BJPનો આરોપ: ગોરેગામના કોવિડ કૅર સેન્ટરમાં થયો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર

27 June, 2020 11:03 AM IST  |  Mumbai | Mumbai Correspondent

BJPનો આરોપ: ગોરેગામના કોવિડ કૅર સેન્ટરમાં થયો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર

ગોરેગામ કોવિડ કૅર સેન્ટર

પાલિકાએ એક બિલ્ડરને ટેન્ડર કાઢ્યા વિના જ ૧૦ કરોડ ૮૦ લાખ રૂપિયાનો વર્ક-ઑર્ડર આપ્યો હતો, જેમાં ગોરેગામના નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં બનેલા કોવિડ કૅર સેન્ટરને બેડ અને તબીબી ઉપકરણો પૂરાં પાડવાનો સમાવેશ થાય છે. એ બિલ્ડરને આ ક્ષેત્રમાં કોઈ અનુભવ નથી. ત્રણ મહિનાના સમયગાળા માટે વર્ક-ઑર્ડર આપતાં પહેલાં કોઈ પ્રકારનાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં નહોતાં.

રોમેલ રિયલ્ટર્સ ગોરેગામના નેસ્કો પ્રદર્શન કેન્દ્રમાં પાલિકાના કોવિડ કૅર સેન્ટરને ઑક્સિજન-સિલિન્ડર, તબીબી પલંગ અને ગાદલાં સપ્લાય કરે છે. રોમેલ રિયલ્ટીના શહેરભરમાં ઘણા રહેણાક પ્રોજેક્ટ છે, પરંતુ અધિકારીઓના જણાવ્યા મુજબ રોમેલ રિયલ્ટર્સને ઑક્સિજન-સિલિન્ડર, પલંગ અને ગાદલા તથા હ્યુમિડીફાયર સપ્લાય કરવાનો કે બનાવવાનો કોઈ પ્રકારનો અનુભવ નથી.

એક્સેસ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર રોમેલ રિયલ્ટર્સને ૧૦.૮ કરોડ રૂપિયાના વર્ક-ઑર્ડર આપવાની મંજૂરી ૨૭ એપ્રિલે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેશીએ આપી હતી, જે આ ત્રણ મહિનામાં ઑક્સિજન-સિલિન્ડર, બેડ અને ગાદલાંની સપ્લાય માટે હતી. પછીથી બીએમસીના મેકૅનિકલ અને ઇલેક્ટ્રિકલ (એમ ઍન્ડ ઈ) વિભાગે પેડેસ્ટ્રલ ચાદર, ગાદલાં, મેડિકલ બેડ, ઑક્સિજન-સિલિન્ડર અને હ્યુમિડીફાયરની સપ્લાય માટે ૨૬ મેએ ૨.૬૭ કરોડ અને ૨.૭૦ કરોડ રૂપિયાના બે પે-ઑર્ડર આપ્યા હતા.

જ્યારે રોમેલ રિયલ્ટર્સે ૧૦.૮ કરોડ રૂપિયાનો ઑર્ડર મેળવ્યો છે ત્યારે કંપનીની વેબસાઇટ દાવો કરે છે કે નેસ્કો આઇસોલેશન સેન્ટર કંપનીના સપોર્ટ સાથે ઊભું કરવામાં આવ્યું હતું. મુંબઈમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થવાથી દરદીઓને ધ્યાનમાં રાખીને બીએમસીએ રોમેલ ગ્રુપના ટેકાથી ગોરેગામના નેસ્કો ગ્રાઉન્ડમાં ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરની સ્થાપના કરી છે.

આ સંબંધે મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાએ કહ્યું કે ‘કોરોનાની આ મહામારીમાં લોકોની આંખમાં ધૂળ નાખાવાનું કામ પાલિકા કરી રહી છે. આપેલા વર્ક-ઑર્ડરમાં પાલિકાએ કોઈ ટેન્ડર બહાર પાડ્યું નહોતું અને એમાં પાલિકાએ એક બિલ્ડરને ૧૦.૮ કરોડ રૂપિયાનું ટેન્ડર આપ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ બિલ્ડરને આ બધી ચીજનો અનુભવ જ નથી. બિલ્ડર તરફથી આપવામાં આવેલા ભાવમાં તો એ વસ્તુ નવી આવી જાય. જે પંખાનું ભાડું તેણે પાલિકા પાસેથી ૧.૮ કરોડ રૂપિયા લીધું છે એમાં નવા પંખા લઈએ તો એ ૭૦ લાખ રૂપિયામાં આવી જાય. એ સાથે જે સીસીટીવી કૅમેરાનો ભાવ લગાડ્યો છે એમાં એક સીસીટીવી કૅમેરાના જે રૂપિયા છે એમાં તો પાંચ સીસીટીવી કૅમેરા આવી જાય. પાલિકા કમિશનર સમક્ષ મેં માગણી કરી છે કે સંબંધિત અધિકારી પર કાર્યવાહી કરવામાં આવે અને બિલ્ડરનું બધું પેમેન્ટ સ્ટૉપ કરવામાં આવે.’

goregaon covid19 coronavirus mumbai news mumbai lockdown brihanmumbai municipal corporation