પરપ્રાંતીઓ માટે ત્રણ સ્પેશ્યલ ટ્રેનો પનવેલ અને કલ્યાણથી દોડાવાઈ

07 May, 2020 08:54 AM IST  |  Mumbai | Agencies

પરપ્રાંતીઓ માટે ત્રણ સ્પેશ્યલ ટ્રેનો પનવેલ અને કલ્યાણથી દોડાવાઈ

પનવેલથી મધ્ય પ્રદેશ જતી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં બેઠેલા પરપ્રાંતીઓ.

મુંબઈમાં રહેતા પરપ્રાંતીય લોકોને પોતાના ઘરે પહોંચાડવા શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પનવેલથી દોડાવવામાં આવી હતી. આ ટ્રેનમાં ૧૨૦૦ જેટલા મજૂરોને મધ્ય પ્રદેશના રેવા ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. પનવેલ સ્ટેશનથી ટ્રેનને ગઈ કાલે વહેલી સવારે લીલી ઝંડી બતાવવામાં આવી હતી.

સેન્ટ્રલ રેલવેના ટ્વિટર અકાઉન્ટથી આ માહિતી આપવામાં આવી હતી. ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે અંદાજે ૧૨૦૦ માઇગ્રન્ટ્સ શ્રમિકને સ્પેશ્યલ ટ્રેન દ્વારા તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. આ ટ્રેનમાં ૨૪ કોચ હતા. ટ્રેનમાં ફિઝિકલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવ્યું હતું.

સેન્ટ્રલ રેલવે દ્વારા અન્ય બે શ્રમિક ટ્રેન દોડાવવામાં આવી હતી જેમાં એક કલ્યાણથી હતી જે બિહારમાં આવેલા દરભંગા ખાતે રહેતા માઇગ્રન્ટ્સ માટે હતી. આ ટ્રેનમાં પણ ૧૨૦૦ જેટલા માઇગ્રન્ટ્સ હતા. ત્રીજી ટ્રેનમાં ૯૩૦ જેટલા માઇગ્રન્ટ્સ હતા, આ ટ્રેન આંધ્ર પ્રદેશના ગૂંટકલમાં રહેતા શ્રમિકો માટે હતી.

કેન્દ્ર સરકારે આદેશ આપ્યા બાદ મુંબઈ, ભિવંડી, કલ્યાણ, પનવેલમાં રોજગાર માટે આવેલા માઇગ્રન્ટ્સને તેમના વતન આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રએ સ્થળાંતરિતોનાં ટ્રેનભાડાં બાબતે રેલવે પાસેથી સ્પષ્ટતા માગી

મહારાષ્ટ્ર સરકારે બુધવારે રેલવે પાસેથી એ બાબતે સ્પષ્ટતા માગી છે કે શું એ વતન તરફ પ્રયાણ કરી રહેલા સ્થળાંતરિત મજૂરોના પરિવહનનો ૮૫ ટકા ખર્ચ ઉઠાવી રહી છે કે કેમ.

આ મજૂરો પાસે રોજગારી નથી અને રેલવેએ તેમની પાસેથી ટ્રેનનું ભાડું વસૂલવું ન જોઈએ એમ રાજ્યના ગૃહપ્રધાન દેશમુખે એક વિડિયો મેસેજમાં જણાવ્યું હતું.

બીજેપીએ સોમવારે કહ્યું હતું કે રેલવેએ સ્થળાંતરિત મજૂરોને તેમના વતન પહોંચાડવા માટે દોડાવાઈ રહેલી ખાસ ટ્રેનો માટેની ટિકિટનું ૮૫ ટકા ભાડું ઘટાડી દીધું છે અને બાકીનું ૧૫ ટકા ભાડું રાજ્ય સરકારોએ ચૂકવવાનું રહેશે.

મહારાષ્ટ્ર સરકાર વતી હું ભારતીય રેલવેઝ પાસેથી સ્પષ્ટતા માગું છું કે એ વાસ્તવમાં ટ્રેનની ટિકિટનો ૮૫ ટકા ખર્ચ ઉઠાવી રહી છે કે કેમ, કારણ કે આ મામલે હજી સુધી રેલવેઝ પાસેથી કોઈ સત્તાવાર આદેશ મળ્યો નથી એમ દેશમુખે જણાવ્યું હતું. સૌ જાણે છે કે આ સ્થળાંતરિત મજૂરો પાસે છેલ્લા ૪૦ દિવસોથી રોજગારી નથી અને તેઓ ઘરે પરત ફરવા માટે ઉત્સુક છે એમ દેશમુખે નોંધ્યું હતું.

mumbai mumbai news panvel kalyan coronavirus covid19