કોરોનાની મુશ્કેલીમાં પાલિકા સંચાલિત

28 June, 2020 01:14 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

કોરોનાની મુશ્કેલીમાં પાલિકા સંચાલિત

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત હૉસ્પિટલમાં કોરોનાના સંકટમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચારની સાથે સ્ટાફ બેદરકાર હોવાની ફરિયાદ ઊઠી રહી છે. વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ આ બાબતે સરકારમાં તપાસની માગણી કરી છે ત્યારે એક સામાજિક સંસ્થાએ પાલિકામાં વર્ષોથી એક જ પદ પર ચીપકી રહેલા સ્ટાફની બદલી કરવાની માગણી કરી છે. કેટલાંક ડૉક્ટર, નર્સ અને સફાઈ કર્મચારીઓ પાલિકાની હૉસ્પિટલોમાં લાંબા સમયથી હોવાથી તેઓ બેફામ બની ગયા હોવાથી તેમની બદલી જરૂરી હોવાનું પાલિકાના કમિશનરને લખેલા પત્રમાં સંસ્થાએ જણાવ્યું છે.

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક હૉસ્પિટલોનું સંચાલન થાય છે. હજારોની સંખ્યામાં આ હૉસ્પિટલોમાં ડૉક્ટર, નર્સ અને સફાઈ કર્મચારી સહિતના કર્મચારીઓ કામ કરે છે. સરકારી નોકરીના નિયમ મુજબ કોઈ પણ કર્મચારી એક પદ પર ત્રણથી વધારે વર્ષ સુધી ન રહી શકે, પરંતુ અભિજિત રાણે યુથ ફાઉન્ડેશનના ધ્યાનમાં આવ્યું છે કે પાલિકા સંચાલિત હૉસ્પિટલોમાં મોટી સંખ્યામાં સ્ટાફ એક જ પદ અને સ્થળે કામ કરી રહ્યા છે. લાંબા સમયથી એક જ જગ્યાએ હોવાને લીધે આ કર્મચારીઓ સામાન્ય લોકોને ગણકારતા નથી અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોવાની ફરિયાદો મળી રહી હોવાથી ફાઉન્ડેશને આવા તમામ કર્મચારીઓની તાત્કાલિક ધોરણે બદલી કરવાની માગણી કરતો પત્ર મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને મોકલ્યો છે.

અભિજિત રાણે યુથ ફાઉન્ડેશનના પ્રવક્તા વિનય ડોળસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં કોરોનાની સૌથી મોટી મુશ્કેલી આવી પડી છે ત્યારે સંકટના સમયમાં પાલિકા સંચાલિત હૉસ્પિટલનો સ્ટાફ સામાન્ય લોકોની સેવા કરવાને બદલે કામમાં બેદરકારી દાખવવાની સાથે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યો હોવાની ફરિયાદો અમને મળી છે. મોટી સંખ્યામાં ડૉક્ટર, નર્સ, સફાઈ કર્મચારીઓ સહિતનો સ્ટાફ પાંચથી પંદર વર્ષથી એક જ જગ્યાએ ચીપકીને બેસી ગયો હોવાથી તેઓ પોતાને અનુકૂળ આવે એવું વર્તન કરે છે. સરકારના નિયમ મુજબ કોઈ ત્રણ વર્ષથી વધુ એક પોસ્ટ કે એક સ્થળે ન રહી શકે. અમે આવા સ્ટાફની તાત્કાલિક ધોરણે બદલી કરવાની માગણી કરતો પત્ર મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને મોકલ્યો છે. હજી સુધી તેમનો જવાબ નથી આવ્યો. તેઓ કાર્યવાહી નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.’

mumbai news mumbai coronavirus covid19 brihanmumbai municipal corporation