ધારાવીમાં કોરોનાના વિસ્ફોટની શક્યતા:તમામ સાડાસાત લાખ લોકોની ટેસ્ટ કરાશે

10 April, 2020 07:55 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Correspondent

ધારાવીમાં કોરોનાના વિસ્ફોટની શક્યતા:તમામ સાડાસાત લાખ લોકોની ટેસ્ટ કરાશે

મુંબઈના મધ્યમાં આવેલી એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીમાં ગમે ત્યારે કોરોનાના દરદીઓનો વિસ્ફોટ થવાની શક્યતા હોવાથી પાલિકાએ આખા વિસ્તારને સંપૂર્ણપણે લૉકડાઉન કરીને અહીં રહેતા સાડાસાત લાખ લોકોની કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું. આખા વિસ્તારને કેટલાંક વિભાગમાં વહેંચીને ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાશે.

મુંબઈના મધ્યમાં આવેલા ધારાવીમાં અત્યાર સુધી કોરોનાના દરદીઓની સંખ્યા ૧૪ થઈ છે અને ગઈ કાલે એક ૭૦ વર્ષની મહિલાના મૃત્યુ સાથે અહીંના ત્રણ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. આ મહિલાએ ગઈ કાલે કેઈએમ હૉસ્પિટલમાં દમ તોડ્યો હતો. તે ધારાવીના કલ્યાણવાડી પરિસરમાં રહેતી હતી.

મુંબઈમાં વરળી, પ્રભાદેવી બાદ હવે ધરાવી કોરોના વાયરસનું હૉટસ્પૉટ બની રહ્યું છે. અહીંના ગીચ વિસ્તારમાં ઘરો એકદમ નજીક નજીક હોવાથી કોરોનાના વાયરસનું સંક્રમણ ખૂબ ઝડપથી થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ વિસ્તારમાં અત્યાર સુધી કોરોનાના ૧૪ કેસ સામે આવ્યા હોવાથી પાલિકા પ્રશાસને એને રેડ ઝોન ડિકલેર કર્યો છે. અહીંના ૧૦ સ્થળોએ શાકભાજીનું વેચાણ બંધ કરવાથી માંડીને આવવા જવા માટેના તમામ રસ્તા સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે.
અહીંના ડૉ. બલિગાનગરમાં ૧૪ લોકોને કોરોનાનું સંક્રમણ થયું હતું. સોશલ નગર પરિસર અને હવે કલ્યાણવાડીમાં પણ એક મહિલાનું આ બીમારીમાં મૃત્યુ થવાથી આખા વિસ્તારને સીલ કરીને સેનીટાઈઝ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈ મહાનગરાલિકાના મેયર કિશોરી પેડણેકર ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખૂબ જ ગીચ વિસ્તાર ધારાવીમાં ખૂબ જ ઝડપથી કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું હોવાથી આખી ઝુંપડપટ્ટીને રેડ ઝોન જાહેર કરવાની સાથે સીલ કરી દેવાઈ છે. ગીચતાને લીધે સંક્રમિત વ્યક્તિ અસંખ્ય લોકોના સંપર્કમાં આવી હોવાની શક્યતાથી અહીં રહેતા તમામ સાડાસાત લાખ લોકોની ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. આખા વિસ્તારને અમુક ભાગમાં ડિવાઈડ કરીને આ ટેસ્ટ ખૂબ જ ઝડપથી હાથ ધરાશે.’

ઘાટકોપર અઠવાડિયામાં બે દિવસ ખુલ્લું રહેશે
કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી એને રોકવા માટે અને જનતામાં સોશ્યલ ડિસ્ટન્સિંગ રહે એ માટે ફળ અને શાકભાજી વિક્રેતાઓ માટે હવે અઠવાડિયાના બે દિવસ નક્કી કરવામાં આવ્યા છે. સોમવાર અને ગુરુવારે વિક્રેતાઓ ફળ-શાકભાજી વેચી શકશે એવો આદેશ ઘાટકોપરના ‘એન’ વૉર્ડે બહાર પાડ્યો છે. નિર્ધારિત દિવસ સિવાયના દિવસોમાં વિક્રેતાઓ શાકભાજી કે ફળ વેચતા દેખાશે કે પછી ગ્રાહકો પાબંધીના સમયે બહાર નીકળશે તો ૧૮૯૭, રોગચાળા કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે, એવું ‘એન’ વૉર્ડના અધિકારી અજિતકુમાર અંબીએ જણાવ્યું છે.

mumbai news dharavi mumbai coronavirus covid19