મુંબઈ ​: વસઈ-વિરાર છે કોરોનાનાં હૉટસ્પૉટ

20 June, 2020 08:06 AM IST  |  Mumbai | Diwakar Sharma

મુંબઈ ​: વસઈ-વિરાર છે કોરોનાનાં હૉટસ્પૉટ

નાલાસોપારામાં શ્રીરામ નગર કન્ટેનમેન્ટ ઝોન છે

નાલાસોપારા કોવિડ-19ના હૉટસ્પૉટ તરીકે ઊભરી રહ્યું છે એવા ‘મિડ-ડે’ના અહેવાલના ૧૦ દિવસ પછી વસઈ-વિરારમાં લશ્કરી અધિકારીઓએ અનેક વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે. જોકે એ વિસ્તારના નાગરિકો અને આરોગ્ય કર્મચારીઓ એવો દાવો કરી રહ્યા છે કે રહેવાસીઓ સહકાર આપવા કે સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરવા તૈયાર નથી.

પાલિકાના વડા ગંગાધરન ડી. એ વિસ્તારના ડૉક્ટરો, પોલીસ અને આરોગ્ય કર્મચારીઓને ૧૭ જૂને મળ્યા હતા અને નાલાસોપારાના વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફેરવવાનો નિર્ણય લીધો હતો.

છેલ્લા ૧૫ દિવસમાં વસઈ-વિરારમાં કોવિડ-19ના કેસ અત્યંત ઝડપથી ફેલાયા છે, જે માટે નબળું માળખું ધરાવતા તેમ જ નજીક-નજીક આવેલાં ઘરો મુખ્ય કારણ છે. વસાઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (વીવીસીએમસી)ના અધિકારક્ષેત્રમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ ૧૮૪૫ કેસ નોંધાયા છે અને ૭૨ જણનાં મૃત્યુ થયાં છે.

વસઈ-વિરાર ક્ષેત્રમાં ૩૧ મે સુધી માત્ર ૨૬૧ કેસ હતા, પરંતુ પછીથી કેસ વધવાનું શરૂ થયું હતું જેમાં જૂનના પહેલા અઠવાડિયામાં ૩૨૩ કેસ, બીજા અઠવાડિયામાં ૪૩૨ કેસ અને ત્રીજા અઠવાડિયામાં ૩૩૮ કેસ નોંધાયા હતા. ગયા અઠવાડિયે આ ક્ષેત્રમાં કોવિડ-19થી ૧૯ લોકોના મોત થયાં હતાં. રોજના લગભગ ૨૫થી ૩૫ કેસ નોંધાઈ રહ્યા છે, પરંતુ રહેવાસીઓ આરોગ્ય અધિકારીઓને સહકાર આપવા કે સરકારના આદેશનું પાલન કરવા તૈયાર જ નથી એમ વીવીસીએમસીના વરિષ્ઠ અધિકારી દિગંબર પાટીલે જણાવ્યું હતું.

જોકે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર નાલાસોપારા-ઈસ્ટ છે, જ્યાં ગયા અઠવાડિયે કોરોનાના ૭૧૬ નવા કેસ નોંધાયા હતા તથા ૪૦ જણનાં મૃત્યુ થયાં હતાં. આ અઠવાડિયે ૩૯૯ પેશન્ટ્સને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

વસઈ-નાલાસોપારા-વિરાર ક્ષેત્રમાં ૧૫ સ્થાનોને સીઝેડ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. ૧૬૧ પોલીસ અને ૩૪ હોમગાર્ડ્સના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે એમ વસઈ વિભાગના અધિક પોલીસ અધિક્ષક વિજયકાંત સાગરે જણાવ્યું હતું.

દરરોજ લગભગ ૨૫થી ૩૫ કેસ નોંધાઈ રહ્યા છે, પરંતુ રહેવાસીઓ આરોગ્ય અધિકારીઓને સહકાર આપવા તેમ જ સરકારના આદેશનું પાલન કરવા તૈયાર નથી.

- દિગંબર પાટીલ, વીવીસીએમસીના વરિષ્ઠ અધિકારી

mumbai mumbai news coronavirus vasai virar nalasopara diwakar sharma