કૉન્ગ્રેસ પાસેથી જેણે 2 લાખ રૂપિયા લેવાના નીકળે છે એ જોશી ટી હાઉસ કાલે કેમ સતત ખોલ-બંધ થતું હતું?

22 December, 2016 02:39 AM IST  | 

કૉન્ગ્રેસ પાસેથી જેણે 2 લાખ રૂપિયા લેવાના નીકળે છે એ જોશી ટી હાઉસ કાલે કેમ સતત ખોલ-બંધ થતું હતું?


ચાની દુકાનના માલિક હીરાલાલ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના અહીંના કર્મચારીઓ પાસેથી અમારે માત્ર છ હજાર રૂપિયા લેવાના બાકી છે. એ અખબારમાં અમારા નામે કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે.’

જોકે આ અખબારના અહેવાલ મુજબ MRCCના પ્રેસિડન્ટ સંજય નિરુપમે જોશી ચાવાળાનું પેમેન્ટ બાકી હોવાની બાબત સ્વીકારી હતી અને અખબારને જણાવ્યું હતું કે ‘અમુક અઠવાડિયાં પહેલાં જ ચાવાળાનું બિલ ચૂકવવાનું બાકી હોવાની મને જાણ થઈ હતી. એના બિલના ચાર લાખ રૂપિયા બાકી હતા. એમાંથી અડધા બિલનું પેમેન્ટ થઈ ગયું છે. છેલ્લા ચાર મહિનાનું બિલ ચૂકવવાનું રહી ગયું છે જે ટૂંક સમયમાં સેટલ કરવામાં આવશે. ખરેખર જોશીની ચા સારી હોય છે અને અમારી ઑફિસમાં બેસાડવામાં આવેલા મશીનની ચાનો સ્વાદ કર્મચારીઓને પસંદ ન હોવાથી તેઓ જોશીના ટી હાઉસની ચા પીએ છે.’

ખુદ સંજય નિરુપમે પૈસા બાકી હોવાની વાત સ્વીકારી હોવા છતાં અમને વગર વાંકે આ રાજકારણનો ભોગ બનાવવામાં આવ્યા હોવાનું જણાવીને હીરાલાલ જોશીના દીકરા ઇન્દરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતી કહો કે મારવાડી વેપારી, મોટા ભાગે ઉધારી પર વેપાર કરતા હોય છે અને વેપારનો નિયમ છે કે રોકાણ વિના નફો ન મળે. અમે મૂળ રાજસ્થાનના બાંસવાડા ગામના છીએ અને અહીં દાયકાથી વધુ સમય થયો ચાની દુકાન ચલાવીએ છીએ. અમે અમારા ગ્રાહકોને ઉધાર આપીએ છીએ કે નહીં અને તેઓ અમને પૈસા ચૂકવે છે કે નહીં એ અમારો પ્રશ્ન છે. આજે નહીં તો કાલે અમારું બાકી પેમેન્ટ મળી જશે. કોઈ પણ પક્ષને કાવાદાવા કરીને બદનામ કરવો યોગ્ય નથી અને અમારે આ બધા રાજકારણથી દૂર રહેવું છે.’


કૉન્ગ્રેસની ઑફિસે બે લાખ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનો અહેવાલ અખબારમાં આવ્યા બાદ બુધવારે સવારથી કેટલીક ચૅનલો અને અખબારોના પ્રતિનિધિઓ ચાવાળાનો પ્રતિભાવ જાણવા જોશી ટી હાઉસ પહોંચ્યા હતા. અખબારમાં આવેલા અહેવાલથી તેઓ ગભરાઈ ગયા હતા અને કોઈ પત્રકાર આવ્યો હોવાની જાણ થતાં જ હીરાલાલ જોશી દુકાન બંધ કરીને તાળું મારતા હતા અને ગ્રાહકોને દુકાન બંધ હોવાનું કહીને પાછા મોકલી દેતા હતા. પત્રકાર ત્યાંથી જતો રહે એની થોડી ક્ષણોમાં ફરી દુકાન ખોલવામાં આવતી. પત્રકાર સામે તેઓ એવું બહાનું બનાવતા કે બાજુમાં રહેતા ૭૫ વર્ષના વૃદ્ધ આજે સવારે અચાનક ગુજરી ગયા હોવાથી બે કલાક દુકાન બંધ કરવાની છે. મૃત્યુ પામેલી વ્યક્તિ વિશે પોલીસને નિવેદન આપવા જવાનું છે એવું પણ તેઓ કહેતા. પત્રકારને જોતાં જ હીરાલાલ અને તેમનો પુત્ર ઇન્દર અલગ થઈ જતા અને દુકાન બંધ કરી દેતા હતા. રાતોરાત ઉધારીના નામે ફેમસ થઈ ચૂકેલા હીરાલાલ જોશીએ આખો દિવસ દુકાન બંધ કરવાનો અને ખોલવાનો ક્રમ ચલાવ્યો હતો.

- મમતા પડિયા