મુંબઈમાં પાલિકા-હૉસ્પિટલોમાં અંધેરરાજ

10 April, 2020 08:49 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં પાલિકા-હૉસ્પિટલોમાં અંધેરરાજ

કાંદિવલીમાં એસ. વી. રોડ પર આવેલી ભારતરત્ન ડૉ. આંબેડકર (શતાબ્દી) હૉસ્પિટલ.

આખા દેશમાં અત્યારે કોરોનાના સૌથી વધુ ૭૦૦ જેટલા કેસ સામે આવ્યા હોવા છતાં મુંબઈમાં મહાનગરપાલિકાના વોર્ડ અને પાલિકા સંચાલિત હૉસ્પિટલના સ્ટાફ વચ્ચે કોઈ જાતનો તાલમેલ ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પાલિકાની મેડિકલ ટીમ કોરોનાના શંકાસ્પદ દરદીઓને જે તે વિસ્તારની હૉસ્પિટલ પરિસરમાં મૂકીને હૉસ્પિટલને જાણ કર્યાં વિના જતી રહેતી હોવાની ચોંકાવનારી ઘટના મંગળ અને બુધવારે કાંદિવલીમાં આવેલી શતાબ્દી હૉસ્પિટલમાં બની હતી.
બોરીવલી (પૂર્વ)માં એમ. જી. રોડ પરના એક કૉમ્પ્લેક્સમાં રહેતા ૬૦ વર્ષના હીરાદલાલનું સોમવારે કાંદિવલીમાં આવેલી ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર (શતાબ્દી) હૉસ્પિટલમાં કોરોનાને લીધે મૃત્યુ થયું હતું. તેમને શનિવારે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયા હતા ત્યારે તેમના વૃદ્ધ માતા, પત્ની, પુત્ર, પુત્રી, જમાઈ, પુત્રીના સાસુ અને ૭ વર્ષની દોહીત્રી બોરીવલીના ઘરમાં હતા. સોમવારે સવારે મૃતકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ રાત્રે તેમનું અવસાન થયા પછી મંગળવારે સવારે બોરીવલીના આર/સેન્ટ્રલ વોર્ડની મેડિકલ ટીમ આ તમામ લોકોને ટેસ્ટ કરવા માટે શતાબ્દી હૉસ્પિટલ લઈ ગઈ હતી.

મૃતકના પરિવારજના જણાવ્યા મુજબ બપોરે બહારથી આવેલી એક ડૉક્ટરે સ્વેબ ટેસ્ટ માટે સેમ્પલ લીધા હતા અને તે જતી રહી હતી. તેઓ હૉસ્પિટલ પરિસરમાં જ સાંજ સુધી હતા ત્યારે હવે તેમણે ઘરે જવાનું છે કે હૉસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં રહેવાનું છે એની કંઈક માહિતી નહોતી અપાઈ. હૉસ્પિટલમાં પૂછપરછ કરતાં ખબર પડી હતી કે તેઓ બપોરથી અહીં છે એની તેમને જાણ જ નથી. આ સાંભળીને તેઓ ચોંકી ગયા હતા. એ સમયે પાલિકાની મેડિકલ ટીમ કે ઍમ્બ્યુલન્સ પણ નહોતી એટલે આઠેય લોકોને ત્રીજા માળે કહેવાતા આઈસોલેસન વોર્ડમાં રખાયા હતા. જો કે અહીં કોરોના સહિત કૅન્સર, એચઆઈવી વગેરેના દરદીઓ વચ્ચે બધાને કોરોનાનું સંક્રમણ થવાની શક્યતા હોવાથી તેઓ વોર્ડની બહારના પેસેજમાં જ મોડી રાત સુધી બેઠા રહ્યા હતા.
મૃતક હીરાદલાલના પુત્રે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારના આદેશ બાદ પણ અહીં આઈસોલેશન વોર્ડ નથી બનાવાયો. ત્રીજા માળે અમારી સાથે કોરોનાના દરદીઓના અનેક સંબંધીઓ હતા. અહીં એટલી બધી ગંદકી હતી કે કોઈ બે મિનિટ પણ રહી ન શકે. ડૉક્ટરો કે અહીંનો સ્ટાફ કંઈ જવાબ નહોતા આપતા. નાછૂટકે અમે ફેસબૂક લાઈવ કરીને અમારી મુશ્કેલી લોકો સુધી પહોંચાડી હતી. કેટલાક પત્રકારોના દબાણથી મેયર કિશોરી પેડણેકર બુધવારે શતાબ્દી હૉસ્પિટલ આવ્યા હતા. તેમણે કોઈની વાત સાંભળ્યા વિના અમારાથી જે બનશે એ કરીશું એમ કહીને ચાલતી પકડી હતી. પાલિકાના વોર્ડ ઑફિસર, મેડિકલ ઑફિસરથી માંડીને સ્થાનિક વિધાનસભ્ય પ્રકાશ સૂર્વે સુધીના તમામ લોકોને ફોન કર્યાં હતા, પરંતુ કોઈએ મદદ નહોતી કરી.’
બોરીવલીના આર/સેન્ટ્રલ વોર્ડના વોર્ડ ઑફિસર ભાગ્યશ્રી કપાસેને ‘મિડ-ડે’એ પૂછતાં તેમણે શતાબ્દી હૉસ્પિટલ અમારા વોર્ડમાં ન આવતી હોવાથી અમે કોઈ મદદ ન કરી શકીએ એમ કહીને ફોન મૂકી દીધો હતો.

મેયર કિશોરી પેડણેકર ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કોરાનાના આ મહાસંકટમાં શક્ય હોય એટલી મદદ લોકોને કરી રહ્યા છીએ. શતાબ્દી હૉસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ બાબતે હું ડૉક્ટરો સાથે વાત કરીને લોકોની મુશ્કેલી દૂર કરવાની કોશિશ કરીશ.’
આઘાતજનક વાત એ છે કે કરોડો રૂપિયાને ખર્ચે મુંબઈ મહાનગરપાલિકા શતાબ્દી જેવી અદ્યતન હૉસ્પિટલ બનાવે છે, પરંતુ અહીં કોરોના જેવા સંકટ સમયે તાત્કાલિક ધોરણે સુવિધા ઊભી કરવા માટે જરૂરી તાલીમ હૉસ્પિટલના સ્ટાફને ન આપતી હોવાથી હજારો લોકો મુશ્કેલીમાં મૂકાવાની સાથે જાન ગુમાવી દે છે. મુશ્કેલીની સમયે જો પાલિકા કે સરકાર જનતાને કામ ન આવી શકે તો એ શું કામનું? એવો સવાલ અત્યારે ચારેબાજીએથી ઊઠી રહ્યો છે.

mumbai news mumbai coronavirus covid19