મુંબઈ: શહેરનાં કન્ટેનમેન્ટ ઝોન ખૂલશે?

31 July, 2020 01:42 PM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ: શહેરનાં કન્ટેનમેન્ટ ઝોન ખૂલશે?

ધારાવીમાં ફેરિયાઓનું તાપમાન અને ઑક્સિજન-લેવલ ચકાસતી બીએમસીની ટીમ. (તસવીર : સુરેશ કરકેરા)

રાજ્ય આગામી અનલૉક માટે સજ્જ થઈ રહ્યું છે ત્યારે હજી પણ શહેરમાં ૫૦ લાખ કરતાં વધુ લોકો કન્ટેનમેન્ટ ઝોન (પ્રતિબંધિત ક્ષેત્ર) હેઠળ છે. એમાંથી ૪૦ લાખથી વધુ લોકો ઝૂંપડપટ્ટીમાં વસે છે અને બીએમસીના વૉર્ડ-ઑફિસરો કેસની સંખ્યાના આધારે વિસ્તારો ખુલ્લા કરવા કે નહીં આ વિશે નિર્ણય લેશે.

રાજ્ય સરકારે પાંચમી ઑગસ્ટથી મૉલ અને માર્કેટ કૉમ્પ્લેક્સ ખોલવાની જાહેરાત કરી દીધી છે ત્યારે દેશની આર્થિક રાજધાની અનલૉક થવા તરફ આગેકૂચ કરી રહી છે. જોકે ૧.૨૪ કરોડની વસ્તીમાંથી ૫૦.૩ લાખ લોકો હજી પણ ઝૂંપડપટ્ટીઓમાં અને સીલબંધ બિલ્ડિંગોમાં કન્ટેનમેન્ટ ઝોનમાં છે. અત્યારે શહેરભરની ઝૂંપડપટ્ટીઓમાં ૬૨૨ કન્ટેનમેન્ટ ઝોન આવેલાં છે. કોવિડ મહામારીના વ્યાપને અટકાવવા માટે મોટી ઝૂંપડપટ્ટીઓને બીએમસીએ સીલ કરી હોવાથી આ સંખ્યા જૂનથી યથાવત્ છે. તો સીલબંધ બિલ્ડિંગોની સંખ્યા સતત બદલાતી રહે છે, કારણ કે બીએમસીએ કોવિડના દરદી નોંધાયાના ૧૪ દિવસ માટે જ ફ્લોર કે વિન્ગ સીલ કરી હતી.

વડાલા, સાયન અને માટુંગાને સમાવતા એફ નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર ગજાનન બેલ્લાલે જણાવ્યું કે ‘ઘણી ઝૂંપડપટ્ટીઓમાં છેલ્લાં બે અઠવાડિયાંથી એક પણ કેસ નોંધાયો નથી. અમે એની સમીક્ષા કરી રહ્યા છીએ.’

મુંબઈના ઉત્તર ભાગોમાં ગયા મહિને કોવિડના ઘણા કેસ નોંધાયા હતા. વિશાળ ઝૂંપડપટ્ટીઓને સીલ કરવામાં પી નૉર્થ (મલાડ) વૉર્ડ પ્રથમ હતો. પી નૉર્થના અસિસ્ટન્ટ કમિશનર સંજોગ કાબરેએ જણાવ્યું હતું કે ‘હવે કેસની સંખ્યા ઘટી રહી છે એથી અમે કન્ટેનમેન્ટ ઝોનના (૩૦ ફુટ કરતાં પહોળા) મોટા માર્ગો પરની દુકાનોને વૈકલ્પિક દિવસોએ ખુલ્લી રહેવાની છૂટ આપી છે. ’

mumbai mumbai news coronavirus covid19 lockdown prajakta kasale