કરે કોઈ, ભરે કોઈ

20 February, 2021 09:16 AM IST  |  Mumbai | Mehul Jethva

કરે કોઈ, ભરે કોઈ

ઊર્જા પ્રધાન નીતિન રાઉતે ગ્રાહકોને રાહત આપવાની જાહેરાત કર્યા બાદ ફેરવી તોળ્યું હોવાથી વધુ પડતા લાઇટ બિલની મોકાણ ઊભી થઈ છે

કોરોના મહામારી વખતે આવેલાં જંગી બિલોના સંદર્ભમાં રાજ્યના ઉર્જા પ્રધાને  ગયા વર્ષે કહ્યું હતું કે રાજ્યના ગ્રાહકોને રાહત આપવામાં આવશે. જોકે, ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટે સરકારના આ વચનોની સામે લાલ આંખ કરીને આ પ્રપોઝલને અટકાવી દીધું હતું. આને લીધે બિલ ઓછાં ન થતાં સામાન્ય જનતા મહાવિતરણના અધિકારીઓ પર રોષે ભરાઈ છે. છેલ્લા ૧૫ દિવસમાં બે વખત મુલુંડમાં મહાવિતરણના અધિકારી પર હુમલો કરવામાં આવ્યો છે. આ બનાવમાં મુલુંડ પોલીસે એક જણની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે ‘મુલુંડના પી. કે. રોડ પર આવેલા કેશવપાડા વિસ્તારમાં અનેક લોકોને મોટી રકમનાં બિલો આવ્યાં હતાં. મહાવિતરણના અધિકારીઓએ હાલમાં બિલ ન ભરતા લોકો પર કાર્યવાહી હાથ ધરી છે. શુક્રવારે મહાવિતરણના અધિકારીઓ કેશવપાડામાં લાઇન કટ કરવા ગયા ત્યારે ત્યાંનો સ્થાનિક રહેવાસી કનૈયાલાલ ગુપ્તા ખૂબ રોષે ભરાયો હતો અને મહાવિતરણની ઑફિસમાં આવી અધિકારીઓ સાથે અપશબ્દો બોલીને હાથ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. એ દરમ્યાન અધિકારીઓએ પોલીસને ફોન કરતાં પોલીસે ઘટનાસ્થળે આવી કનૈયાલાલ ગુપ્તાની ધરપકડ કરી હતી.’

મુલુંડ મહાવિતરણના શકીલ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોટા નેતાઓ દ્વારા થયેલા મોટા વાયદામાં અમારા સ્ટાફના અધિકારીઓનો વારો નીકળે છે. અમને પણ કોઈની લાઇટનું કનેક્શન કાપવું સારું નથી લાગતું, પણ અમે ઉપરી અધિકારીઓના આદેશ મુજબ કામ કરીએ છે. કાલની ઘટનામાં અમારા અધિકારી અને મારી સાથે આરોપી યુવાને અપશબ્દો બોલીને હાથ ઉપાડવાની કોશિશ કરી હતી એ જોતાં મેં મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’

મુલુંડ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારી અધિકારીના કામમાં અડચણ સાથેની આઇપીસી કલમ ૩૫૩ અને ધમકી માટેની આઇપીસીની કલમો હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

mumbai mumbai news mehul jethva