ફોનથી છેતરતો ચીટર ફોનથી જ ફસાયો

28 July, 2012 05:26 AM IST  | 

ફોનથી છેતરતો ચીટર ફોનથી જ ફસાયો

શિરીષ વક્તાણિયા

મુંબઈ, તા. ૨૮

ગુરુવારે રાતે મલાડમાં બે ગુજરાતીઓ સાથે છેતરપિંડી કરી ૨૦,૦૦૦ રૂપિયા પડાવનારા ૩૦ વર્ષના મનીષ રાજેન્દ્ર ઐયાની મલાડપોલીસે ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે તેના મુલુંડના ઘરેથી ધરપકડ કરી હતી. પોલીસ મનીષને પકડવા ગઈ ત્યારે તે ઘરે નહોતો એટલે એણે તેની માતાને બીમાર હોવાનો ડ્રામા કરવા કહ્યું જેથી તે તેમને મળવા આવે અને ત્યારે તેની ધરપકડ કરી શકાય.

મનીષની લોકોને છેતરવાની કાર્યપદ્ધતિ પણ અલગ પ્રકારની હતી. જે બિલ્ડિંગમાં કોઈ ગુજરાતીના ઘરે પ્લમ્બિંગ કે ફ્લોરિંગનું કામ ચાલતું હોય ત્યાં તે હાથ અજમાવતો હતો.

મનીષની છેતરવાની કાર્યપદ્ધતિ કંઈક આવી હતી. તે સૌથી પહેલાં ગુજરાતી વિસ્તારનાં બિલ્ડિંગોના વૉચમૅનને પૂછી લેતો કે કોના ઘરે પ્લમ્બિંગ કે ફ્લોરિંગનું કામ ચાલે છે. પછી વૉચમૅન પાસે જ તેમનો ફોન-નંબર અને નામ કઢાવી લેતો અને ત્યાર બાદ તેમના ઘરે જઈ છેતરપિંડી કરી રૂપિયા લઈને નાસી જતો.

મલાડ (વેસ્ટ)માં ઝકરિયા રોડ પર આવેલા મહાવીર દર્શન બિલ્ડિંગમાં ચોથા માળે રહેતાં ૪૨ વર્ષનાં દર્શના જયેશ ગોસલિયાએ ગુરુવારે રાત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી કે એક માણસ મારા બિલ્ડિંગમાં પાંચમા માળે રહેતા શૈલેશ પટેલના નામે દસ હજાર રૂપિયા લઈ ગયો હતો. દર્શનાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાંચમા માળે રહેતા શૈલેશભાઈના ઘરે બે દિવસથી ફ્લોરિંગનું કામ ચાલી રહ્યું હતું. ગુરુવારે રાતે આઠ વાગ્યે એક માણસે શૈલેશભાઈના ઘરેથી આવ્યો છું એમ કહીને મને કહ્યું હતું કે ઉપર ફ્લોરિંગનું કામ ચાલી રહ્યું છે એટલે હું તમારા ઘરે લીકેજ ચેક કરવા આવ્યો છું. ચેકિંગ કરી પછી તે જતો રહ્યો હતો.’

રાતે સાડાઆઠ વાગ્યે દર્શનાબહેનના પતિ જયેશભાઈના મોબાઇલ પર પોતાના મોબાઇલથી મનીષે તેમની ઉપર પાંચમા માળે રહેતા શૈલેશભાઈના નામે ફોન કરીને કહ્યું હતું કે ‘મારા ઘરે ફ્લોરિંગનું કામ ચાલી રહ્યું છે એટલે તમારા ઘરમાં લીકેજ થયું હોવાથી એનું કામ હું કરાવી આપીશ. હું હમણાં ઘરે નથી, પણ લીકેજનું કામ કરનારો માણસ તમારા ઘરે આવતો જ હશે એટલે તેને તમે ૩૫,૨૦૦ રૂપિયા આપી દેજો; હું તમને અડધા કલાકમાં ઘરે આવીને પૈસા પાછા આપી દઈશ.’

ફોન આવ્યાની દસ મિનિટ બાદ જ મનીષ જયેશભાઈના ઘરે ગયો હતો. એ વખતે દર્શનાબહેને તેને ૧૦,૦૦૦ રૂપિયા જ આપ્યા હતા. રૂપિયા લઈ તે જતો રહ્યો હતો. શૈલેશભાઈ ઘરે આવ્યા એ વખતે જયેશભાઈ રૂપિયા લેવા તેમના ઘરે ગયા ત્યારે તેમને જાણ થઈ કે કોઈ અન્ય માણસ તેમને છેતરીને નાસી ગયો હતો. એથી જયેશભાઈનાં પત્ની દર્શનાબહેને ગુરુવારે રાત્રે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મલાડ પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર મનોહર હરપુડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જયેશભાઈને જે નંબર પરથી ફોન આવેલો એની તપાસ કરતાં અમને મુલુંડમાં રહેતા ૩૦ વર્ષના મનીષ ઐયા નામના યુવકનું નામ અને ઍડ્રેસ મળ્યું હતું. ગઈ કાલે સવારે આઠ વાગ્યે મનીષને શોધવા અમે તેના ઘરે ગયા હતા. એ વખતે ઘરે ફક્ત તેનાં માતા-પિતા જ હતાં, પણ મનીષ મળ્યો નહોતો. એથી મનીષને ઘરે બોલાવવા અમે તેની માતાને બીમાર હોવાનો ડ્રામા કરવા કહ્યું. તેના પિતાએ મનીષને ફોન કરીને કહ્યું કે તારી મમ્મી બીમાર છે, તેની પાસે સમય ઓછો છે અને તેમને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરવા ડૉક્ટરોએ કહ્યું છે એટલે તું જલ્ાદી ઘરે આવી જા. પિતાની વાત સાંભળતાંની સાથે જ મનીષ દોડતો ઘરે આવી ગયો હતો. એ વખતે અમે તેની ધરપકડ કરી હતી.’

જયેશભાઈને ત્યાં છેતરપિંડી કર્યા બાદ મનીષે મલાડ (વેસ્ટ)માં લિબર્ટી ગાર્ડન વિસ્તારમાં આવેલા સૉલિટેર બિલ્ડિંગમાં ચોથા માળે રહેતા સુરેશ જૈનના ઘરે પણ એ જ દિવસે રાતે નવ વાગ્યે આવી જ રીતે ૧૦,૦૦૦ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ તેમણે ગઈ કાલે મલાડ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.