ઘાટકોપરને થઈ થોડી હાશ!

25 May, 2020 08:22 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ઘાટકોપરને થઈ થોડી હાશ!

મીટિંગ

ઘાટકોપરમાં કોરોનાના પેશન્ટ્સની સંખ્યા જ્યાં ૧૦૦૦ને પાર કરી ગઈ છે અને એ કોરોના-હૉટસ્પૉટ બની ગયું છે ત્યારે શનિવારે પ્રાઇવેટ પ્રૅક્ટિસ કરતા ડૉક્ટરોને બીએમસીએ ‘તમે શા માટે લક્ષણ ન હોય એવા દર્દીઓને કોરોના-ટેસ્ટ માટે પ્રાઇવેટ લૅબમાં મોકલાવો છો?’ એનો જવાબ માગતી શો-કૉઝ નોટિસ મોકલાવતાં આ મુદ્દો ગંભીર બની ગયો હતો. એક બાજુ પાલિકા પોતે મેડિકલ સ્ટાફની અછત અનુભવી રહી છે ત્યારે પ્રાઇવેટ ડૉક્ટરો પર પણ જો ઍક્શન લેવાય તો એ દર્દીઓને તપાસવાનું જ છોડી દે એવી શક્યતા ઊભી થઈ હતી. આખરે એ ડૉક્ટરો, બીએમસીના વૉર્ડ-ઑફિસર અને ઉચ્ચ અધિકારીઓ તથા લોકપ્રતિનિધિઓ જેમાં સંસદસભ્ય મનોજ કોટક, વિધાનસભ્ય પરાગ શાહ, નગરસેવક પ્રવીણ છેડા, ભાલચંદ્ર શિરસાટ અને બિંદુ ત્રિવેદીએ ‘એન’ વૉર્ડના ડીએમસી બાલમવાર અને એએમસી અજિતકુમાર આંબીને રજૂઆત કરી હતી અને આખરે પ્રશ્નનું નિરાકારણ આવતાં ઘાટકોપરની ઘાત ટળી ગઈ હતી.

બીએમસીની શો-કૉઝ નોટિસ જેમને મોકલાઈ હતી એ ઘાટકોપરના જાણીતા ડૉ. ચેતન વેલાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું દરરોજ ૬૦થી ૭૦ દર્દીઓને તપાસું છું. એમાંથી જેકોઈ દર્દીમાં કોરોનાનાં લક્ષણ દેખાય તેમના નજીકના લોકોને હું કોરોના-ટેસ્ટ માટે રિફર કરું છું. મને બીએમસીએ એમ કહ્યું કે તમારા મોકલાવેલા પેશન્ટમાં કોરોનાનાં લક્ષણ નહોતાં તો પણ તમે તેને કેમ ટેસ્ટ કરવા રિફર કર્યો? તમે આમ કરી કોરોનાના કાયદાનો ભંગ કર્યો છે, માટે તમારું લાઇસન્સ પણ રદ થઈ શકે છે. મને આ નોટિસનો જવાબ આપવા જણાવાયું હતું. જો દર્દીમાં લક્ષણ ન હોય તો હું શા માટે ટેસ્ટ માટે મોકલાવું? બીજું, અમારે દર્દીની માહિતી આપતું બીએમસીનું ઍનેક્સ્ચર ફૉર્મ ભરવાનું હોય છે, જેમાં અમે પ્રાઇવેટ લૅબનું નામ નથી લખતા. દર્દીએ ઑનલાઇન એ માટે અપૉઇન્ટમેન્ટ લેવાની હોય છે. વળી એ ચારથી પાંચ લૅબને કેન્દ્ર સરકારે જ મંજૂરી આપી છે અને એ ટેસ્ટના ૪૫૦૦ રૂપિયા કેન્દ્ર સરકારે જ નક્કી કર્યા છે. જો અમને શંકા હોય કે સાવચેતી માટે જ અમે તેમને રિફર કરીએ એ દેખીતી વાત છે. વળી જો ઘરમાં એકને કોરોના-પૉઝિટિવ આવ્યો હોય તો અમે ઘરના બીજા સભ્યો જે સાથે રહેતા હોય તેમને પણ ટેસ્ટ કરાવવાનું રેકમન્ડ કરીએ, કેમ કે તેમને ન જ થયો હોય એવું ન કહી શકાય.’

જ્યારે બીજી તરફ બીએમસીના ‘એન’ વૉર્ડના મેડિકલ ઑફિસર ડૉ. મહેન્દ્ર ખંદારેએ કહ્યું હતું કે ‘આ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. હવે આજે થયેલી મીટિંગમાં એ પ્રશ્ન રિસૉલ્વ થઈ ગયો છે. અમે ડૉક્ટરો સાથે મીટિંગ કરી અને તેમની બાજુ પણ સાંભળી. સરકારે ટેસ્ટિંગ માટે કેટલીક ગાઇડલાઇન્સ નક્કી કરી છે. કમિશનરને એવું લાગ્યું કે કેટલીક બાબતો બરોબર ફૉલો નથી થતી એટલે તેમણે શો-કૉઝ નોટિસ પાઠવી હતી. ડૉક્ટરોએ લોકપ્રતિનિધિ સાથે આવી અમને મળીને તેમની રજૂઆત કરી હતી જેમાં મિસ-કમ્યુનિકેશન થયું હોવાનું જણાયું હતું, પણ હવે એ પ્રશ્ન રિસૉલ્વ થઈ ગયો છે.’

ઘાટકોપરના આ પ્રશ્નની ગંભીરતા સમજીને સંસદસભ્ય મનોજ કોટક અને અન્ય લોકપ્રતિનિધિઓ ડૉક્ટરો સાથે બીએમસીના અધિકારીઓને મળ્યા હતા. મનોજ કોટકે આ મુદ્દો ટેક્નિકલી સમજાવતાં કહ્યું કે ‘બીએમસી અને પ્રાઇવેટ ડૉક્ટરો વચ્ચે કો-ઑર્ડિનેશનનો અભાવ હતો. સરકારના ૧૨ મેના સર્ક્યુલરમાં એમ કહેવાયું હતું કે જો દર્દી કોરોના-પૉઝિટિવ લાગે તો તેના પરિવારના સભ્યોની ચકાસણી પાંચ-દસ દિવસ પછી કરાવવી, પણ એ સમય જોખમી પુરવાર થતો હતો એથી ૧૮ મેએ ફરીથી સર્ક્યુલર કાઢીને એમાં ફેરફાર કરીને પરિવારના સભ્યોની ચકાસણી સાથે જ કરાવવાનું જણાવાયું હતું. જોકે બીએમસીના અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી. હવે ડૉક્ટરો તેમને શો-કૉઝ નોટિસનો જવાબ આપશે એ બીએમસી સ્વીકારી લેશે અને આમ આ ઇશ્યુ સૉલ્વ થઈ ગયો છે.’

આ એક મિસઅન્ડરસ્ટૅન્ડિંગ હતી. આજે યોજાયેલી મીટિંગમાં એ પ્રશ્ન રિસૉલ્વ થઈ ગયો છે. અમે ડૉક્ટરો સાથે મીટિંગ કરીને તેમની બાજુ પણ સાંભળી.

- ડૉ. મહેન્દ્ર ખંદારે, ‘એન’ વૉર્ડના મેડિકલ ઑફિસર

mumbai mumbai news ghatkopar coronavirus covid19 lockdown