કોરોના રોગચાળામાં બાયોમેડિકલ વેસ્ટનું પ્રમાણ ૩૦૦ ટકા વધ્યું

19 July, 2020 09:19 AM IST  |  Mumbai Desk | Anju Maskeri

કોરોના રોગચાળામાં બાયોમેડિકલ વેસ્ટનું પ્રમાણ ૩૦૦ ટકા વધ્યું

પાલિકાના કર્મચારીઓ ડોંગરીમાં આવેલી હબીબ હૉસ્પિટલમાંથી બાયોમેડિકલ વેસ્ટ ગાર્બેજ જમા કરી રહ્યા છે. તસવીર : સુરેશ કરકેરા

ફૅસિલિટી મૅનેજમેન્ટ એજન્સી એક્સપર્ટ પ્રૉપર્ટી મૅનેજમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના સહસ્થાપક ફ્રાન્સિસ ફર્નાન્ડિસ પ્રાઇવેટ હૉસ્પિટલમાં ફરજ બજાવતા તેમના ૧૪ જણના સ્ટાફને હાથ ધોવા, શ્વાસોચ્છવાસની રીત, સોશ્યલ ડિસ્ટન્સિંગ, પર્સનલ પ્રૉટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ)ના ઉપયોગની તાલીમ આપે છે. એ ઉપરાંત કોરોનાના દરદીઓના લોહી અને શરીરમાંથી વહેતા સ્ત્રાવોથી ખરડાયેલી વસ્તુઓ પીળા રંગની નૉન-ક્લોરિનેટેડ પ્લાસ્ટિક બૅગ્સમાં ભરવાનું પણ શીખવે છે.
ફ્રાન્સિસ ફર્નાન્ડિસે જણાવ્યું હતું કે ‘આવી ખરડાયેલી વસ્તુઓ ગ્લવ્ઝ પહેર્યાં હોય તો પણ તેમણે પોતાના હાથે ઉપાડવાની હોતી નથી. એ વસ્તુઓ કોવિડ-19ના દરદીઓની વસ્તુઓ ઉપાડવા માટેનાં ખાસ સાધનો વડે ઉપાડવાની હોય છે. કોરોના ઇન્ફેક્ટેડ દરદીઓની સારવાર સાથે જોડાયેલી અનેક પડકારરૂપ બાબતોમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલનો મુદ્દો ઘણો મહત્ત્વનો છે.’
ફ્રાન્સિસ ફર્નાન્ડિસે જણાવ્યું હતું કે ‘રોગચાળાના દિવસોમાં વધી ગયેલા કાર્યબોજને ધ્યાનમાં રાખીને બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અનેક રાજ્યોએ તેમની મહાનગરપાલિકાઓના કર્મચારીઓ ઉપરાંત ખાનગી કંપનીઓ-થર્ડ પાર્ટીને આઉટસૉર્સ કરવાનું શરૂ કર્યું છે. સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી)એ લૉન્ચ કરેલા ઍપ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રોજ એકઠા થતા કોરોનાના દરદીઓની સારવારના બાયોમેડિકલ વેસ્ટનું પ્રમાણ ૬૦ ટન હોય છે. એ ઍપનો વપરાશ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સહિત ૨૭ રાજ્યો કરે છે. આ જોખમી કામગીરી હોવાથી દરેક કર્મચારીને જીવના જોખમનો ભય સતાવે છે, પરંતુ સાવચેતીની તાલીમ અને સાધનો વડે દરેક કર્મચારી સુરક્ષિત રહે એની અમે તકેદારી રાખીએ છીએ.’
મુંબઈ મહાનગરપાલિકાના બી વૉર્ડના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ એન્જિનિયર ચિત્રાંગદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે ‘અમે હૉસ્પિટલો, કોવિડ-19 સેન્ટર્સ અને કન્ટેઇનમેન્ટ ઝોન્સમાંથી એકઠો કરવામાં આવતો બાયોમેડિકલ વેસ્ટ દેવનારમાં નિકાલ માટેના ઠેકાણે પહોંચાડવા માટે અલગ વાહન ફાળવ્યું છે. બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ત્યાં પહોંચતાંની સાથે એના પર ડિસઇન્ફેક્ટન્ટ છાંટીને ભઠ્ઠીમાં બાળી નાખવામાં આવે છે. મહાનગરપાલિકાનો અન્ય પ્રકારનો કચરો કાળા કોથળામાં ભરવામાં આવે છે અને દેવનારમાં અન્ય સ્થળે લઈ જવામાં આવે છે. ત્યાં કચરા પર સોડિયમ હાઇપોક્લોરાઇટ વડે ટ્રીટમેન્ટ બાદ આ કચરાનો નિકાલ કરવામાં આવે છે. અમારા વૉર્ડમાં કચરો ભેગો કરવાનું કામ મેં ૧૪ જણને સોંપ્યું છે. અમારા કર્મચારીઓ શહેરના પરિવારોને ભીનો અને સૂકો કચરો જુદો કરવાની સૂચનાઓ અને તાલીમ આપે છે.’

mumbai mumbai news