સેવામાં ઊણપ બદલ ગ્રાહક અદાલતે કર્યો ICICI બૅન્કને ૪૦,૦૦૦ રૂપિયાનો દંડ

18 October, 2018 04:28 AM IST  | 

સેવામાં ઊણપ બદલ ગ્રાહક અદાલતે કર્યો ICICI બૅન્કને ૪૦,૦૦૦ રૂપિયાનો દંડ



અનુરાગ કાંબળે

પાંચ વર્ષ લાંબી ચાલેલી કાનૂની લડાઈ પછી છેવટે બોરીવલીમાં રહેતી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ICICI બૅન્ક સામેનો કેસ જીતી ગઈ છે. લોન મંજૂર કર્યાનો મંજૂરીપત્ર આપ્યા બાદ પણ લોનની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેનારી બૅન્ક વિરુદ્ધ ૨૦૧૩માં અન્વયા કડુએ  ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ દાખલ કરાયાનાં પાંચ વર્ષ પછી ગ્રાહક અદાલતે અન્વયા કડુની તરફેણમાં ચુકાદો આપી ICICI બૅન્કને અન્વયાના પરિવારને થયેલા માનસિક ત્રાસપેટે ૩૦,૦૦૦ રૂપિયા તથા કાનૂની કાર્યવાહીમાં થયેલા ખર્ચપેટે ૧૦,૦૦૦ રૂપિયા પણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. બૅન્કના આ વર્તનને ર્કોટે ‘સેવામાં ઊણપ’ તરીકે ગણાવી હતી.

ગોરાઈમાં રહેતા યુગલ અન્વયા અને સચિન કડુએ ૨૦૧૩માં ગોરાઈમાં ફ્લૅટ લેવાનો નર્ણિય લીધો હતો. પોતાની પસંદગીનો ફ્લૅટ ખરીદવા માટે બન્ને ડેવલપર પાસે ગયાં ત્યારે આ પ્રોજેક્ટમાં હોમ લોન આપવાની ICICI બૅન્કની સ્વીકૃતિ હોવાનું ડેવલપરે જણાવ્યું હતું. કડુયુગલે માર્ચ-૨૦૧૩માં જ બૅન્કમાં લોન માટેની અરજી કરી દીધી હતી.


આ પણ વાંચોઃ અમિત શાહ અચાનક અને ગુપચુપ મુંબઈ કેમ આવ્યા?


લોન માટે આવશ્યક તમામ દસ્તાવેજો સબ્મિટ કર્યા બાદ ૧૦ દિવસમાં લોનની રકમ મળી જશે એમ બૅન્ક તરફથી જણાવવામાં આવ્યું એમ કહેતાં અન્વયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મને મારી ઇચ્છા મુજબનું ઘર મળી જશે એ જાણીને હું ખૂબ જ ખુશ હતી. બૅન્કે લોનની પ્રોસેસિંગ ફીપેટે ૧૦,૬૭૫ રૂપિયા અને સ્ટૅમ્પ-ડ્યુટી પેટે ૩૭૨૦ રૂપિયા મારા ખાતામાંથી કાપી લીધા હતા. પછીથી મે મહિનામાં બૅન્કે ૧૮.૫૯ લાખ રૂપિયાની લોનની ફાળવણીનો મંજૂરીપત્ર પણ આપી દીધો હતો. લોનની રકમની ફાળવણીમાં વિલંબ થતાં બૅન્કે બીજો મંજૂરીપત્ર પણ આપ્યો, પણ પછી અચાનક અમને જણાવ્યું કે અમારી લોન નકારવામાં આવી છે. અમે બૅન્ક પાસેથી એણે વસૂલ કરેલી પ્રોસેસિંગ ફી અને સ્ટૅમ્પ-ડ્યુટીની રકમ પાછી માગી, પણ બૅન્કે અમને દાદ ન આપતાં અમે ગ્રાહક અદાલતમાં બૅન્ક પર કેસ કર્યો હતો.’