સોનાના ભાવમાં પિત્તળનાં ઘરેણાં

30 November, 2014 05:50 AM IST  | 

સોનાના ભાવમાં પિત્તળનાં ઘરેણાં




ખજાનો મળ્યો છે કહીને કોઈક વ્યક્તિ તમને સોનાનાં ઘરેણાં વેચવાની કોશિશ કરે તો તમે સાવચેત રહેજો. હાલમાં ઘણા લોકોને ખજાનો મળ્યો છે એવું કહીને વિવિધ પ્રકારની લાલચ આપતા ફોન આવી રહ્યા છે એવી ફરિયાદ મળી રહી છે. દરમ્યાન મીરા રોડ પોલીસે આવા એક કેસમાં રાજસ્થાનથી આવેલા બે ટીનેજરોને ઝડપી લીધા છે.

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી ૧૯ વર્ષનો સોનુ લખનસિંહ અને ૧૮ વર્ષનો યુનિસુદ્દીન મોહમ્મદ ખાન મીરા રોડ આવ્યા હતા. મીરા રોડ આવ્યા બાદ પહેલાં તેમણે કેટલીક માલદાર પાર્ટીઓના મોબાઇલ-નંબર મેળવી લીધા હતા. ત્યાર બાદ તેમનો સંપર્ક કરીને તેમને સસ્તા સોનાની વાતમાં ફસાવવાના પ્રયત્ન કર્યા હતા. લોકોને ફોન કરીને આ બન્ને ટીનેજર એવું કહેતા કે ‘અમારા ઘરમાં ખોદકામ કરતી વખતે અમને ખજાનો મળ્યો છે. ખજાનો મોટા પ્રમાણમાં હોવાથી અમે એને બજારમાં અડધી કિંમતે વેચવા માગીએ છીએ.’

જ્વેલર્સની સાથોસાથ આવો ફોન મીરા રોડના શાંતિનગરના સેક્ટર-એકમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતા અમિત સિંહને પણ આવ્યો હતો. ફોન આવ્યા બાદ અમિત સિંહને શંકા જતાં તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને એ વિશે બધી માહિતી આપી હતી. દરમ્યાન અમિતે ૧૬૦ ગ્રામના ઘરેણાં માટે ૧૧ લાખ રૂપિયાની ડીલ ફિક્સ કરી દીધી હતી. ત્યાર બાદ પોલીસે અમિતની ઑફિસ પાસે ટ્રૅપ બેસાડીને બન્ને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે બન્નેને પકડીને તેમની પૂછપરછ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે આ લોકોએ અન્ય ઘણા લોકોને આ રીતે છેતર્યા હશે.