મોદીના ૯ મિનિટના બ્લૅકઆઉટથી પાવર સિસ્ટમ સામે જોખમ

04 April, 2020 07:46 AM IST  |  Mumbai Desk | Dharmendra Jore

મોદીના ૯ મિનિટના બ્લૅકઆઉટથી પાવર સિસ્ટમ સામે જોખમ

પ્રતીકાત્મક તસવીર

વીજળીના ઉત્પાદન અને માગ-વપરાશની સમતુલા તૂટતાં અચાનક સિસ્ટમ કૉલેપ્સ થવાની શક્યતા રહેતી હોવાથી આવતા રવિવારે રાતે ૯ વાગ્યે ૯ મિનિટ લાઇટો બંધ રાખવામાં આવે ત્યારે મુશ્કેલીની આશંકા રહે છે, પરંતુ ઇલેક્ટ્રિસિટી કંપનીઓના અમલદારોએ મુશ્કેલી ઊભી ન થાય એની આગોતરી તકેદારી રાખી હોવાનું જણાવ્યું છે. વીજળીના ઉત્પાદન અને માગ-વપરાશની સમતુલાના આધારે સિસ્ટમ ગતિશીલ રહેતી હોય છે એથી અચાનક માગ કે વપરાશ વધે કે ઘટે તો વન નેશન વન ગ્રિડ વાયર નેટવર્ક ડિસ્ટર્બ થતાં સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડૅમેજ થવાની શક્યતા રહે છે. એવા સંજોગોમાં આખા દેશમાં મુસીબત ઊભી થઈ શકે છે. 

વડા પ્રધાને ગુરુવારે જાહેરાત કર્યા પછી શુક્રવારની બપોર સુધીમાં પાવર સિસ્ટમ ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ હસ્તકનાં પાંચ રીજનલ લોડ ડિસ્પેચ સેન્ટર્સ અને નૅશનલ લોડ ડિસ્પેચ સેન્ટરના અધિકારીઓએ પાંચમી એપ્રિલની પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી શરૂ કરી હતી. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, ગોવા, છત્તીસગઢ, દીવ-દમણ અને દાદરા-નગર હવેલીનો અખત્યાર સંભાળતા વેસ્ટર્ન રીજનલ લોડ ડિસ્પેચ સેન્ટરે પણ પૂર્વતૈયારી શરૂ કરી હતી.
મહારાષ્ટ્ર લોડ ડિસ્પેચ સેન્ટરના અધિકારીએ જણાવ્યું હતું કે ‘રાજ્યની એકંદર માગમાં ૭૦૦૦ મેગાવૉટનો ઘટાડો થયો છે. સરકારી અને ખાનગી વીજ કંપનીઓના ૫૦ ટકા ઇલેક્ટ્રિસિટી જનરેશન સેટ્સ બંધ પડ્યા છે. પાંચમી એપ્રિલે અંધારપટની ૯ મિનિટમાં વીજળીની માગના પ્રમાણની ગણતરી અમે કરી છે. એ વખત માટે ચિંતા કરવાનું કોઈ કારણ નથી.’
વિવિધ પાવર કંપનીઓમાં વરિષ્ઠ હોદ્દા પર કામ કરી ચૂકેલા મુકુંદ સુંદકરે જણાવ્યું હતું કે ‘અચાનક લાઇટ ઑફ થવાને કારણે ટ્રિપિંગની શક્યતા નહીંવત્ છે, કારણ કે લોકો દીવા અને મીણબત્તીઓ પ્રગટાવે એ વખતે લાઇટ ભલે બંધ રહે. પંખા, ઍરકન્ડિશનર્સ, રેફ્રિજરેટર્સ વગેરે સાધનો-ઉપકરણોનો ઉપયોગ પણ કરે છે. એલઈડી લાઇટમાં ઝાઝી વીજળી વપરાતી નથી એથી જોખમી પ્રમાણમાં માગ-વપરાશ ઘટે એવી શક્યતા જણાતી નથી.’

mumbai mumbai news coronavirus narendra modi dharmendra jore