BMCના સર્વેમાં મોટા ભાગના સિનિયર સિટિઝન્સના ઑક્સિજન-લેવલ ઓકે છે

29 July, 2020 07:28 AM IST  |  Mumbai | Vishal Singh

BMCના સર્વેમાં મોટા ભાગના સિનિયર સિટિઝન્સના ઑક્સિજન-લેવલ ઓકે છે

ધારાવી ખાતે સિનિયર સિટીઝનનું ઓક્સિજન લેવલ તપાસવામાં આવે છે

કોરોના રોગચાળા પર નિયંત્રણ માટે મુંબઈ મહાનગરપાલિકાએ ગયા એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં ૬,૭૪,૦૫૩ સિનિયર સિટિઝન્સનાં ઑક્સિજન-લેવલની કરેલી ચકાસણીમાં ફક્ત ૨૪૭૧ સિનિયર સિટિઝન્સનું ઑક્સિજન-લેવલ ૯૫થી ઓછું આવ્યું છે. એમાંથી ૬,૭૧,૩૧૨ જણનાં ઑક્સિજન-લેવલ નૉર્મલ કે ઊંચાં છે. ઓછું ઑક્સિજન-લેવલ શ્વાસની વ્યાધિઓ પેદા કરતું અને વધારતું હોવાથી એવા સિનિયર સિટિઝન્સ પર બીમારીનું જોખમ વધી જાય છે એથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એ વૃદ્ધો પર નિગરાની રાખવાનું શરૂ કર્યું છે.

મુંબઈ મહાનગરપાલિકાની પાંચ મુખ્ય હૉસ્પિટલોના ડિરેક્ટર રમેશ ભારમલે જણાવ્યું હતું કે ‘ઑક્સિજન-લેવલ ચેક કરતી વખતે જે સિનિયર સિટિઝન્સનાં ઑક્સિજન-લેવલ ૯૫થી ઓછાં નોંધાયાં હતાં તેમની સ્થિતિનું નિરીક્ષણ ચાલુ રાખ્યું છે. આવશ્યકતા જણાય તો તેમને કોરોના કૅર સેન્ટર્સમાં મોકલવામાં આવે છે. કોરોના-ઇન્ફેક્શનનાં લક્ષણો જણાય એ પહેલાં તેમને આઇસોલેશનમાં રાખવામાં આવે છે, જેથી સારવારમાં ઝાઝી સમસ્યા ન નડે. મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાએ ઓછું ઑક્સિજન-લેવલ ધરાવતા સિનિયર સિટિઝન્સ માટે દરેક વૉર્ડમાં મૉનિટરિંગ ટીમ રાખી છે.’

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું કે ‘મુંબઈ મહાનગરપાલિકાએ સિનિયર સિટિઝન્સનાં ઑક્સિજન-લેવલ ચેક કરવા માટે દરેક ઘરમાં જઈને તપાસ કરવાનું અભિયાન હાથ ધર્યું હતું એથી ૯૫થી ઓછું ઑક્સિજન-લેવલ ધરાવતા સિનિયર સિટિઝન્સને શોધવા અને તેમની સારવાર કરવાનું કામ સરળ થઈ ગયું હતું. આ અભિયાનને કારણે સિનિયર સિટિઝન્સમાં કોરોના-ઇન્ફેક્શનના પ્રસાર પર નિયંત્રણ રાખવામાં સફળતા મળી છે.’

mumbai mumbai news vishal singh dharavi mahim coronavirus covid19 brihanmumbai municipal corporation