મુંબઈ: આસપાસનાં શહેરોમાં કોરોના કેસના મરણાંક વધે છે, મુંબઈમાં દર ઘટ્યો

24 June, 2020 07:14 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ: આસપાસનાં શહેરોમાં કોરોના કેસના મરણાંક વધે છે, મુંબઈમાં દર ઘટ્યો

બાંદ્રાના હિલ રોડ પર ચૅક-અપ માટે જઈ રહેલા હેલ્થ વર્કર્સ. તસવીર : પ્રદીપ ધિવાર

છેલ્લા એક મહિનામાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન(એમએમઆર)ના મુંબઈ સિવાયના અન્ય ક્ષેત્રોમાં કોરોના કેસની સંખ્યા અને મરણાંકમાં વધારો નોંધાયો છે, પરંતુ મુંબઈ શહેરમાં કોરોનાનો વૃદ્ધિદર ઘટ્યો છે. ૨૩ મેથી ૨૨ જૂનના ગાળામાં મુંબઈમાં કેસની સંખ્યા બમણા અને મરણાંક ચારગણા પ્રમાણમાં વધ્યા છે, પરંતુ મુંબઈની આસપાસના એટલે કે એમએમઆરનાં અન્ય શહેરોમાં કેસની સંખ્યા ચારગણા પ્રમાણમાં અને મરણાંક આઠગણા પ્રમાણમાં વધ્યા છે.

એમએમઆરમાં મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર અને રાયગડ જિલ્લાનાં શહેરોનો સમાવેશ છે. એમએમઆરમાં આઠ મહાનગરપાલિકાઓનો સમાવેશ છે. મુંબઈ મહાનગરપાલિકા, થાણે મહાનગરપાલિકા, નવી મુંબઈ મહાનગરપાલિકા, ઉલ્હાસનગર મહાનગરપાલિકા, કલ્યાણ- ડોમ્બિવલી મહાનગરપાલિકા, ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકા, વસઈ-વિરાર મહાનગરપાલિકા તથા ભાઈંદર-મીરા રોડ મહાનગરપાલિકા તેમ જ રાયગડ-થાણેના નગર પરિષદ કે નગરપાલિકા ધરાવતાં નવ શહેરો અને હજારેક ગામડાંનો સમાવેશ છે. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ મુંબઈમાં ૧.૨૪ કરોડ, અન્ય સાત મહાનગરપાલિકામાં ૭૪.૩૮ લાખ તથા બાકીના વિસ્તારમાં પચીસેક લાખની વસ્તી છે.

૨૨ માર્ચે લૉકડાઉન જાહેર કરાયા પછીના બે મહિનામાં મુંબઈમાં કોરોના ઇન્ફેક્શનના કેસની સંખ્યા પચીસ હજાર પર પહોંચી હતી અને એમએમઆરનાં અન્ય શહેરોમાં ૭૩૫૬ ઉપર પહોંચી હતી. ૨૩ મેના એકંદર આંકડાની ૨૦ ટકા સંખ્યા હતી. અન્ય શહેરોમાં મરણાંક ૧૨૦ હતા ત્યારે મુંબઈમાં મરણાંક ૧૦૦૦ની આસપાસ હતો, પરંતુ રાજ્ય સરકારે લૉકડાઉનમાં રાહત આપીને છૂટછાટ આપવાની શરૂઆત કરતાં લોકો બહાર નીકળવા માંડ્યા હતા. ત્યાર પછીના ગાળામાં પ્રવાહ પલટાતાં એમએમઆરમાં કેસની સંખ્યા વધવા માંડી હતી. ૩૧ દિવસના ગાળામાં મુંબઈના કેસની સંખ્યામાં બમણી વૃદ્ધિ અને મરણાંકમાં ચારગણી વૃદ્ધિ થઈ, જ્યારે અન્ય શહેરોમાં કેસની સંખ્યામાં ચારગણી અને મરણાંકમાં આઠગણી વૃદ્ધિ થઈ હતી.

રાજ્ય સરકારના અધિકારી એસ. જે. કુંટેએ જણાવ્યું હતું કે લૉકડાઉન ખૂલવાને કારણે લોકોએ બહાર નીકળવાનું શરૂ કરતાં એમએમઆરનાં અન્ય શહેરોમાં કેસની સંખ્યા અને મરણાંક વધ્યા હોઈ શકે છે, પરંતુ બીજી બાજુ ક્વૉરન્ટીન ફેસિલિટીઝ, ઑક્સિજન, વેન્ટિલેટર, આઇસીયુ બેડની સગવડો વધી છે. તે ઉપરાંત દરદીના પ્રથમ દસ સંપર્કોને સંસર્ગની તપાસ માટે ટેસ્ટિંગ અને ટ્રેસિંગનું પ્રમાણ પણ વધ્યું છે. હાઉસ ટુ હાઉસ સર્વે, ડાયાબિટિસ, બ્લડપ્રેશર અને કિડની જેવી અન્ય વ્યાધિઓ ધરાવતા, ઑક્સિજન લેવલ ઓછું ધરાવતા અને વૃદ્ધ નાગરિકોની પણ નોંધ કરવામાં આવે છે. રાજ્ય સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી એસ. જે. કુંટેને કોવિડ-19 નિયંત્રણ માટે એમએમઆરનાં અન્ય શહેરોની જવાબદારી સોંપવામાં આવી છે.

૨૩ મેએ એમએમઆરમાં કેસની સંખ્યામાં ૭૯.૭ ટકા અને મરણાંકમાં ૮૮.૮ ટકા હિસ્સો મુંબઈનો હતો. ૨૨ જૂનના ગાળામાં કેસની સંખ્યામાં ૬૮.૧ ટકા અને મરણાંકમાં ૮૦.૩ ટકા હિસ્સો મુંબઈનો હતો.

mumbai mumbai news prajakta kasale coronavirus covid19 lockdown