કોરોનાને હરાવનારા હવે કરે છે દરદીઓનું કાઉન્સેલિંગ

13 August, 2020 11:41 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

કોરોનાને હરાવનારા હવે કરે છે દરદીઓનું કાઉન્સેલિંગ

મહાલક્ષ્મીની કોવિડ હૉસ્પિટલમાં દરદીઓનું કાઉન્સેલિંગ કરતા કોવિડ-વૉરિયર્સ (બ્લુ ડ્રેસમાં)

મુંબઈના કોરોના-વૉરિયર્સ દ્વારા સોશ્યલ મીડિયા પર એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ પોતાના અનુભવ નવા દરદીઓ સાથે શૅર કરતા અને કોરોનાને કેવી રીતે માત આપવી એની માટે ગાઇડન્સ આપતા હતા. કોરોના-વૉરિયર્સની આ પહેલને લોકો દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યા બાદ હવે આ વૉરિયર્સે એક ગ્રુપ બનાવ્યું છે જેમાં તેઓ કોવિડ હૉસ્પિટલ અને નજીકના આઇસોલેશન સેન્ટરમાં જઈને કોરોના દરદીઓનું કાઉન્સેલિંગ કરવાનું કામ કરી રહ્યા છે. વૉરિયર્સની આ પહેલને ડૉક્ટર્સ અને પ્રશાસન દ્વારા પણ પૉઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે.
શહેરના અંધેરી વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષના અભય શાહે જણાવ્યું હતું કે ‘મે મહિનામાં મને કોરોના થયો હતો. પ્રાઇમરી સ્ટેજમાં હું હતો એથી ૧૨ દિવસમાં મને રજા આપી દેવામાં આવી હતી. કોરોના માટે મારો જે અભિગમ હતો એ હૉસ્પિટલમાં રહ્યા બાદ સાવ બદલાઈ ગયો હતો અને મને એમ લાગતું હતું કે કોરોના પણ કોઈ સામાન્ય રોગ જેવો છે, જે થાય તો દરદી ડૉક્ટર્સની સલાહ માનીને સાજો થઈ જાય છે. ત્રીજા-ચોથા દિવસે જ કોરોનાનો ભય મારા મગજમાંથી શૂન્ય થઈ ગયો હતો. આપણે સૌએ આ વાત સમજવાની જરૂર છે અને કોરોના સામે લડવા અવેરનેસ અને મેડિકલ ગાઇડલાઇનનું પાલન કરવાની જરૂર છે.’
કોરોના ફાઇટર્સ નામના આ ગ્રુપમાં અત્યારે ૫૦ લોકો જોડાયેલા છે, જે કોરોનાથી બહાર આવ્યા છે. આ લોકો શહેરનાં વિવિધ કોવિડ સેન્ટર અને આઇસોલેશન વૉર્ડમાં જઈને લોકોનું કાઉન્સેલિંગ કરે છે.
ગ્રુપની શરૂઆત કરનાર ક્રિતીકા રમને જણાવ્યું હતું કે ‘છેલ્લા એક મહિનાથી અમે આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. કોરોનાના કારણે દરદીઓમાં જે ભય છે એ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મેં અનુભવ્યો હતો. સાજા થયા બાદ મેં નક્કી કર્યું કે લોકોમાંથી આ ભય દૂર કરવો છે.’

mumbai mumbai news