કોરોનાનો પ્રકોપ વધવાથી સરકાર દસમા અને બારમાની પરીક્ષાને લઈને અવઢવમાં

27 February, 2021 08:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાનો પ્રકોપ વધવાથી સરકાર દસમા અને બારમાની પરીક્ષાને લઈને અવઢવમાં

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં કોરોનાનો પ્રભાવ જે રીતે વધી રહ્યો છે એ જોતાં સરકાર પણ આગામી મહિનાઓમાં યોજાનારી પરીક્ષાઓને લઈને ચિંતિત થઈ ગઈ છે. એને એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે અત્યારના સંજોગોમાં ઑફલાઇન પરીક્ષા લેવી જોઈએ કે નહીં? રાજ્યના જુદા-જુદા વિભાગોમાંથી સ્કૂલમાં ભણતાં બાળકોને કોરોના થયો હોવાના અહેવાલ આવી રહ્યા હોવાથી સરકાર હવે શું કરવું એને લઈને ચિંતામાં મુકાઈ ગઈ છે. આ બધું જોતાં રાજ્યમાં દસમા અને બારમાની લેખિત પરીક્ષા ન લેવામાં આવે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તમિલનાડુએ તો પહેલેથી જ દસમા ધોરણની પરીક્ષા આ વર્ષે રદ કરી નાખી છે. સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે આ બાબતે કહ્યું હતું કે ‘છેલ્લા બે દિવસથી રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં શું પરિસ્થિતિ છે એના પર અમે નજર રાખીને બેઠા છીએ. આ સિવાય જ્યાં કેસ વધારે છે ત્યાંના સ્થાનિક પ્રશાસનને સ્કૂલ ચાલુ રાખવી કે નહીં એ બાબતે નિર્ણય કરવા કહ્યું છે. ગયા વર્ષે આપણે કોરોનાને લીધે દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને બાદ કરતાં કોઈની પરીક્ષા નહોતા લઈ શક્યા અને તેમને આખા વર્ષના દેખાવના આધારે માર્ક્સ આપવામાં આવ્યા હતા. જરૂર પડે તો આ વખતે પણ આવું કંઈક કરી શકીએ છીએ. રહી વાત દસમા અને બારમા ધોરણની પરીક્ષાની તો એ બહુ જ મહત્ત્વની એક્ઝામ્સ છે, કારણ કે વિદ્યાર્થીઓએ એના આધારે ઍડ્મિશન્સ લેવાનું હોય છે. આ જ કારણસર આ બાબતે આવનારા સમયમાં નિર્ણય કરીને જે પણ હશે એ તમને જણાવવામાં આવશે.’

આ સિવાય રાજ્યના પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે પણ દસમા અને બારમાની પરીક્ષા બાબતે કહ્યું હતું કે આ એક્ઝામ દરેક વિદ્યાર્થીના ભવિષ્ય માટે ટર્નિંગ પૉઇન્ટ હોય છે, પણ હાલમાં એના પર પણ કોરોનાનો ઓછાયો હોવાથી આ પરીક્ષાને લઈને કોઈ પર્યાયી રસ્તો બહુ જ જલદીથી કાઢવામાં આવશે.

coronavirus covid19 mumbai mumbai news