કોરોનાનો અસર : પોલીસો જ કરાવે છે દુકાનો બંધ

02 April, 2020 12:22 PM IST  |  Mumbai | Anurag Kamble

કોરોનાનો અસર : પોલીસો જ કરાવે છે દુકાનો બંધ

લૉકડાઉનની શરૂઆતમાં જ પોલીસે દાદરની માર્કેટમાં ગ્રાહકોને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાની સૂચના આપી હતી.

કોવિડ-19ને પગલે લાગુ કરાયેલા લૉકડાઉનથી પરેશાન મુંબઈગરાઓની મુશ્કેલીમાં પોલીસો વધારો કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. શહેરના વિવિધ ભાગોમાંથી લોકોએ કરેલી ફરિયાદ મુજબ જીવનાવશ્યક ચીજોની દુકાનો ૨૪ કલાક ખુલ્લી રાખવાનો રાજ્ય સરકારનો આદેશ હોવા છતાં પોલીસો કરિયાણા અને શાકભાજીની દુકાનો બંધ કરાવી રહી છે. જ્યારે લૉકડાઉન હોવા છતાં સરકારે દેશના નાગરિકોને કરિયાણા અને શાકભાજી તથા દવાઓ જેવી જીવનાવશ્યક ચીજો ખરીદવા ઘરની બહાર નીકળવાની પરવાનગી આપી છે. દુકાનો પર ભીડ ઓછી થાય એ માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દુકાનો આખો દિવસ ખુલ્લી રાખવાની પરવાનગી આપી હોવાથી ઘણા મુંબઈગરાઓએ સોશ્યલ મીડિયા પર વિશેષ કરીને ટ્વિટર પર પોલીસોના વર્તનની ફરિયાદ કરી છે.

ટ્વિટર પરની ફરિયાદ કરનારા આલ્બર્ટ ફર્નાન્ડિસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે દુકાનો મર્યાદિત સમય માટે ખુલ્લી રાખવાના પોલીસના વલણથી દુકાનો પર ભીડ વધી જાય છે. દુકાનો જલદી બંધ કરાવવા માટે પોલીસો હેડ-ક્વૉર્ટરનો આદેશ આગળ ધરે છે. આ જ પ્રકારની ફરિયાદો ગોરેગામ અને મુલુંડ વિસ્તારમાંથી પણ કરવામાં આવી રહી છે જેને કારણે શહેરના નાગરિકો તેમ જ દુકાનદારોને પણ તકલીફ થઈ રહી છે.

લૉકડાઉનમાં દુકાનો જલદી બંધ કરાવવાના મુદ્દા પર શહેરના પોલીસ કમિશનર પરમબીર સિંહે શહેરના નાગરિકો સાથે ટ્વિટર પર સંવાદ સાધતાં કહ્યું હતું કે મુંબઈ પોલીસ દ્વારા આવા કોઈ આદેશ આપવામાં આવ્યા નથી અને જીવનાવશ્યક ચીજોની દુકાન ૨૪ કલાક ખુલ્લી રાખી શકે છે. દુકાનો ખુલ્લી રાખવા માટે કોઈ સમયમર્યાદા ઠરાવવામાં આવી નથી. જો આવી કોઈ ઘટના બને, પોલીસો દુકાન જલદી બંધ કરાવે તો શહેરના નાગરિકો ૧૦૦ નંબર પર મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમ પર સંપર્ક કરી શકે છે.

મુંબઈ પોલીસને દુકાન બંધ કરાવવાના કોઈ આદેશ આપવામાં આવ્યા નથી, આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ૨૪ કલાક ખુલ્લી રહી શકે છે.

- પરમબીર સિંહ, કમિશનર ઑફ પોલીસ, મુંબઈ

anurag kamble mumbai mumbai news coronavirus covid19