સાંતાક્રુઝમાં પોલીસની હત્યા કરનાર કૉલગર્લની સનસનાટીભરી દાસ્તાન

09 October, 2014 05:10 AM IST  | 

સાંતાક્રુઝમાં પોલીસની હત્યા કરનાર કૉલગર્લની સનસનાટીભરી દાસ્તાન


સાંતાક્રુઝના જુહુ તારા રોડ પરની એક ઝૂંપડપટ્ટીમાંથી સપ્ટેમ્બર મહિનામાં દિલીપ બોટાટે નામના પોલીસ-કૉન્સ્ટેબલનો અડધો બળેલો મૃતદેહ મળી આવ્યા પછી એ ગુના બાબતે એક કૉલગર્લની ધરપકડ કરાયાના એક મહિના બાદ ૨૯ વર્ષની એ યુવતીએ પોતાની વેરકથા બયાન કરી હતી. આ યુવતીએ હત્યાનો ગુનો કબૂલ કરતાં પૂછપરછમાં પોલીસ-અધિકારીઓને જણાવ્યું હતું કે ‘મને દેહવ્યવસાયના ધંધામાં ધકેલનારી અને બજારમાં વેચીને મારી જિંદગી બરબાદ કરનારી વ્યક્તિને મેં ખતમ કરી છે. હત્યા કર્યા પછી હું સહેલાઈથી એ રૂમમાંથી નાસી ગઈ હોત, પરંતુ ભ્રષ્ટ પોલીસો તરફ તંત્રનું ધ્યાન દોરવા માટે હું રૂમમાં પાછી આવી અને મૃતદેહને આગ ચાંપી.’    

આરોપી યુવતીએ પોલીસને આપેલા બયાન મુજબ તે ૨૦૦૨માં બિહારમાં સાવકી માતાના ત્રાસને લીધે ભાગીને મુંબઈ આવી હતી. એ વખતે તેની ઉંમર ૧૭ વર્ષની હતી. મુંબઈમાં ઘ્લ્વ્ રેલવે-સ્ટેશને ઊતરી ત્યારે તેને સૌપ્રથમ સાદા વેશમાં પોલીસમૅન દિલીપ બોટાટે મળ્યો. તેણે મદદ કરવાનું વચન આપ્યું, પરંતુ ખરેખર મદદ કરવાને બદલે તેણે તેને કામાઠીપુરામાં ૨૫ હજાર રૂપિયામાં વેચી નાખી હતી. દોજખભરી જિંદગીથી કંટાળીને તે ત્યાંથી નાસી હતી અને બાંદરાની ફૅક્ટરીમાં કામ કરવા લાગી હતી અને તેણે સહકર્મચારી સાથે લગ્ન કર્યાં હતાં. જોકે તેને સંતાન થયા બાદ તેનો પતિ તેને છોડી જતાં ઘર ચલાવવા માટે તેણે સાંતાક્રુઝ રેલવે-સ્ટેશન સામે દેહવેપાર ફરી શરૂ કર્યો હતો. તેને ૨૦૧૨માં પોલીસે પકડી ત્યારે ફરી તેની મુલાકાત દિલીપ સાથે થઈ હતી. તેણે તેનું જાતીય શોષણ કરવાનું શરૂ કર્યું હતું. એ વખતે જ તેણે પોતાની જિંદગી નરક સમાન બનાવનાર તે માણસને ખતમ કરવાનું વિચાર્યું હતું. આથી તેણે એક કસ્ટમર પાસેથી ઘેન ચડે એવી દવા લાવીને ૧૧ સપ્ટેમ્બરે કૉન્સ્ટેબલના ડ્રિન્કમાં ભેળવી દીધી હતી અને તેને બેભાન કર્યો હતો. બીજા દિવસે તેણે તેને મારીને સળગાવી દીધો હતો.