હિમેશ રેશમિયાના પપ્પા જેવી ગફલત તમે નહીં કરતા

21 October, 2012 03:27 AM IST  | 

હિમેશ રેશમિયાના પપ્પા જેવી ગફલત તમે નહીં કરતા



હિન્દી ફિલ્મોના સંગીતકાર, ગાયક અને ઍક્ટર હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયાનું ઈ-મેઇલ ઍડ્રેસ હૅક કરીને તેમના નામે ‘હું ગ્રીસમાં ફસાઈ ગયો છું અને મદદની જરૂર છે’ એવી ઈ-મેઇલ છેલ્લા ચાર-પાંચ દિવસથી તેમના મિત્રોને મોકલવામાં આવી રહી હોવાથી વિપિનભાઈ હેરાન-પરેશાન છે અને તેમને ફોન કરનારાઓને જણાવી રહ્યા છે કે ‘હું મુંબઈમાં એકદમ બરાબર છું અને મારે કોઈ મદદની જરૂર નથી. મારા એક મિત્રની આવી જ રીતે મદદ માગતી ઈ-મેઇલ મને મળી હતી અને તેને જવાબ આપવાની સાથે જ મારું ઈ-મેઇલ ઍડ્રેસ હૅક થઈ ગયું હતું. જો તમને આવી ઈ-મેઇલ આવી હોય તો એને ઇગ્નૉર કરજો, નહીંતર તમારી હાલત પણ મારા જેવી થશે.’

‘મિડ-ડે’ને પણ વિપિન રેશમિયાના ઈ-મેઇલ ઍડ્રેસથી આવી જ એક ઈ-મેઇલ ‘બૅડ ગ્રીસ ટ્રિપ... હેલ્પ’ના નામથી મળી હતી. એમાં એમ જણાવવામાં આવ્યું હતું કે ‘મારી આંખમાં આંસુ સાથે હું તમને આ લખી રહ્યો છું. હું મારી ફૅમિલી સાથે એક નાના વેકેશન માટે ગ્રીસના ઍથેન્સ શહેરમાં આવ્યો છું. અમે જે હોટેલમાં ઊતર્યા છીએ એના પાર્કમાં અમારી સાથે બનાવટ કરવામાં આવી છે અને એમાં અમે અમારી પાસે રહેલી કૅશ, ક્રેડિટ કાર્ડ અને સેલફોન ગુમાવી દીધાં છે. નસીબજોગે માત્ર અમારા પાસપોર્ટ અમારી પાસે છે. અમે પોલીસ અને સ્થાનિક એમ્બેસી ઑફિસમાં ગયા હતા, પણ ત્યાંથી અમને કોઈ મદદ મળી નથી. અમારી પાસે થોડા જ કલાક છે અને હોટેલ ખાલી કરવાની છે, પણ જ્યાં સુધી હોટેલનું બિલ ભરાય નહીં ત્યાં સુધી તેઓ અમને બહાર જવા દેવા માગતા નથી. મારી પાસે સેલફોન પણ નથી. પ્લીઝ, તમારી મદદની અર્જન્ટ જરૂર છે - વિપિન રેશમિયા.’

આ ઈ-મેઇલ વિશે જ્યારે ‘મિડ-ડે’એ તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે ‘પાંચ દિવસ પહેલાં મને મારા એક મિત્રની આવી જ ઈ-મેઇલ મળી હતી. મેં આ ઈ-મેઇલનો જવાબ આપ્યો કે ચિંતા ન કર અને મને ફોન કર. મારા તે મિત્રનો ફોન તો મને આવ્યો નહીં, પણ મારા ઈ-મેઇલ અકાઉન્ટને તરત જ હૅક કરી દેવામાં આવ્યું અને મારી ઈ-મેઇલ ઍડ્રેસ-બુકમાંનાં મારાં તમામ ઍડ્રેસ પર હું મદદ માગતો હોઉં એવી ઈ-મેઇલ પહોંચી ગઈ. બીજા દિવસે સવારથી મારો મોબાઇલ રણકી રહ્યો છે અને રોજ હું આવા ૫૦ ફોનના જવાબ આપું છું કે પ્રભુકૃપાથી હું કોઈ મુસીબતમાં નથી. જોકે સાથે સલાહ પણ આપું છું કે આવી ઈ-મેઇલ આવે તો એને તમે ઇગ્નૉર કરજો, મહેરબાની કરીને એને રિપ્લાય કરતા નહીં.’