મુલુંડમાં કોરોના બ્લાસ્ટ: 24 કલાકમાં 149 નવા કેસ નોંધાતાં ફફડાટ

15 September, 2020 07:16 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડમાં કોરોના બ્લાસ્ટ: 24 કલાકમાં 149 નવા કેસ નોંધાતાં ફફડાટ

ગયા મંગળવારે 98 નવા કેસ નોંધાયા હતા

મુલુંડમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ કોરોનાની સંખ્યામાં એકસાથે મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં દરરોજ મુલુંડમાં ૧૦૦ કેસ સામે આવી રહ્યા છે. યાદ રહે કે હજી ગયા મંગળવારે મુલુંડમાં ૯૮ નવા કેસ નોંધાયા હતા. એ પછી આંકડા વધી રહ્યા હતા અને એ ૧૧૦ કેસની આસપાસ હતા, પણ ગઈ કાલે તો એક જ દિવસમાં ૧૪૯ નવા કેસ નોંધાતાં ફફડાટ વ્યાપી ગયો હતો.

પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુલુંડમાં ઑગસ્ટમાં દરરોજ આશરે ૪૦થી ૫૦ કેસ આવતા હતા. જોકે આ મહિનાની શરૂઆતથી દરરોજ સરેરાશ ૧૦૦ કેસ આવી રહ્યા છે, જેમાં સોમવારે એક જ દિવસમાં ૧૪૯ કોરોના-પૉઝિટિવ કેસ આવ્યા હતા. આ સાથે ગયા અઠવાડિયે ૮૦૦ જેટલા નવા કેસ નોંધાતાં મુલુંડમાં ચિંતાનું વાતાવરણ પ્રસર્યું છે.

‘કોરોના જતો રહ્યો, કોરોના અમને થશે નહીં, કોરોના કંઈ છે જ નહીં...’ એવી-એવી વાતો કરતા અનેક લોકો મુલુંડમાં જોવા મળે છે અને તેઓ સરકારના નિયમોનું પાલન કરતા નથી. મુલુંડમાં રોડ પર માસ્ક વગર ફરતા લોકો જોવા મળે છે. ગણેશોત્સવ બાદ મુલુંડમાં કોરોનાની સંખ્યામાં સારોએવો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં અત્યાર સુધી મુલુંડમાં ૭૫૦૦થી વધુ કોરોના-કેસ સામે આવ્યા છે. ૫૦૦૦થી વધુ લોકો કોરોનામુક્ત થયા છે. એ ઉપરાંત ઇલાજ દરમ્યાન ૧૧૦થી વધુ લોકોનાં મૃત્યુ કોરોનાને કારણે થયાં છે.

સોમવારે ૧૪૯ કેસ સામે આવતાં ફરી એક વાર મુલુંડમાં ચિંતાનું વાતાવરણ પ્રસર્યું છે. કોરોનાના કેસ વધતાં અમે વધુ કાળજી લઈ રહ્યા છીએ. ગણપતિ-વિસર્જન બાદ કેસમાં વધારો થયો છે અને એનું કારણ છે કે ગણેશોત્સવ દરમ્યાન લોકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નહોતું કર્યું.
- રાહુલ સાળુંખે, મુલુંડ ‘ટી’ વૉર્ડના હેલ્થ ઑફિસર

mumbai mumbai news coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation mehul jethva