8 મેથી મુંબઈ-થાણે કામ પર જનારાઓને કલ્યાણ-ડોમ્બિવલીમાં નો એન્ટ્રી

06 May, 2020 08:58 AM IST  |  Mumbai | Mumbai Correspondent

8 મેથી મુંબઈ-થાણે કામ પર જનારાઓને કલ્યાણ-ડોમ્બિવલીમાં નો એન્ટ્રી

મુલુંડ પૂર્વ ટોલ નાકા પર પોલીસ નાકાબંદી

કલ્યાણ-ડોમ્બિવલી અને ઉલ્હાસનગર મહાનગરપાલિકાના ક્ષેત્રમાંથી મુંબઈ-થાણે કામે જનારાઓને ૮ મેથી આ બન્ને ક્ષેત્રમાં પ્રવેશ ન આપવાનો આદેશ ગઈ કાલે કાઢવામાં આવ્યો હતો. બન્ને ક્ષેત્રમાં કોરાનાના કેસમાં સતત થઈ રહેલા વધારાને ધ્યામાં રાખીને બન્ને મહાનગરપાલિકાના કમિશનરોએ આવો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું. આ સિવાય મુંબઈ અને થાણેમાંથી કોઈ વ્યક્તિ કલ્યાણ-ડોમ્બિવલી કે ઉલ્હાસનગરમાં ન પ્રવેશે એનું ધ્યાન રાખવાની સૂચના પાલિકાના કમિશનરોએ પોલીસને આપી છે.

કલ્યાણ-ડોમ્બિવલીમાં ગઈ કાલે કોરોનાના ૧૧ નવા દરદીઓ નોંધાવાની સાથે આંકડો ૨૨૪ હતો જેમાંથી ૩ લોકોનાં મૃત્યુ થવાની સાથે ૭૪ લોકો ઠીક થયા બાદ અત્યારે ૧૪૭ લોકોની સારવાર ચાલી રહી છે. આમાં ૬૦ દરદીઓ દરરોજ મુંબઈ કામે જતા લોકો છે. તેમની અવરજવર કરવાને લીધે જ કલ્યાણ-ડોમ્બિવલીમાં કોરોનાનો ફેલાવો થઈ રહ્યો હોવાનું માનીને કમિશનર વિજય સૂર્યવંશીએ ૮ મેથી આદેશ બહાર પાડ્યો છે.

એક અંદાજ મુજબ કલ્યાણ-ડોમ્બિવલી, ટિટવાળામાં રહેતા ૨૫૦૦ લોકો મુંબઈ કામે જાય છે જેમાં સરકારી કર્મચારી, ખાનગી કર્મચારી અને પત્રકારોનો સમાવેશ થાય છે. આ તમામ લોકો માટે મુંબઈ મહાનગરપાલિકાએ તેમના કામના સ્થળ નજીક હોટેલોમાં રહેવાની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. ૮ મેથી નો એન્ટ્રી અમલમાં આવવાની હોવાથી જેઓ મુંબઈ જવા માગતા હોય તેમણે પોતાની માહિતી એક ફૉર્મમાં ભરીને ઈ-મેઇલ મોકલવાનો નિર્દેશ કર્યો છે.

ડોમ્બિવલીમાં કલ્યાણ કરતાં પણ વધારે કોરોનાના દરદીઓ નોંધાઈ રહ્યા હોવાથી અહીંથી બહાર ગયેલાઓને ફરી પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવાયો છે. આવી જ રીતે ઉલ્હાસનગર મહાનગરપાલિકાના કમિશનર સુધાકર દેશમુખે પણ મુંબઈ કામ પર જતા લોકોને ઉલ્હાસનગરમાં ફરી પ્રવેશ ન આપવા બાબતની સૂચના ગઈ કાલે જારી કરી હતી.

coronavirus covid19 ulhasnagar dombivli kalyan brihanmumbai municipal corporation mumbai news