બોરીવલી સહિત આ સ્થળે પાલિકાનું કોરોના સ્ક્રીનિંગ સેન્ટર ખૂલ્યું

30 March, 2020 12:43 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

બોરીવલી સહિત આ સ્થળે પાલિકાનું કોરોના સ્ક્રીનિંગ સેન્ટર ખૂલ્યું

કોરોનાનો ફેલાવો જ્યારે દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે તેના ટેસ્ટિંગની સુવિધા મુંબઈના પશ્ચિમના પરાવાસીઓને મળી રહે એ માટે ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ રજૂઆત કરતાં મુંબઈ મહાનગરપાલિકાએ તેનું કોરોના સ્ક્રીનિંગ સેન્ટર બોરીવલી-વેસ્ટની પંજાબી લેનમાં શુક્રવારથી ચાલુ કર્યું છે. ૯૮૨૨૨૬૧૨૬૮, ૯૮૧૯૪૪૦૩૩૩, ૮૦૭૦૧૨૬૩૪૮૮. આ નંબર પર ફોન કરીને પહેલાં અપોઇન્ટમેન્ટ લેવામાં આવે છે અને ત્યાર બાદ તેમનું ટેસ્ટિંગ કરાય છે. સેન્ટર ચાલુ થયા બાદ સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ તેની મુલાકાત લીધી હતી. તેમની સાથે બોરીવલીના વિધાનસભ્ય વિલાસ પોતનીસ અને કૉર્પોરેટર પ્રવીણ શાહ, જીતુ પટેલ, સંધ્યા દોશી, ડૉક્ટર બિપિન દોશી અને તેમની ટીમ સીએ ચેતન શાહ સાથે હાજર રહી હતી.

ભગવતી અને શતાબ્દી હૉસ્પિટલમાં પણ કોરોનાની સારવાર વ્યવસ્થા શરૂ કરાઈ

મુંબઈની શતાબ્દી હૉસ્પિટલ અને ભગવતી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ બન્ને હૉસ્પિટલો સહિત કાંદિવલીની કામગાર હૉસ્પિટલમાં મળીને ૨૨૦ બેડ બનાવવામાં આવ્યા છે. આ દૃષ્ટિથી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેશીએ રૂબરૂ મુલાકાત પણ લીધી હતી.

શહેરમાં આસપાસના વિસ્તારોમાં કોરોના સંશયી પેશન્ટને કસ્તુરબા, સેન્ટ જ્યૉર્જ અને જી. ટી. હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પણ દેશમાં લૉકડાઉનની સ્થિત‌િના કારણે દૂરના વિસ્તારમાં રહેતા લોકોને આ હૉસ્પિટલો સુધી જવું અઘરું પડે છે. તેથી દરેક વિસ્તારમાં નજીકની હૉસ્પિટલોમાં કોરોના વાઇરસની સારવાર સેવા શરૂ કરવામાં આવે એવા પ્રયત્નો બીએમસી દ્વારા ચાલી રહ્યા છે. આ પ્રયત્નોના ભાગરૂપે જ બોરીવલી અને કાંદિવલીના દરદીઓ માટે શતાબ્દી અને ભગવતી હૉસ્પિટલમાં કોરોના વાઇરસ રોગની સારવાર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનું પ્રવીણ પરદેશીએ જણાવ્યું હતું.

થાણેમાં દરેક પ્રભાગ સમિતિમાં કોરોનાની પ્રાથમિક તપાસ કરાશે

પાલિકા દ્વારા પ્રત્યેક સમિતિમાં આરોગ્ય અધિકારીની નિયુક્તિ

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓની સંખ્યા સતત વધી રહી છે ત્યારે થાણેમાં આ જીવલેણ વાઇરસની પ્રાથમિક તબક્કે જ ચકાસણી થઈ શકે એ માટે શહેરના તમામ ૩૩ વૉર્ડમાં ૧૩૧ બૂથ પર આરોગ્ય અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. આ તમામ વૉર્ડનાં કેન્દ્રોમાં કોરોનાના શંકાસ્પદ દરદીઓની તપાસ કરાશે. કામમાં મદદરૂપ થવા માટે થાણે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ સાથે ખાનગી ડૉક્ટરોની પણ નિયુક્તિ કરાઈ છે.
આવાં કેન્દ્રોમાં કોરોનાની ચકાસણીની તમામ તબીબી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. આ સિવાય થાણેમાં કોરોનાના વાઇરસને ફેલાતો રોકવા માટે રિટાયર્ડ આરોગ્ય અધિકારી ડૉ. આર. ટી. કેન્દ્રેના માર્ગદર્શન અને નિયંત્રણ હેઠળ મહાપાલિકા ભવનના બીજા માળે મેડિકલ કન્ટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. કોરોના બાબતે કોઈ પણ માહિતી મેળવવા માટે થાણેના રહેવાસીઓ પાલિકાના જનસંપર્ક અધિકારીનો ૦૨૨-૨૫૩૬૪૭૭૯ નંબર પર સંપર્ક કરી શકે છે.

mumbai mumbai news borivali thane coronavirus covid19