ચોમાસામાં આ વખતેય સબર્બ્સમાં જળબંબાકાર

09 May, 2022 08:08 AM IST  |  Mumbai | Prajakta Kasale

એનું કારણ છે જોગેશ્વરીમાં તૈયાર ન થનારું મોગરા પમ્પિંગ સ્ટેશન. આ સિવાય માહુલ પમ્પિંગ સ્ટેશનનું કામ પણ અટક્યું હોવાથી કિંગ્સ સર્કલ, સાયન અને ગાંધી માર્કેટના લોકોને પણ મૉન્સૂનમાં નહીં મળે રાહત

ફાઇલ તસવીર

બીએમસી વધુ એક મુકદ્દમામાં અટવાયા બાદ હવે જોગેશ્વરીના મોગરા પમ્પિંગ સ્ટેશનનું કામ અટકી ગયું છે. બીએમસીને ગયા વર્ષે મોગરા પમ્પિંગ સ્ટેશનના બાંધકામનો વર્કઑર્ડર મળ્યો હતો. મોગરા પમ્પિંગ સ્ટેશન ચાલુ થતાં અંધેરી અને વર્સોવા વિસ્તાર ચોમાસા દરમ્યાન પૂરના પ્રકોપથી રાહત મેળવી શકાય એમ હતી, પણ એ હવે શક્ય નથી દેખાતું.

૨૦૦૫ની ૨૬ જુલાઈએ પૂર આવ્યા પછી શહેરમાં આઠ પમ્પિંગ સ્ટેશન શરૂ કરવાની માધવ ચિતળે કમિટીના રિપોર્ટમાં કરાયેલી ભલામણનાં લગભગ ૧૬ વર્ષ બાદ જૂન ૨૦૨૧માં બીએમસીને વર્કઑર્ડર ઇશ્યુ કરાયા બાદ મોગરા નાળા ખાતે સાતમા પમ્પિંગ સ્ટેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે એક વ્યક્તિએ આ નાળું તેની માલિકીનું હોવાનો દાવો કરતાં હકીકતમાં કામ શરૂ થઈ શક્યું નહોતું. હવે બીએમસી કોર્ટમાં કેસ લડી રહી હોવાનું બીએમસીના એક અધિકારીએ કહ્યું હતું.

અગાઉ બીએમસીએ બીજી જમીન ફાઇનલ કરી હતી, પણ એની જમીનની માલિકીને લઈને એના બે માલિકો વચ્ચે એની કિંમતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. બીએમસીએ જમીનના મૂલ્યની રકમ ૪૫ કરોડ રૂપિયા કોર્ટમાં જમા કરાવી દીધી છે, જે વિવાદનો ઉકેલ આવ્યા બાદ જમીનના માલિકને સોંપવામાં આવવાની હતી; પરંતુ પછી બીએમસીએ એની યોજનામાં ફેરફાર કરીને મોગરા નાળામાં અન્યત્ર સ્ટેશન બાંધવાના નિર્ણય સાથે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી હતી. બીએમસી વહીવટી તંત્રએ ૩૯૩ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવનારા આ પમ્પિંગ સ્ટેશનનું કામ મેસર્સ મિશિગન એન્જિનિયર્સ અને મેસર્સ મ્હાળશા કન્સ્ટ્રક્શન (સંયુક્ત)ને આપવાનું ઠરાવ્યું હતું.

જો મોગરા પમ્પિંગ સ્ટેશનનું કામ ચોમાસા પહેલાં નહીં પતે તો આ વર્ષે પણ સબર્બ્સમાં જળબંબાકાર થવાની ભારોભાર શક્યતાઓ છે. શહેરને પૂરમુક્ત કરવા આ આઠેય ‌પમ્પિંગ સ્ટેશન તૈયાર થવાં બહુ જ જરૂરી છે. માહુલ પમ્પિંગ સ્ટેશનનું કામ પણ બાકી હોવાથી પૂર્વીય પરાંમાં એની અસર જોવા મળે એમ છે.

આઠમા અને છેલ્લા માહુલ પમ્પિંગ સ્ટેશનનું કામ હજી પેપર પર છે. માહુલ પમ્પિંગ સ્ટેશન માટે અગાઉ જે જમીન મંજૂર કરવામાં આવી હતી એ સૉલ્ટ કમિશનર પાસે હતી. ગયા વર્ષે સુધરાઈએ માહુલનો પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય કરીને એ માટે માહુલ નાળા પાસેની પ્રાઇવેટ જમીન નક્કી કરી હતી. આ જમીનને બદલે બીએમસીએ જમીનના માલિક ખાનગી ડેવલપર અજમેરા રિયલ્ટી ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયાને એની જમીન સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે બીએમસીની જમીનનો સીઆરઝેડ-ટૂ જમીનના નવા મૅપમાં સમાવિષ્ટ કરાતાં આ પ્રોજેક્ટ વધુ એક વાર પાછળ ઠેલાયો હતો. માહુલ પમ્પિંગ સ્ટેશનનું કામ પૂરું થયા બાદ માટુંગા (સેન્ટ્રલ), સાયન અને કિંગ્સ સર્કલ વિસ્તારમાં પાણી ભરાવાનું બંધ થઈ જશે.

એક તરફ દરિયાના પાણીને શહેરમાં પ્રવેશતું રોકવા પ્રત્યેક નાળા પર ફ્લડ ગેટ છે તો બીજી તરફ નાળામાંથી વધારાના પાણીને સમુદ્રમાં ઠાલવવું પણ જરૂરી છે. આ માટે જ ચિતળે કમિટીએ આઠ પમ્પિંગ સ્ટેશન ઊભાં કરવાની ભલામણ કરી હતી; જેમાંથી હાજી અલી, લવ ગ્રોન, ક્લિવલૅન્ડ, ઇર્લા, બ્રિટાનિયા અને ગજધર બંધ એમ ૬ તૈયાર થઈ ગયા છે.  
 
બૉક્સ 

શરૂ થયેલાં પમ્પિંગ સ્ટેશન 

પમ્પિંગ સ્ટેશન     કયા વિસ્તાર માટે ઉપયોગી?    ખર્ચ (રૂપિયામાં)    કયા વર્ષે શરૂ થયું? 

ઇર્લા    જુહુ વર્સોવા, વિલે પાર્લે    ૯૨ કરોડ    ૨૦૧૦

હાજી અલી    નાના ચોક, તાડદેવ, પેડર રોડ        ૯૯ કરોડ    ૨૦૧૦

ક્લિવલૅન્ડ    વરલી, દાદર, લોઅર પરેલ, એલ્ફિન્સ્ટન રોડ    ૧૧૨ કરોડ    ૨૦૧૫

લવગ્રોવ    ચિંચપોકલી, સાત રસ્તા, ભાયખલા, જે. જે માર્ગ, કરી રોડ     ૧૧૬ કરોડ    ૨૦૧૫ 

બ્રિટાનિયા    રે રોડ, લાલબાગ, હિન્દમાતા, કાલાચૌકી, ભાયખલા    ૧૧૫ કરોડ    ૨૦૧૬ 

ગજધર બંધ    ખારદાંડા, જુહુ કોલીવાડા, દૌલતનગર, શાસ્ત્રીનગર, પીએનટી કૉલોની, લિન્કિંગ રોડ     ૧૩૧ કરોડ     ૨૦૧૯

mumbai mumbai news brihanmumbai municipal corporation mumbai rains mumbai monsoon prajakta kasale