ટોટલ લૉકડાઉન સતત અમલી રખાશે તો મીરા-ભાઈંદરના વેપારીઓ ખતમ થઈ જશે

14 July, 2020 11:21 AM IST  |  Mumbai | Mumbai correspondent

ટોટલ લૉકડાઉન સતત અમલી રખાશે તો મીરા-ભાઈંદરના વેપારીઓ ખતમ થઈ જશે

પ્રતીકાત્મક તસવીર

મીરા-ભાઈંદરમાં ૨૭ માર્ચે કોરોના વાઇરસનો પહેલો કેસ નોંધાયા બાદથી વાઇરસની ચેઇન તોડવા માટે અનેક વખત ચારથી પાંચ દિવસનું ટોટલ લૉકડાઉન કરવામાં આવ્યું હતું છતાં દરરોજ ૨૫૦ જેટલા નવા કેસ નોંધાવાની સાથે કેટલાક લોકો લૉકડાઉનનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે એની સામે દુકાનો ૧થી ૧૮ જુલાઈ સુધી સળંગ ૧૮ દિવસ બંધ રખાઈ હોવાથી વેપારી વર્ગ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. તેમણે પાલિકામાં દુકાનો ખોલવા બાબતની અરજીઓ કરી છે. પ્રશાસને ૧૮ જુલાઈ બાદ ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મીરા-ભાઈંદરમાં ઇલેક્ટ્રિક અને હાર્ડવેરની ૩૫૦ જેટલી દુકાનો છે, જ્યારે મોબાઇલની ૧૩૦ જેટલી દુકાનો છે. બન્ને વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનરને મળીને આ બાબતે આવેદન આપ્યું છે.

મીરા-ભાઈંદર ઇલેક્ટ્રિકલ ડિસ્ટ્રિબ્યુટર્સ અસોસિએશનના કિશોર જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટોટલ લૉકડાઉન હોવા છતાં મીરા-ભાઈંદરથી મોટી સંખ્યામાં કામકાજ માટે લોકો મુંબઈ કે થાણે જાય છે. સવાર-સાંજ અનેક જગ્યાએ રસ્તામાં બેસીને માલસામાન વેચાય છે અને દરરોજ કોરોના-કેસમાં વધારો થઈ રહ્યો છે આથી આવા લૉકડાઉનનો કોઈ અર્થ નથી રહેતો. અમે પાલિકાના ઍડિશનલ કમિશનરને કોરોના વાઇરસને કન્ટ્રોલમાં રાખવા માટે લૉકડાઉન સિવાય વિકલ્પ શોધવાની, રીટેલ આઉટલેટ ખોલવાની મંજૂરી આપવાની અને વીજળીનાં બિલમાં રાહત મળે એવી માગણી કરી છે. દુકાનોથી જ કોરોના વાઇરસ ફેલાતો હોય તો લૉકડાઉન છે ત્યારે કોરોના-કેસ ઘટવા જોઈએ. કમિશનરે ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું છે. અહીં ઇલેક્ટ્રિક અને હાર્ડવેરની ૩૫૦ જેટલી દુકાનો છે. આવી જ સ્થિતિ રહી તો મોટા ભાગની દુકાનો કાયમ માટે બંધ કરી દેવી પડશે.’

મીરા-ભાઈંદર મોબાઇલ અસોસિએશનના પ્રમુખ રમણીક ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચાર મહિનાથી અમારી દુકાનો બંધ છે. દુકાનોમાં માલ છે એનાં પેમેન્ટ વેપારીઓ માગી રહ્યા છે, પરંતુ વેચાણ જ બંધ હોવાથી પેમેન્ટ કરવાનું મુશ્કેલ બન્યું છે. આખો દિવસ મોટી સંખ્યામાં લોકોની અવરજવર ચાલુ છે ત્યારે લૉકડાઉનનો કશો અર્થ નથી રહેતો. ૧૮ જુલાઈ સુધીમાં કોઈક નિર્ણય લેવાનું આશ્વાસન અપાયું છે, પરંતુ જો કોરોનાના કેસ વધતા રહેશે અને લૉકડાઉન આગળ વધારાશે તો અમારે કાયમ માટે દુકાનો બંધ કરીને ગામભેગા થવું પડશે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown mira road bhayander