બ્રૅન્ડેડ મોબાઇલની ૩૩ લાખની ડુપ્લિકેટ ઍક્સેસરીઝ જપ્ત

10 December, 2020 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રૅન્ડેડ મોબાઇલની ૩૩ લાખની ડુપ્લિકેટ ઍક્સેસરીઝ જપ્ત

જપ્ત કરાયેલી ડુપ્લિકેટ ઍક્સેસરીઝ સાથે પોલીસની ટીમ

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગની કૉપીરાઇટ શાખાએ નાગપાડામાંથી બ્રૅન્ડેડ મોબાઇલ કંપનીઓની ડુપ્લિકેટ ઍક્સેસરીઝ વેચવાના આરોપસર એક આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ૩૩ લાખ રૂપિયાની ઍક્સેસરીઝ જપ્ત કરી હતી.

કૉપીરાઇટ બ્રાન્ચના એક ઑફિસરને ખબરીએ માહિતી આપી હતી કે નાગાપાડામાં મોબાઇલ ફોનની જાણીતી કંપનીઓની જેવી જ દેખાતી પણ ડુપ્લિકેટ ઍક્સેસરીઝનું વેચાણ થઈ રહ્યું છે. એથી ઑફિસરોની ટીમે મંગળવારે નાગપાડાના બેલાસિસ રોડ પર આવેલી વાઇટ હાઉસ બિલ્ડિંગની શૉપ-નંબર ૭ પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી તેમને સૅમસંગ, વિવો, એમઆઇ કંપનીના ડુપ્લિકેટ ઈયરફોન, મોબાઇલ ચાર્જર, વાયએસ કેબલ, બૅટરી મોબાઇલ કવર અને અન્ય બનાવટી ચીજો મળી હતી. અહીંથી ૩૩,૦૨,૨૭૨ રૂપિયાની મત્તા જપ્ત કરવામાં આવી હતી.

આ મામલામાં ૨૭ વર્ષના ઉમેશકુમાર સંપતરાજજી જૈનની ધરપકડ કરાઈ છે અને તેની સામે નાગપાડા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડસંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી) સહિત કૉપીરાઇટ ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

mumbai mumbai news mumbai crime branch