મૉલ્સ, સોસાયટી, ઑડિટોરિયમ વગેરેમાં ‘નો માસ્ક નો એન્ટ્રી’ સૂચન કરતું એક સાઇન બોર્ડ લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે બધી બસ તેમ જ ટૅક્સીઓ અને રિક્ષા વગેરે પરિવહન પર પણ ‘નો માસ્ક નો એન્ટ્રી’નાં સ્ટિકર લગાવવાનો નિર્દેશ આપી એને સખ્તાઈથી લાગૂ કરવાનું સૂચન કર્યું હતું.

કોરોનાને રોકવા માટે નિષ્ણાતોએ કહ્યું છે કે માસ્ક મહત્વની ભૂમિકા ભજવે છે. જે લોકો સાર્વજનિક સ્થળે બરાબર માસ્ક પહેરતા નથી એ લોકો પર બસો રૂપિયાની દંડાત્મક કાર્યવાહી બીએમસી દ્વારા પહેલેથી જ શરૂ કરી દીધી છે. આ કાર્યવાહીને વધુ વ્યાપક અને વધુ તીવ્ર કરવાનો નિર્દેશ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવ્યો હતો.

આ બાબતે ઍડિશનલ કમિશનર (વેસ્ટર્ન સબર્બ) સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જેવી કે ટ્રેન, રિક્ષા, બસ વગેરેની અંદર કેટલાક લોકો માસ્ક વગર જ પ્રવાસ કરતા હોય છે, જેને કારણે કોઈ વ્યક્તિ કોરોનાથી ઇન્ફેક્ટેડ થઈ જાય છે અથવા તો બીજાને ઇન્ફેક્ટ કરે છે. એવું ન થાય એ માટે લોકોએ માસ્ક પહેરવો જોઈએ એ જ અમારી કોશિશ છે જેથી પોતે પણ કોરોનાથી બચી શકે. બસ, ટ્રેન, રિક્ષા વગેરે પર માસ્ક વગર પ્રવેશ મળશે નહીં એવી સાઇન દર્શાવતું સ્ટિકર લગાવાશે જેથી લોકોમાં માસ્ક પહેરવા બાબતે જાગૃતિ આવે.’

mumbai mumbai news coronavirus covid19 brihanmumbai municipal corporation lockdown