મુંબઈ: બિલ ઘટાડવા પ્રાઇવેટ હૉસ્પિટલોને પાલિકા ઓછા દરે પીપીઈ કિટ આપશે

25 June, 2020 08:23 AM IST  |  Mumbai | Arita Sarkar

મુંબઈ: બિલ ઘટાડવા પ્રાઇવેટ હૉસ્પિટલોને પાલિકા ઓછા દરે પીપીઈ કિટ આપશે

બાંદરા વેસ્ટના હિલ રોડ પર પાલિકાના હેલ્થ વકર્સ. તસવીર : પ્રદીપ ધિવાર

કોરોના વાઇરસના રોગચાળાને પગલે ઊભા થયેલા અનેક પ્રશ્નોમાં પ્રાઇવેટ હૉસ્પિટલોના ધંધાદારી અને નફાખોરીના અભિગમનો મુદ્દો મુખ્ય રહ્યો છે. અગાઉ પ્રાઇવેટ હૉસ્પિટલ્સમાં બેડની સંખ્યા અને ઉપલબ્ધતાનો પ્રશ્ન ચર્ચાતો હતો. ત્યાર પછી હાલમાં પ્રાઇવેટ હૉસ્પિટલ્સનાં જંગી રકમનાં બિલો વિવાદનો વિષય બન્યાં છે. કોરોનાના દરદીઓ પાસે બેફામ રકમો વસૂલ કરવાનો મુદ્દો એટલો ગંભીર બન્યો છે કે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે દરેક દરદીના ડિસ્ચાર્જ પછી તેનાં બિલો ઑડિટર પાસે જમા કરાવવાનો નિર્દેશ પ્રાઇવેટ હૉસ્પિટલોને આપ્યો છે. ગઈ કાલે પાલિકાના કમિશનરે શહેરની ૩૫ પ્રાઇવેટ હૉસ્પિટલ્સના અધિકારીઓ સાથે ફરિયાદો અને સમસ્યાઓની ચર્ચા કરી હતી.

પીપીઈ કિટ્સને નામે ભારે રકમ વસૂલવાના કિસ્સા પ્રકાશમાં આવતાં મહાનગરપાલિકાએ પીપીઈ કિટ્સ ૪૦૦ રૂપિયાની કિંમતે પ્રાઇવેટ હૉસ્પિટલોને વેચવાની ઑફર કરી છે, કારણ કે હાલમાં પ્રાઇવેટ હૉસ્પિટલ્સ ૯૦૦ રૂપિયાના એક નંગના હિસાબે પીપીઈ કિટ ખરીદે છે અને દરદીઓને ૧૫૦૦ રૂપિયા ચાર્જ કરે છે. એ સ્થિતિમાં મહાનગરપાલિકાએ પ્રાઇવેટ હૉસ્પિટલોને ૪૦૦ રૂપિયે એક નંગના એટલે કે એમના ખરીદભાવે પીપીઈ કિટ આપવાની ઑફર કરી છે. પ્રાઇવેટ હૉસ્પિટલોએ દરેક પ્રકારના ચાર્જિસ બોર્ડ પર ડિસ્પ્લે કરવાનો આદેશ પાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે આપ્યો છે.

રાજ્ય સરકારે ગયા મહિને પ્રાઇવેટ હૉસ્પિટલ્સમાં કોરોના ઇન્ફેક્શનના દરદીઓની સારવારના દર નક્કી કર્યા હતા. જનરલ આઇસોલેશનની જરૂરિયાત ધરાવતા દરદીઓ માટે દિવસના ૪૦૦૦ રૂપિયા, આઇસીયુ બેડના રોજના ૭૫૦૦ રૂપિયા અને વૅન્ટિલેટર રૂમના રોજના ૯૦૦૦ રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યા હતા.

arita sarkar mumbai news mumbai brihanmumbai municipal corporation coronavirus lockdown