મુંબઈમાં બહારથી આવનારાને 14 દિવસ હોમ ક્વૉરન્ટીન કરવામાં આવશે

08 August, 2020 06:59 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈમાં બહારથી આવનારાને 14 દિવસ હોમ ક્વૉરન્ટીન કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

સાડાચાર મહિના કરતાં વધારે સમયથી મુંબઈમાં કોરોના વાઇરસને નિયંત્રણમાં રાખવામાં પ્રશાસન તમામ પ્રયાસ બાદ પણ નિષ્ફળ રહ્યું છે. દરરોજ સરેરાશ હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ બહારગામથી આવતા તમામ લોકોને ફરજિયાત ૧૪ દિવસ હોમ ક્વૉરન્ટીન કરવાનો આદેશ બહાર પાડ્યો છે. આ આદેશને લીધે કામકાજ માટે બહારથી આવનારાઓની મુશ્કેલીમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈ મહાનગરપાલિકાએ ૩ ઑગસ્ટે એક આદેશ બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સામેની લડતને આગળ વધારવા અને વાઇરસને શહેરમાં વધુ ફેલાતો અટકાવવા માટે બહારગામથી મુંબઈ આવતા તમામ લોકોને ૧૪ દિવસ ફરજિયાત હોમ ક્વૉરન્ટીનમાં રાખવામાં આવશે.

પાલિકાના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક સરકારી અધિકારીઓ મુંબઈમાં પહોંચ્યા બાદ પોતાનું આઇડેન્ટિટી કાર્ડ બતાવીને ક્વૉરન્ટીનમાં છૂટ આપવાની વિનંતી કરે છે. મુંબઈની બહાર રહેતા લોકોમાં પણ કોરોનાનાં લક્ષણ જોવા મળી રહ્યાં હોવાથી જો તેઓ મુંબઈમાં આવશે તો એનાથી અહીં ફરી કેસ વધવાની શક્યતા છે. આથી તમામ લોકોને ફરજિયાત ૧૪ દિવસ હોમ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે. બહારગામના સરકારી અધિકારી કામકાજ માટે પાલિકાના ઈ-મેઇલ આઇડી પર લેખિતમાં અરજી કરી શકે છે.

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં અત્યારે સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો બહારગામથી મુંબઈ આવી રહ્યા છે. આમાં કોઈને લક્ષણ હોય તો તેનાથી બીજાઓને ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે. આથી અમે ૧૪ દિવસ હોમ ક્વૉરન્ટીન રાખવાનો નિર્ણય લીધો છે.’

મુંબઈ સહિત દેશભરમાં અનેક રાજ્યમાં કોરોનાની સ્થિતિ કેટલાક અંશે નિયંત્રણમાં આવી રહી હોવાથી કેન્દ્ર સરકાર સ્કૂલો ખોલવાની વિચારણા કરી રહી છે. ૩૧ ઑગસ્ટે અનલૉક-૩ની મુદત પૂરી થશે એટલે ૧ સપ્ટેમ્બરથી સેકન્ડરી સ્કૂલો શરૂ કરવા વિશે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને એક મીટિંગમાં વિચાર રજૂ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બૉલીવુડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં બિહારથી આવેલા પોલીસ-અધિકારીઓને ક્વૉરન્ટીન કરવામાં આવવાથી વિવાદ થયો હતો ત્યારે પ્રશ્ન થયો હતો કે સામાન્ય લોકો ખુલ્લેઆમ મુંબઈમાં આવી રહ્યા છે અને પોલીસને કોઈક અકળ કારણસર અટકાવાઈ રહ્યા છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown