૧ કરોડ રૂપિયાના હીરાની ચોરીની ફરિયાદ પોલીસમાં પહોંચી એ પહેલાં શું થયેલું?

13 December, 2012 02:58 AM IST  | 

૧ કરોડ રૂપિયાના હીરાની ચોરીની ફરિયાદ પોલીસમાં પહોંચી એ પહેલાં શું થયેલું?

બકુલેશ ત્રિવેદી મુંબઈ, તા. ૧૩ ઑપેરા હાઉસની પ્રસાદ ચેમ્બર્સના ૧૫મા માળ પર આવેલી વૃષભ ડાયમન્ડ નામની કંપનીની ઑફિસમાંથી ૨૫ સપ્ટેમ્બરે બપોરે એકથી ચાર વાગ્યા દરમ્યાન ઑફિસના ડ્રૉઅરમાં રાખેલા ૪૯૫.૩૦ કૅરેટ વજનના ૧,૦૪,૧૦,૩૦૦ રૂપિયાની કિંમતના પૉલિશ્ડ હીરાની ચોરી થઈ હતી. આ ચોરીમાં કોઈ જાણભેદુની સંડોવણી હોવાની શક્યતા પોલીસ દર્શાવી રહી છે. સોમવારે ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વૃષભ ડાયમન્ડના ૫૪ વર્ષના વેપારી બિપિન દોશીએ પહેલાં તો તેમના વર્ષો જૂના કર્મચારીઓને આ બાબત જણાવી હતી અને ત્યાર બાદ બજારના રિવાજ મુજબ એક કૅબિનમાં ડબ્બો રાખી એ રૂમમાં એક પછી એક કર્મચારીને મોકલ્યા હતા. આ સિસ્ટમમાં એવુ હોય છે કે જો કોઈ કર્મચારીએ લાલચમાં આવીને હીરા તફડાવ્યા હોય તો તે પાછા મૂકી દે છે, પણ એ હીરા કોણે મૂક્યા એની જાણ કોઈને થતી નથી. એને કારણે તે કર્મચારીની નોકરી પણ જતી નથી, બધાનું માન સચવાઈ રહે છે અને હીરા પણ પાછા મળી આવે છે. જોકે આ વાતનું પણ પરિણામ પૉઝિટિવ ન આવતાં આખરે બિપિન દોશીએ ચોરીના બે દિવસ બાદ ૨૭ સપ્ટેમ્બરે ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં આ વિશે અરજી કરીને ફરિયાદ કરી હતી. ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનના ઑફિસર પાંડુરંગ સનસે હીરાની આ ચોરી વિશે કહ્યું હતું કે ‘બિપિન દોશીએ અમને ફરિયાદ કર્યા બાદ અમે એ વિશે તપાસ શરૂ કરી હતી. ઑફિસની અંદરના સીસીટીવી કૅમેરા બંધ હતા, પણ ઑફિસની બહારના પૅસેજના સીસીટીવી કૅમેરા ચાલુ હતા એટલે એના ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. અમે ઑફિસના કર્મચારીઓનાં સ્ટેટમેન્ટ પણ નોંધ્યાં છે. તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓ વર્ષોથી છે. જે મહિલા-કર્મચારી છેલ્લે એ હીરા ડ્રૉઅરમાં મૂકીને જમવા ગઈ હતી તે તેમને ત્યાં ૧૭ વર્ષથી કામ કરે છે અને વિશ્વાસુ છે. લાખો ને કરોડો રૂપિયાના હીરા તેની પાસેથી પસાર થાય છે, પણ ક્યારેય આવું બન્યું નથી. જનરલી રોજ અનેક દલાલોની ઑફિસમાં અવરજવર રહે છે. હોઈ શકે કે કોઈને આ બાબતની જાણ હોય અને તેણે આ કારનામું કર્યું હોય. અમે એ બાબતે વધુ તપાસ કરી રહ્યા છીએ. અમે આ માટે પહેલાં તપાસ કરીને ખરેખર ખાતરી કરી કે હીરા ચોરવામાં આવ્યા છે. એ નક્કી થયા બાદ જ સોમવારે આ કેસની ફરિયાદ નોંધી છે. અમે કેસની વધુ તપાસ કરી રહ્યા છીએ.’ ડી. બી. માર્ગ = દાદાસાહેબ ભડકમકર માર્ગ, સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન