કોરોના વાઈરસની ઇફેક્ટ:મીરા-ભાઈંદરમાં ૫૬ ટકા ઓછી ગણેશમૂર્તિ વિસર્જિત થઈ

03 September, 2020 02:41 PM IST  |  Mumbai | Mumbai correspondent

કોરોના વાઈરસની ઇફેક્ટ:મીરા-ભાઈંદરમાં ૫૬ ટકા ઓછી ગણેશમૂર્તિ વિસર્જિત થઈ

સાયનમાં ગણપતિ બાપ્પાને બાઇક પર બેસીને વિદાય આપવા જઈ રહેલો પરિવાર. તસવીર : પ્રદીપ ધિવાર

મુંબઈના સૌથી મોટા અને લોકપ્રિય ગણેશોત્સવમાં આ વર્ષે કોરોનાની ઇફેક્ટ જોવા મળી હતી. મીરા-ભાઈંદરમાં ગયા વર્ષે ઘરઘરાઉ અને સાર્વજનિક ગણેશોત્સવની ૨૦,૫૬૯ મૂર્તિનું વિસર્જન થયું હતું, એની સામે આ વર્ષે ૯૧૭૭ મૂર્તિ જ પાણીમાં પધરાવાઈ હતી. એમાં પણ ઘરઘરાઉ મૂર્તિઓની સંખ્યા ૫૦ ટકા કરતાં ઓછી વિસર્જિત થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અસંખ્ય લોકોએ દોઢ દિવસથી લઈને સાત દિવસના ગણપતિનું ઘરમાં વિસર્જન કર્યું હોવાથી આંકડો ઓછો જણાઈ રહ્યો હોવાની શક્યતા છે.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા મંગળવારે પૂરા થયેલા ૧૧ દિવસના ગણેશોત્સવમાં વિસર્જિત કરાયેલી મૂર્તિની માહિતી ગઈ કાલે જાહેર કરી હતી. જોડિયા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કુલ ૨૩ સ્થળે ગણેશની મૂર્તિ વિસર્જિત કરવાની વ્યવસ્થા કરાઈ હતી. આ સિવાય કોરોનાને લીધે ગણેશભક્તો ડાયરેક્ટ સમુદ્ર કે તળાવમાં મૂર્તિ પધરાવી શકે એવી સ્થિતિ ન હોવાથી પાલિકાએ બાવન સ્થળે મૂર્તિ સ્વીકારવા માટેનાં કેન્દ્ર બનાવ્યાં હતાં.
લોકો દ્વારા આ સેન્ટરોમાં સોંપવામાં આવેલી મૂર્તિઓનું બાદમાં પાલિકાએ ૨૩ સ્થળે ૨૧૫ ટેમ્પોની મદદથી નિયુક્ત કરાયેલા કર્મચારીઓ દ્વારા પાણીમાં વિસર્જન કરાયું હતું. પાલિકાએ જાહેર કરેલા આંકડા મુજબ ૨૦૧૯માં ઘરઘરાઉ ૧૯,૩૦૯, સાર્વજનિક ૧૦૧૩ અને ગૌરી ૨૪૭ મળીને કુલ ૨૦,૫૬૯ ગણેશમૂર્તિનું વિસર્જન થયું હતું, જ્યારે આ વર્ષે ઘરઘરાઉ ૮૭૧૦, સાર્વજનિક ૩૦૨ અને ગૌરી ૧૬૫ મળીને કુલ ૯૧૭૭ ગણેશમૂર્તિ વિસર્જિત થઈ હતી, જે ૪૪ ટકા થાય છે.

mumbai mumbai news ganesh chaturthi mira road bhayander