કોરોના-ઇફેક્ટ:પહેલી વાર નવરાત્રિમાં માતાનો મઢ દર્શનાર્થીઓ માટે બંધ

25 September, 2020 12:45 PM IST  |  Mumbai | Mumbai correspondent

કોરોના-ઇફેક્ટ:પહેલી વાર નવરાત્રિમાં માતાનો મઢ દર્શનાર્થીઓ માટે બંધ

કોરોના-ઇફેક્ટ:પહેલી વાર નવરાત્રિમાં માતાનો મઢ દર્શનાર્થીઓ માટે બંધ

આવતા મહિને નવરાત્રિના પવિત્ર તહેવારનો પ્રારંભ થાય છે, પરંતુ કોરોના મહામારીને કારણે કચ્છના અત્યંત પવિત્ર ધામ એવા માતાના મઢ આશાપુરા મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિર-પ્રશાસન અને સરકારી અધિકારીઓ વચ્ચે થયેલી મીટિંગમાં સ્થાનિક કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું જેમાં ૧૩થી ૨૫ ઑક્ટોબર વચ્ચે મંદિર બંધ રાખવાની જાહેરાત કરી છે. જોકે દર્શનાર્થીઓ ઑનલાઇન દર્શનનો લાભ લઈ શકશે.
નવરાત્રિમાં માતાના મઢનું મંદિર બંધ રહેશે એવી આ પ્રથમ ઘટના છે. દર વર્ષે નવરાત્રિમાં કચ્છના માતાના મઢમાં અનેક ભક્તો ઊમટી આવે છે. દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન માટે આવે છે. લાખો ભાવિકો માનતા રાખીને કે શ્રદ્ધાથી પદયાત્રા કરીને માતાના મઢ આવે છે. ગુજરાતનાં જ નહીં, મુંબઈ સહિતનાં દેશનાં અન્ય શહેરો-રાજ્યોમાંથી પદયાત્રા, સાઇકલયાત્રા કરીને લોકો માતાજીનાં દર્શન કરવા કચ્છમાં માતાના મઢ જાય છે. પદયાત્રાના માર્ગ પર અનેક કૅમ્પનું આયોજન થાય છે.
જોકે આ વર્ષે આ તમામ ઉજવણીઓ બંધ રહેશે. કોરોના મહામારીને પગલે નવરાત્રિમાં મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી બુધવારે મંદિર-પ્રશાસન અને સરકારી અધિકારીઓની બેઠક પાર પડી હતી. ચર્ચામાં નિર્ણય લેવાયો હતો કે આ નવરાત્રિમાં મંદિર બંધ રાખીને દર્શનાર્થીઓ માટે ઑનલાઇન દર્શનની સુવિધા આપવી.
નખત્રાણા-કચ્છના કલેક્ટર પ્રવીણસિંહ જૈનાવતે મંદિર ૧૩થી ૨૫ ઑક્ટોબર સુધી બંધ રાખવાનું જાહેરનામું આપ્યું હતું, જેમાં આદેશ અપાયો છે કે આ સમયગાળા દરમ્યાન લખપત તાલુકાના માતાના મઢમાં આવેલું આશાપુરા મંદિર જાહેર જનતા માટે બંધ રહેશે. આ સમય દરમ્યાન યોજાતા મેળા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.
મંદિરના કમિટી સભ્ય ખેંગારજી જાડેજાએ જણાવ્યું હતું કે ‘હાલની પરિસ્થિતિને જોતાં આ ફેંસલો કરવામાં આવ્યો છે. દરેક ભક્તો માટે ઑનલાઇન માતાનાં દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. તો કોઈએ પણ નવરાત્રિ દરમ્યાન માતાના મઢમાં દર્શન કરવા અહીં સુધી આવવું નહીં.’
મુલુંડમાં રહેતા પંકજ ચૌહાણ છેલ્લાં ૧૦ વર્ષથી સતત માતાના મઢ જાય છે. તેમણે જણાવ્યું હતું કે ‘હું ઉપવાસ કરીને નવરાત્રિમાં માતાનાં દર્શન કરવા જાઉં છું. મારો આ ૧૦ વર્ષમાં પહેલો ગૅપ આ કોરોના વાઇરસને કારણે થશે.

mumbai mumbai news coronavirus covid19