APMCમાં કામકાજ શરૂ કરાતાં ફૂડ-સપ્લાયની ચેઇન નહીં તૂટે

27 March, 2020 11:13 AM IST  |  Mumbai | Mumbai Correspondent

APMCમાં કામકાજ શરૂ કરાતાં ફૂડ-સપ્લાયની ચેઇન નહીં તૂટે

APMC માર્કેટ

રાજ્ય સરકાર અને નવી મુંબઈ મહાનગરપાલિકા અને કોંકણ વિભાગના કમિશનર દ્વારા એપીએમસી સાથે સંકળાયેલા વેપારીઓ અને માથાડી કામગારોની સલામતી માટે પૂરતી વ્યવસ્થા કરાતાં ગઈ કાલે અહીં પાંચ દિવસના બંધ બાદ કામકાજ ચાલુ થયું હતું. આથી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં અનાજ-કરિયાણાની સપ્લાય ત્રણ-ચાર દિવસમાં રાબેતા મુજબ થઈ જવાથી લોકોએ હાશકારો અનુભવ્યો છે.

નવી મુંબઈમાં આવેલી એપીએમસીમાં દરરોજ હજારોની સંખ્યામાં વેપારીઓ, તેમના માણસો અને માથાડી કામગારોની અવરજવર રહે છે. આમ છતાં કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે સરકાર કે સંબંધિત વિભાગો દ્વારા કોઈ જ પગલાં ન લેવાતાં વેપારીઓ અને માથાડી કામગારોએ છેલ્લા કેટલાક સમયથી કામકાજ બંધ કરી દીધું હતું.

ધ ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલસીડ્‌સ મર્ચન્ટ્‌સ અસોસિએશન (ગ્રોમા)ના સેક્રેટરી ભીમજી ભાનુશાળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સલામતી બાબતે રજૂઆત કરાયા બાદ બુધવારે એપીએમસીના ચૅરમૅન નીલેશ વીરા, માથાડી કામગાર નેતા નરેન્દ્ર પાટીલ, નવી મુંબઈના મેયર જયવંત સુતાર સાથે વેપારી વર્ગે બેઠક કરીને સલામતી વિશે ચર્ચા કરી હતી. આ સમયે તેમણે પૂરતી સલામતીની ખાતરી આપી હતી. આજે એપીએમસીમાં તાવ માપવા માટેની થર્મલ ગન, સૅનિટાઇઝેશન અને મેડિકલ ટીમની સુવિધા પૂરી પડાતાં અમે કામકાજ શરૂ કર્યું છે.’

જોકે એપીએમસીમાં કામ કરતા માથાડી કામગારો અને કલ્યાણ-ડોમ્બિવલી વગેરે સ્થળોએ રહેતા વેપારીઓના માણસોની અવરજવરની સુવિધા તથા બધાનાં આઇકાર્ડ બનાવવાની પ્રક્રિયામાં થોડો સમય જશે એટલે બધું રાબેતા મુજબ થતાં ત્રણ-ચાર દિવસ લાગવાની શક્યતા છે. કામકાજ શરૂ કરવાના પહેલા દિવસે ૨૫ ટકા માલ ટ્રકોમાંથી ઉતારીને ગોડાઉનમાં ઉતારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai mumbai news apmc market vashi