મુંબઈ: મુલુંડમાં કોરોનાનો વધતો પ્રભાવ છતાં ધમધમતી ખાઉગલીઓ

02 July, 2020 11:10 AM IST  |  Mumbai | Mehul Jethva

મુંબઈ: મુલુંડમાં કોરોનાનો વધતો પ્રભાવ છતાં ધમધમતી ખાઉગલીઓ

વડાપાંઉના સ્ટૉલ નજીક ભેગી થયેલી ભીડ.

મુલુંડમાં કોરોના સંક્રમિત કેસોની સખ્યા વધતી જાય છે જેમાં છેલ્લા એક અઠવાડિયામાં ૫૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. એની જ સાથે કેટલાક લોકોનાં મૃત્યુ પણ થયાં છે. એનું મુખ્ય કારણ એ છે કે મુલુંડમાં સાંજ સમયે અનેક જગ્યાએ ખાઉગલીનો માહોલ ઊભો થઈ જાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે ખાઉગલીવાળા પાસે કોઈ પ્રકારનું પાલિકાનું લાઇસન્સ નથી સાથે પાલિકા પણ આ વાતથી અજાણ છે.

પાલિકાના નિયમ પ્રમાણે મુલુંડમાં ખાવાની કોઈ પણ વસ્તુ જે છૂટક રીતે વેચાઈ રહી હોય એના પર કડક કાર્યવાહી કરવાનો પાલિકાનો આદેશ છે, પણ મુલુંડ પોલીસ સ્ટેશનના ૨૦૦ મીટરના અંતરમાં એક દાબેલીનો સ્ટૉલ આવેલો છે. આર. પી. રોડ પર આવેલા મામા વડાપાંવ સેન્ટર તેમ જ મુલુંડ એમ.જી. રોડ પર લાગતા પાંવભાજીના સ્ટૉલમાલિકો પાસે પાલિકાના કોઈ લાઇસન્સ ઉપલ્બધ નથી. આ જગ્યાએ લોકો સાંજના સમયે મોટી સંખ્યામાં ઊભા રહી ત્યાં જ વડાપાંઉ ખાતા નજરે પડે છે. પાલિકાના આદેશ પ્રમાણે માત્ર પાર્સલ કિચન ચાલુ હોવું જોઈએ. જો આવી જ રીતે પાલિકા અને પોલીસ આંખ આડા કાન કરશે તો મુલુંડની હાલત હજી ખરાબ થઈ જશે.

મુલુંડના સામાજિક કાર્યકર ભરત બારોટ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘કોરોના કેસ મુલુંડમાં વધવાનું કારણ આ ખાદ્ય પદાર્થ વેચતા ફેરિયાઓ છે. તેઓ પોતાના નફા માટે લોકોના જાનને જોખમમાં નાખે છે. પાલિકાની હેલ્પલાઇન પર મેં ૧૦થી વધુ વાર આની ફરિયાદ કરી પણ પાલિકા આંખ આડા કાન કરી બેસી છે. આશ્ચર્યની વાત તો એ છે કે જો દુકાનદાર પોતાની દુકાન ૬ વાગ્યા પછી ખુલ્લી રાખે તો તેમને ફાઇન અને રોડ પર ધંધો કરતા ફેરિયાઓને પાલિકા જોતી પણ નથી.’

મુલુંડ ‘ટી’ વૉર્ડના વૉર્ડ ઑફિસર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે હાલમાં આવી કોઈ ફરિયાદ આવી નથી. પાલિકાના અધિકારીઓ આપેલી જગ્યાએ જઈ કાયદેસર કાર્યવાહી કરશે. પાલિકાના અતિક્રમણ વિભાગના રવીન્દ્ર શિંદે સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આના પર કાર્યવાહી કરવામાં આવશે અને તેમનો બધો જ માલ જપ્ત કરવામાં આવશે.

mumbai mumbai news coronavirus covid19 lockdown mulund mehul jethva