મુંબઈ:મીરા રોડના બાર-ડાન્સરોએ દારૂ માટે ક્વૉરન્ટીન સેન્ટરમાં ધમાલ મચાવી

25 May, 2020 09:47 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ:મીરા રોડના બાર-ડાન્સરોએ દારૂ માટે ક્વૉરન્ટીન સેન્ટરમાં ધમાલ મચાવી

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના સંકટને કેટલાક લોકોએ ગંભીરતાથી લીધું ન હોવાનું તાજેતરની એક ઘટનામાં જણાઈ આવ્યું છે. મીરા રોડથી ટ્રકમાં ઉત્તર પ્રદેશના મોરાદાબાદ ગયેલા ૭૨માંથી પાંચ બાર-ડાન્સરને કોરોનાનું સંક્રમણ થવાથી તેમને મોરાદાબાદના ક્વૉરન્ટીન સે‍ન્ટરમાં રખાયા છે. આમાંથી કેટલાક લોકોએ હેલ્થ વર્કરો સામે ડાન્સ કરીને બિયરની માગણી કરવાની સાથે ધમાલ મચાવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

મોરાદાબાદ પોલીસના જણાવ્યા મુજબ મુંબઈને અડીને આવેલા મીરા રોડમાં રહેતા બારમાં કામ કરતા લોકો તેમના પરિવાર સાથે ટ્રકમાં બેસીને અહીં પહોંચ્યા હતા. કોરોનાની ગાઇડલાઇન મુજબ તેમની ટેસ્ટ કરાતાં આમાંથી પાંચ જણની ટેસ્ટ પૉઝિટિવ આવી છે. ૭૨ લોકોમાં ૨૦ મહિલા અને ૧૨ બાળકોનો સમાવેશ થાય છે.

આ લોકોને જે હેલ્થ સેન્ટરમાં રખાયા છે ત્યાંના સ્ટાફે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે આમાંના કેટલાક લોકો અહીં આવ્યા ત્યારથી સતત બિયરની માગણી કરીને ડાન્સ કરીને ધમાલ મચાવે છે. બિયર ન આપી શકો તો ઘરે જવાની જીદ તેઓએ પકડી છે. જોકે ક્વૉરન્ટીનનો સમય પૂરો થવાની સાથે કોરોનાનો જ્યાં સુધી રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેમને નહીં જવા દેવાનું હેલ્થ વર્કરોએ કહ્યું હતું.

મોરાદાબાદ વિસ્તારના ઍડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ દીપક ભુકેરે આ વિશે કહ્યું હતું કે મુંબઈ નજીકના મીરા રોડથી અહીં ટ્રકમાં આવી રહેલા લોકોને ડિટેઇન કરીને તેમને ક્વૉરન્ટીન સેલમાં રખાયા છે અને ટ્રક-ડ્રાઇવર ઉપરાંત દારૂની માગણી કરીને ધમાલ મચાવનારા આ લોકો સામે અમે આઇપીસીની કલમ ૧૪૭, ૩૩૨, ૩૫૨, ૫૦૪, ૧૮૮, ૨૬૯ અંતર્ગત ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

mumbai mumbai news mira road