ભીંડીબજારમાં ક્લસ્ટર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના બાંધકામની શરૂઆત

31 December, 2015 05:31 AM IST  | 

ભીંડીબજારમાં ક્લસ્ટર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના બાંધકામની શરૂઆત


સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા આશરે ૪૦૦૦ કરોડ રૂપિયાના ભીંડીબજાર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું બાંધકામ ડૉ. સૈયદના મહમ્મદ બુરહાનુદ્દીન (RA)ની બીજી પુણ્યતિથિએ ગઈ કાલે શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ સ્વ. સૈયદના મહમ્મદ બુરહાનુદ્દીનની સંકલ્પના છે. સદ્ગતના પુત્ર અને ઉત્તરાધિકારી ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન (TUS) દ્વારા આગળ લઈ જવામાં આવી રહ્યો છે. તેમણે જાહેર કર્યું હતું કે ‘આ સબ-ક્લસ્ટર ૧ અને ૩ સાથે અન્ય સબ-ક્લસ્ટરોનું બાંધકામ હવે યુદ્ધના ધોરણે પાર પાડવામાં આવશે, જેથી પ્રકલ્પથી બાધિત પરિવારો અને વેપારીઓ સમયસર ફરીથી ઠરીઠામ થાય અને તેમનું પુનર્વસન થાય. આ અપલિફ્ટમેન્ટ પ્રોજેક્ટ આધ્યાત્મિક વાતાવરણ પૂરું પાડીને વૃદ્ધિ અને મોકળાપણું પ્રેરિત કરવા સાથે આધ્યાત્મિક,  બૌદ્ધિક, સામાજિક અને નાણાકીય એમ બધાં જ પાસામાં લોકોના આરોગ્ય અને કલ્યાણ માટે તરફેણજનક બની રહેશે.’

સબ-ક્લસ્ટર ૧ અને ૩ પર બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે અને અન્ય સબ-ક્લસ્ટર પર ટૂંક સમસમયાં તબક્કાવાર બાંધકામ શરૂ થશે. હાલમાં ૭૦ જર્જરિત ઇમારતો તોડી પાડવામાં આવી છે અને લગભગ ૧૭૦૦ પરિવારો અને ૪૦૦ વેપારીઓને ભીંડીબજારમાંથી અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણ્યો છે અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ઝડપી અમલ થાય એની ખાતરી રાખવા માટે અંગત ધ્યાન આપ્યું છે.

આ મહત્વાકાંક્ષી અપલિફ્ટમેન્ટ પ્રોજેક્ટ ૧૬.૫ એકરમાં પથરાયેલો છે, જેમાં અત્યારે ૨૫૦ જર્જરિત મકાનો, ૩૨૦૦ પરિવારો અને ૧૨૫૦ દુકાનો છે. એ સૌને ૧૭ નવાં મકાનોમાં અત્યાધુનિક સક્ષમ વિકાસમાં સમાવી લેવામાં આવશે; જ્યાં પહોળા રસ્તા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ ખુલ્લી જગ્યા, ઉચ્ચ દૃષ્ટિગોચર વ્યાવસાયિક ક્ષેત્રો તેમને મળશે.